• Gujarati News
 • International
 • PM Modi's 'sister' Karima Baloch Killed In Canada; Find Out What They Were Struggling With In Balochistan

ભાસ્કર એક્સપ્લેનર:PM મોદીનાં 'બહેન' કરીમા બલોચની કેનેડામાં હત્યા થઈ ગઈ; બલુચિસ્તાનમાં કઈ વાતને લઈ સંઘર્ષ કરતાં હતાં એ જાણો

10 મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ

બલુચિસ્તાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનને લઈ પાકિસ્તાનની સેના સામે મોરચો ખોલનાર કરીમા બલોચ કેનેડામાં મૃતહાલતમાં મળી આવ્યાં છે. તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને કરીમાનો મૃતદેહ ટોરંટો પાસે હર્બરફ્રન્ટમાં મળી આવ્યો છે. કરીમાના પતિ હમ્માલ હૈદર અને ભાઈએ મૃતદેહની ઓળખ કરી છે. આ સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી ISIએ કરીમાની હત્યા કરાવી છે.

કરીમા બલોચ કોણ હતી? કરીમાએ મોદીને લઈ શું કહ્યું હતું? શું અગાઉ પણ કોઈ બલોચ નેતાનું આ રીતે મૃત્યુ થયું છે? આ પ્રશ્નો અંગે જાણીએ...

કરીમા બલોચ કોણ હતાં?

 • કરીમા બલોચ હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ હતાં. તેઓ બલુચિસ્તાનમાં પાકિસ્તાન સેનાના અત્યાચારો સામે સંઘર્ષ કરી રહ્યાં હતાં. વર્ષ 2016માં પાકિસ્તાની સેના દ્વારા ઉત્પીડનમાંથી બચીને કેનેડા પહોંચી ગયાં હતાં. કરીમા અહીં શરણાર્થીની માફક રહેતાં હતાં. તેમને બલુચોની સૌથી મજબૂત અવાજ પૈકી એક માનવામાં આવતાં હતાં.
 • વર્ષ 2016માં BBCએ દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં કરીમાનું નામ હતું. તેઓ પાકિસ્તાનમાંથી બલુચિસ્તાનની આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં. કરીમા બલોચ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન-આઝાદનાં ભૂતપૂર્વ ચેરપર્સન પણ હતાં.
 • કેનેડામાં નિર્વાસન સમયે પણ તેઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પાકિસ્તાન સરકાર અને સેના દ્વારા બલુચિસ્તાનમાં કરવામાં આવી રહેલા અત્યાચારોને લગતી માહિતી આપતાં હતાં. લઘુમતીઓ, બલોચ મહિલાઓ પર કરવામાં આવતા અત્યાચારોના મુદ્દા ઉઠાવતાં હતાં.
 • તેઓ બલુચિસ્તાનમાં થઈ રહેલા અત્યાચારોને લગતા કેસો સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલા યુનાઈટેડ નેશનના સત્રમાં પણ ઉઠાવી ચૂક્યા હતા. તેઓ બલુચિસ્તાનની મુખ્ય મહિલા એક્ટિવિસ્ટ્સ પૈકી એક હતાં.

તેમના મૃત્યુ અંગે અત્યારસુધીમાં શું સામે આવ્યું છે?
ધ બલુચિસ્તાન પોસ્ટ પ્રમાણે, તેમણે છેલ્લે રવિવારે ટોરંટોની બે સ્ટ્રી અને ક્વીન્સ ક્લે વેસ્ટ એરિયામાં જોવા મળ્યાં હતાં. કરીમાના પરિવારે કહ્યું હતું કે તેમની લાશ મળી છે. પરિવારે તેમની પ્રાઈવેસી જાળવી રાખવા અપીલ કરી છે. પોતાના એક્ટિવિઝમને લીધે કરીમા મોટા ભાગે પાકિસ્તાન સરકારના નિશાન પર રહેતાં હતા. એને લીધે તેમને કેનેડામાં આશ્રય લેવો પડ્યો હતો. હવે પાકિસ્તાન પર તેમની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો છે. તારેક ફતેહએ આ ઘટના પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનો દાવો કર્યો છે.

ભારતમાં ક્યારે ચર્ચામાં આવ્યાં કરીમા?
વર્ષ 2016માં રક્ષાબંધનના દિવસે કરીમા બલોચે સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ભાઈ ગણાવ્યા હતા તેમ જ તેમને બલોચ લોકોનો અવાજ બનવાની અપીલ કરી હતી. આ પોસ્ટ બાદ તેઓ ભારતીય મીડિયામાં ચમક્યાં હતાં. આ પોસ્ટ બાદ પાકિસ્તાને કરીમા સહિત ત્રણ બલોચ નેતા પર કેસ દાખલ કર્યો હતો. તમામ નેતા સામે પાકિસ્તાન સામે યુદ્ધ છેડવાનો પ્રયત્ન તથા પાકિસ્તાની અધિકારીઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો.

શું અગાઉ આ રીતે કોઈ બલોચનું મૃત્યુ થયું હતું

 • કરીમા અગાઉ માર્ચ, 2020માં સ્વીડનમાં રહેતા બલોચ પત્રકાર સાજિદ હુસૈન પણ ગુમ થઈ ગયા હતા. બાદમાં તેમની લાશ એક નદીના કિનારે મળી હતી. સાજિદના પરિવાર, મિત્રો અને સંબંધીઓએ દાવો કર્યો હતો કે તેમની હત્યા થઈ ગઈ છે.
 • પેરિસના જર્નલિસ્ટ ઓર્ગેનાઈઝેશન રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે આરોપ લગાવ્યો હતો કે સાજિદનું શંકાસ્પદ રીતે ગુમ થવું અને તેમનું મૃત્યુ થવું તે એક ષડયંત્ર હતું, જેને પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી ISI (ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલિજન્સ) અને MI (મિલિસ્ટ્રી ઈન્ટેલિજન્સ ઓફ પાકિસ્તાન) દ્વારા ઘડવામાં આવ્યુ હતું. એને લીધે પત્રકાર તરીકે તેમનું કામ પાકિસ્તાનને ખટકતું હતું.

બલુચિસ્તાન પર પાકિસ્તાનની નીતિ શું છે?
પાકિસ્તાનની સરકાર હંમેશાં અહીંથી કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી રહી છે. સંસાધનોના વપરાશ તથા બહારની વસતિને અહીં વસવાટ કરવાને લઈ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નો સામે વર્ષ 2003થી અહીં સંઘર્ષ ચરમસીમા પર છે. પાકિસ્તાની સેના અને સરકાર અહીં મૂળ બલોચ લોકો ખાસ કરીને લઘુમતી સમુદાયો પર ભેદભાવભર્યું વલણ ધરાવે છે. હજારો બલોચ લોકો પાકિસ્તાન સેનાના હાથે માર્યા જાય છે અથવા ગુમ થઈ જાય છે. બલોચ એક્ટિવિસ્ટનો આરોપ છે કે અહીં પાકિસ્તાની સેના હ્યુમન રાઈટ્સનું ઉલ્લંઘન કરી રહી છે. આ નીતિની સામે અનેક બલોચ અલગતાવાદી તથા કટ્ટરપંથી સંગઠનો છેલ્લા બે દાયકાથી બલુચિસ્તાનમાં સક્રિય છે.

આ વિસ્તારમાં ચીનની શું દરમિયાનગીરી છે?

 • એશિયા અને પાકિસ્તાનમાં પોતાનો દબદબો યથાવત્ રાખવા અને ભારત તથા અમેરિકા સામે ટક્કર લેવા માટે ચીન અહીં અનેક કામ કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે બની રહેલા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)માં બલુચિસ્તાન મહત્ત્વનો વિસ્તાર છે.
 • CPEC બલુચિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડશે. આ બંદરને તૈયાર કરવાનું કામ પણ વર્ષ 2002માં ચીને શરૂ કર્યું હતું. એને તૈયાર કરવા માટે ચીનથી એન્જિનિયર, અધિકારીઓ તથા શ્રમિકોને લાવવામાં આવ્યા હતા. બલોચ લોકોને તેનાથી બહાર રાખવામાં આવ્યા હતા. અહીંની જમીન પણ અધિકારીઓએ બલોચ લોકો પાસેથી લઈ મોટી કિંમતમાં વેચાણ કરી છે. તેને લીધે અહીં હિંસા શરૂ થઈ ગઈ છે. વર્ષ 2004માં અલગતાવાદીઓના હુમલામાં ત્રણ ચીની એન્જિનિયર માર્યા ગયા હતા. હિંસાને અટકાવવા માટે પાકિસ્તાને વર્ષ 2005માં લશ્કરની મદદ લીધી હતી.
 • બલુચિસ્તાનમાં અલગતાવાદી અને રાજકીય પક્ષ બન્ને ચીનના આ રોકાણનો ભારે વિરોધ કરી રહ્યા છે. બલોચ અલગતાવાદીઓનું કહેવું છે કે ચીન અહીં આર્થિક યોજના લાવી રહ્યું છે. ચીનનાં ઉત્પાદનોમાં બલોચ લોકોની સહમતી લેવામાં આવી નથી.
 • ચીને છેલ્લા બે દાયકામાં અહીં અબજો ડોલરનું મૂડીરોકાણ કર્યું છે, પણ એને લીધે બલુચિસ્તાનના લોકોને કોઈ જ લાભ મળ્યો નથી. પાકિસ્તાન સરકારે પણ ઘણી કમાણી કરી છે. સ્થાનિક લોકો કહે છે કે પાકિસ્તાન સરકાર પોતાની પર રહેલા દેવાંને ઓછું કરવા માટે બલુચિસ્તાનને ચીન સમક્ષ વેચી રહ્યું છે.

બલુચિસ્તાન અંગે ભારતનું શું વલણ છે?
સ્વતંત્રતા બાદથી ભારત બલુચિસ્તાનના મુદ્દે કંઈપણ કહેવાથી દૂર રહેતું હતું, કારણ કે એ કોઈ દેશની આંતરિક બાબત હતી. વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ તેમના ભાષણમાં બલુચિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો. અલબત્ત, બલુચિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને પાકિસ્તાની સરકાર ભારત પ્રાયોજિત હોવાનું કહે છે.

બલુચિસ્તાનનો ઈતિહાસ શું છે?

 • અંગ્રેજોના શાસન સમયે બલુચિસ્તાન ચાર ભાગમાં વહેંચાયેલું હતું. તેમાં ત્રણ-મકરાન, લસ વેલા અને ખારન સ્વતંત્રતા બાદ પાકિસ્તાન સાથે ભળી ગયા હતા, પણ કલાતના ખાન યાર ખાને પોતાને સ્વતંત્ર જાહેર કર્યા હતા. 27 માર્ચ 1948ના રોજ પાકિસ્તાન સેનાએ કલાત પર કબજો કરી લીધો. ત્યાર બાદથી પાકિસ્તાન સામે અલગ-અલગ સમયે આ મુદ્દાને લઈ સતત બલુચિસ્તાનનો પાકિસ્તાની સરકાર તથા સેના સાથે સંઘર્ષ ચાલતો રહ્યો છે.
 • બલુચિસ્તાન આજે પણ પાકિસ્તાનના સૌથી ગરીબ અને સૌથી ઓછી વસતિ ધરાવતા વિસ્તારો પૈકી એક છે. અનેક દાયકાથી અહીં અલગાવવાદી સક્રિય છે. વર્ષ 2005માં પાકિસ્તાને અલગાવવાદીઓ સામે સૈન્ય અભિયાન પણ ચલાવ્યું હતું. જોકે સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નહિ.