બુલેટ ટ્રેન ચલાવશે સાઉદીની મહિલાઓ:32 મહિલાની પ્રથમ બેચ ટ્રેનિંગ બાદ તૈયાર, મક્કા અને મદીના વચ્ચે પહેલી કસોટી

એક મહિનો પહેલા

સાઉદી અરબમાં ચાર વર્ષ પહેલાં જ મહિલાઓના ડ્રાઇવિંગનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. ત્યારે હવે અહીંની મહિલાઓ બહુ જલદી બુલેટ ટ્રેન પણ ચલાવતી જોવા મળશે. ક્રાઉન પ્રિંસ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાનના વિઝન-2030 અંતર્ગત મહિલાઓનું આ સપનું ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે.

સાઉદી આરબ રેલવેઝે (SAR) આ અંગે જાણકારી આપી હતી. આ સાથે જ મહિલા બુલેટ ટ્રેન ડ્રાઈવરનો એક વીડિયો પણ શેર કર્યો છે. હાલ 32 મહિલાની પહેલી બેચ તેમની ટ્રેનિંગ પૂર્ણ કરી ચૂકી છે. તેમની પહેલી નિયુક્તિ મક્કા અને મદીના વચ્ચે ચાલતી બુલેટ ટ્રેનમાં કરાઈ છે.

નવા વર્ષ નિમિત્તે એક વીડિયો જાહેર કર્યો
સાઉદી અરેબિયન રેલવે દ્વારા સોશિયલ મીડિયા પર 32 મહિલા ટ્રેન-ડ્રાઈવરોની ટ્રેનિંગ પૂર્ણ થવાની માહિતી આપવામાં આવી હતી. આ સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં આ મહિલાઓ તેમના પુરૂષ સહયોગી સાથે જોવા મળે છે. આ વીડિયો નવા વર્ષના પહેલા દિવસે જાહેર કરવામાં આવ્યો છે. આમાં, એક મહિલા ડ્રાઇવર કહે છે - અમે આ પ્રોજેક્ટનો ભાગ બનીને ખૂબ જ ખુશ છીએ. અમને ગર્વ છે કે આ તક મળી છે.

ટ્રેનિંગ બાદ હવે આ બેચની મહિલાઓ 453 કિલોમીટર લાંબી હરમન હાઈ સ્પીડ લાઇન પર બુલેટ ટ્રેન દોડાવતી જોવા મળશે. આ લાઈન મક્કા અને મદીનાને જોડે છે.

હવે સારા કરિયરની તકો

  • તાજેતરના સમયમાં સાઉદી મહિલાઓએ દેશની અર્થવ્યવસ્થાને સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને હવે આ વલણ વધુ મજબૂત થઈ રહ્યું છે. આ એટલા માટે પણ મહત્ત્વનું છે, કારણ કે 2018 પહેલાં અહીં મહિલાઓને ડ્રાઈવિંગ કરવાની પણ મંજૂરી નહોતી.
  • ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને 2016માં વિઝન 2030 શરૂ કર્યું. એનો હેતુ તેલ પર દેશની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવાનો છે. આ અંતર્ગત આવા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં મહિલાઓનો પણ મોટો ભાગ છે. હવે સરકારી ઓફિસો ઉપરાંત ઘણી મહિલાઓ પ્રાઈવેટ સેક્ટરમાં પણ કામ કરી રહી છે. શિક્ષણક્ષેત્રે પણ તેમનો ભાગ ઝડપથી વધ્યો છે.
  • 2022ની શરૂઆતમાં મહિલાઓ માટે 30 બુલેટ ટ્રેન ડ્રાઇવરની વેકેન્સી બહાર પાડવામાં આવી હતી. બાદમાં વધારીને 32 કરવામાં આવી. આ 32 જગ્યા માટે 28 હજાર મહિલાએ અરજી કરી હતી.
  • ગત વર્ષે સાઉદી આરબમાં ઊંટની 'શિપ્સ ઑફ ધ ડેઝર્ટ' સ્પર્ધામાં પહેલીવાર મહિલાઓએ ભાગ લીધો હતો. રિયાદમાં આયોજિત આ સ્પર્ધામાં કરોડો રૂપિયાનું ઇનામ હતું, જેમાં 40 મહિલાઓએ ભાગ લીધો હતો.
  • બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના અહેવાલ મુજબ, 2018માં સાઉદીમાં નોકરી કરતી મહિલાઓની સંખ્યા 20% હતી. 2020ના અંતમાં આ આંકડો વધીને 33% થઈ ગયો.
અન્ય સમાચારો પણ છે...