પાક. PMની પૂર્વ પત્ની પર હુમલો:ઈમરાન ખાનની પૂર્વ પત્નીની કાર પર ફાયરિંગ, ઈમરાન પર નિશાન સાધતાં પૂર્વ પત્નીએ કહ્યુ- શું આ જ છે નવું પાકિસ્તાન?

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • રેહમ ખાને કહ્યુ- હું મોતથી ડરતી નથી, હું મારા દેશ માટે ગોળી ખાવા પણ તૈયાર છું

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. રેહમ ખાન એક લગ્ન સમારોહમાંથી રાત્રે ઘરે પરત જઈ રહી હતી, તે દરમિયાન તેમની કાર પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. આ બાબતે તેમણે પોતે જ જાણકારી આપી હતી. આ મામલે રેહમ ખાને ટ્વીટ કરીને ઈમરાન ખાન પર નિશાન સાધ્યુ હતુ, અને પુછ્યુ કે શું આ જ નવું પાકિસ્તાન છે.

બે શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યુ હતુ
સોમવારે તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, હું મારા ભત્રીજાનાં લગ્નમાંથી રાત્રે ઘરે પરત જઈ રહી હતી, તે દરમિયાન બાઈક પર આવેલાં બે શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યુ હતુ. તેમણે કારને રોકવાનાં પ્રયાસ કર્યા હતો. આ દરમિયાન સુરક્ષા જવાન અને ડ્રાઈવર પણ કારમાં સાથે જ હતા. આ મામલે રેહમ ખાને કહ્યુ કે શું આ જ ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન છે? લૂંટારાઓ, કાયર અને લોલચુ લોકોનાં દેશમાં આપનું સ્વાગત છે.

રેહમ ખાને કહ્યુ - હું મોતથી ડરતી નથી​​​​​​​
પોતાનાં વધુ એક ટ્વીટમાં તેમણે લખ્યું કે હું એક સામાન્ય પાકિસ્તાન નાગરિકની જેમ પાકિસ્તામનાં જ જીવવાં અને મરવાં માંગુ છું. ભલે પછી મારા પર કાયરતાભર્યો હુમલો થાય કે પછી કાયદા અને વ્યવસ્થાનાં લીરે લીરાં ઉડાડવામાં આવે. આ સરકારે તેની જવાબદારી લેવી જોઈએ. હું મારા દેશ માટે ગોળી ખાવા પણ તૈયાર છું. હું મોતથી ડરતી નથી, પરંતુ હું તેમના માટે ચિંતિત છું જેઓ મારા માટે કામ કરે છે.

લગ્નના એક વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
લગ્નના એક વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

આ અગાઉ પણ રેહમ પૂર્વ પતિ ઈમરાનને ઘણા મુદ્દાઓ પર ઘેરી ચૂકી છે
જણાવી દઈએ કે મૂળ બ્રિટિશ પાકિસ્તાની પત્રકાર રેહમ ખાન પાકિસ્તાનના વડાપ્રધાનની બીજી પત્ની હતી. લગ્નના એક વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ પહેલીવાર નથી કે જ્યારે રેહમ ખાને ઈમરાન ખાનની ટીકા કરી હોય. આ અગાઉ પણ તે પૂર્વ પતિ ઈમરાનને ઘણા મુદ્દાઓ પર ઘેરી ચૂકી છે. રેહમ ખાને અગાઉ પાકિસ્તાનમાં વધી રહેલા બળાત્કારના કેસોમાં મહિલાઓના વસ્ત્રોને લઈને ઈમરાન ખાનનાં વિવાદાસ્પદ નિવેદનની ટીકા કરી હતી.