તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘Eye of fire’:મેક્સિકોનાં અખાતમાં મધદરિયે ગેસ પાઈપલાઈન લીક થતા આગ ફાટી નિકળી; વીડિયો વાઈરલ થયો

મેક્સિકો સિટીએક મહિનો પહેલા
  • મધદરિયે પણ આગ બુઝાવવા માટે ફાયરફાઈટર્સની જરૂર પડી
  • પાંચ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી
  • કોઈ જાનહાનિ ન થઈ હોવાનો ઓઈલ કંપનીનો દાવ

મેક્સિકોના અખાતમાં ચોતરફ પાણીની વચ્ચે આગ ફાટી નીકળતા ફાયરફાઈટર્સે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વાસ્તવમાં, મેક્સિકોની ઓઈલ કંપની પેટ્રોલિયોસ મેક્સિકાનોસ અથવા પેમેક્સની સમુદ્રના પાણીમાં રહેલી પાઈપલાઈનમાંથી ગેસ લીક થયા પછી આગ ફાટી નીકળી હતી. જેના કારણે મધદરિયે પણ આગ બુઝાવવા માટે ફાયરફાઈટર્સને દોડી જવું પડ્યું હતું. કેટલાક અખબારો અને પત્રકારોએ આગના દૃશ્યો સાથેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

ચોતરફ પાણીની વચ્ચે ગોળાકારમાં આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી. જેના કારણે તેનો આંખ જેવો આકાર જોવા મળી રહ્યો હતો. જેના કારણે પત્રકારોએ આ દૃશ્યને ‘આઈ ઓફ ફાયર’ નામ આપ્યું. સોશિયલ મીડિયા પર આ ક્લીપને હજારો વ્યૂઝ થોડા જ સમયમાં મળી ગયા. જો કે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હોવાના અહેવાલો મળ્યા છે.

પાંચ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી
ઓઈલ કંપની પેમેક્સે કહ્યું હતું કે મેક્સિકોના અખાતમાં અંડરવોટર પાઈપલાઈનમાંથી ગેસ લીક થવાથી જે આગ લાગી તેને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં પાંચ કલાક સુધી ફાયરફાઈટર્સને મથામણ કરવી પડી હતી. આગ કઈ રીતે લાગી તેના વિશે તપાસ શરૂ કરવામાં આવી છે. રોઈટરના અહેવાલ અનુસાર, પેમેક્સે જણાવ્યું હતું કે આગ હવે સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. આગ લાગી એ સ્થળથી પેમેક્સ ઓઈલ પ્લેટફોર્મ નજીક હતું. જેના કારણે જો સમયસર આગ કાબુમાં ન લેવાઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જો કે ફાયરફાઈટર્સ બોટ દ્વારા પહોંચી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી હતી.

કોઈ જાનહાનિ ન થઈ હોવાનો ઓઈલ કંપનીનો દાવો
ઓઈલ કંપની પેમેક્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે અંડરવોટર પાઈપલાઈનમાંથી ગેસ લીક થયા પછી આગ શરૂ થઈ હતી. આ પાઈપલાઈન સીધી જ કંપનીના ‘કુ માલુબ ઝાપ’ ઓઈલ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે. જેના કારણે આગ તાત્કાલિક કાબુમાં લેવા ત્વરિત પગલા લેવાયા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું પેમેક્સે જણાવ્યું છે. કંપનીના કહેવા પ્રમાણે, આગ કાબુમાં આવ્યા પછી હવે ઓઈલ પ્રોડક્શન ફરીથી શરૂ થઈ ચૂક્યું છે. આગની જ્વાળાઓ હવે સંપૂર્ણપણે બુઝાવી દેવાઈ છે. પાઈપલાઈનમાંથી ગેસ કઈ રીતે લીક થયો અને આગ ફાટી નીકળી તેના વિશે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પણ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.

કંપનીએ જણાવ્યું હતું કે આગ બુઝાવવા માટે અનેક બોટ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવાઈ હતી. જો કે કેટલાક કર્મચારીઓએ એમ પણ કહ્યું હતું કે આગ બુઝાવવા માટે નાઈટ્રોજનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પેમેક્સ ઈન્ડસ્ટ્રીઅલ અકસ્માતોનો લાંબો ઈતિહાસ ધરાવે છે.
પેમેક્સ ખાતે આગ લાગવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. વાસ્તવમાં પેમેક્સમાં ઈન્ડસ્ટ્રીઅલ એક્સિડન્ટ્સનો લાંબો ઈતિહાસ ધરાવે છે. અગાઉ અનેકવાર ઈન્ડસ્ટ્રીઅલ અકસ્માતની ઘટનાઓ તેમજ આગની ઘટનાઓ બની છે. મેક્સિકોના ઓઈલ સેફ્ટી રેગ્યુલેટર ASEAના વડા એન્જેલ કેરિઝેલ્સે ટ્વીટ કરીને લખ્યું હતું કે મેક્સિકોના અખાતમાં આગની ઘટના બની તેમાં ક્યાંય ઓઈલ સમુદ્રમાં ફેલાયું હોય એવા અહેવાલો નથી. પરંતુ તેઓ એ કહેવામાં અસમર્થ રહ્યા હતા કે પાણીની સપાટી પર જે આગ જોવા મળી હતી ત્યારે એ આગમાં વાસ્તવમાં શું બળી રહ્યું હતું.