• Gujarati News
 • International
 • Find Out What Is The Shortage Of Globally Created Semiconductor Chip, The Reasons Behind It And What Are The Implications For India?

Chip હવે Cheap નથી:વૈશ્વિકસ્તરે સર્જાયેલી સેમિકન્ડક્ટર ચીપની અછત શું છે, ભારત પર અસર અને આ ક્ષેત્રમાં રહેલી તકો વિશે જાણો

14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર વિશ્વમાં 100 અબજથી વધારે ઈન્ટીગ્રેટેડ સર્કિટ્સ દૈનિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવે છે
 • બ્રહ્માંડમાં રહેલી આકાશ ગંગા ગેલેક્સિમાં જેટલા તારા છે એટલી સંખ્યામાં આપણે ચીપ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ

કોરોના મહામારીને લીધે દક્ષિણ પૂર્વ એશિયામાં ચીપ એસેમ્બલી લાઈનની કામગીરી અટકી પડવાને લીધે વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર ચીપની ભારે અછત સર્જાય છે, તેને લીધે ઓટો તથા ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની કંપનીઓએ તેમના ઉત્પાદન કામગીરીને અટકાવવાની ફરજ પડી રહી છે. ચીપની કારમી અછતને લીધે વર્ષ 2021માં વૈશ્વિક સ્તરે ઓટો ઉદ્યોગને 210 અબજ ડોલરની આવકને ફટકો પડ્યો છે, ગયા વર્ષે જ્યારે સેમિકન્ડક્ટર ચીપની અછતની શરૂઆત ત્યારે આ આંકડો વૈશ્વિકસ્તરે 110 અબજ ડોલર હતો,જે અત્યારે લગભગ બમણું થઈ ગયું છે, એટલું જ નહીં સેમિકન્ડક્ટર ચીપ સંકટનો અંત ક્યારે આવશે તે કહેવું પણ અત્યારે મુશ્કેલ છે.

વિશ્વના મોટાભાગના દેશો પોતાને ત્યા આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવવો તે માટે વિવિધ વિકલ્પો અંગે વિચારણા કરી રહ્યા છે. હવે મલેશિયા, વિયેતનામ અને ફિલિપાઈન્સ જેવા દેશો કોરોનાના ડેલ્ટા-વેરિએન્ટની ઝપટમાં આવી ગયા છે ત્યારે ફેક્ટરીઓમાં ઉત્પાદનોમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. વિશ્વમાં સેમિકન્ડરક્ટર ચીપની કટોકટી શા માટે સર્જાઈ તથા ભારતને શું અસર થઈ શકે છે અને માટે આ સ્થિતિ કેવી રીતે ઉત્તમ તકમાં પરિવર્તિત થઈ શકે છે તે અંગે આજે આપણે વાત કરશું.

ચીપ (Chip)શું છે?

 • ચીપને માઈક્રોચીપ, સેમીકન્ડક્ટર, પ્રોસેસર અથવા ઈન્ટીગ્રેટેડ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. સિલિકોન વેફર (Silicon Wafer) વગર ચીપ બનાવવી લગભગ અશક્ય છે.
 • ચીપ્સ સામાન્ય રીતે વીજળીના પ્રવાહને નિયંત્રિત કરવા ઉપયોગમાં લેવામાં આવે છે.આપણી આજુબાજુ એવા ઘણા ઉપકરણો છે કે જે ચીપ્સને લીધે સંચાલિત છે, જેમ કે વોશિંગ મશીન, એક્સ-રે મશીન, કાર, ફોન, લેપટોપ, LED બલ્બ, ATM, ટ્રેન, વગેરે.
 • સામાન્ય રીતે ચીપ ગેટ્સ અને ટ્રાન્ઝીસ્ટર્સથી ડિઝાઈન કરવામાં આવેલી હોય છે,જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. દરેક ટ્રાન્ઝીસ્ટર વીજ પ્રવાહને અટકાવે છે અથવા મર્યાદિત પ્રમાણમાં વહેવા માટે પરવાનગી આપે છે. જ્યારે ગેટ્સ (Gate)ટ્રાન્ઝીસ્ટર્સને ચાલુ અને બંધ કરીને વીજ કરંટને મોકલવા, પ્રાપ્ત કરવા અને પ્રોસેસ કરવા જેવી સ્થિતિને નિયંત્રિત કરે છે.
 • ગાઝાના ગ્રેટ પિરામિડ જેટલા પથ્થરોથી બનેલો છે એટલી સંખ્યામાં એક સેમીકન્ડક્ટર ચીપમાં ટ્રાન્ઝિસ્ટર્સ આવેલા હોય છે.
 • આજે સમગ્ર વિશ્વમાં 100 બિલિયન (100 અબજ)થી વધારે ઈન્ટીગ્રેટેડ સર્કિટ્સ દૈનિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે કે સરળ શબ્દોમાં સમજીએ તો બ્રહ્માંડમાં રહેલી આકાશ ગંગા ગેલેક્સિમાં જેટલા તારા (Stars)છે એટલી સંખ્યામાં આપણે ચીપ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ.
 • પ્રત્યેક વર્ષ એક ટ્રીલિયન ચીપ્સનું ઉત્પાદન થાય છે. એક ચીપ્સનું ઉત્પાદન કરવામાં આશરે બે મહિનાનો સમય લાગે છે. એક ચીપ્સને તૈયાર થવા તે ત્રણ હજારથી વધારે પ્રક્રિયા કે પગલાંમાંથી પસાર થાય છે તથા પ્લાન્ટમાંથી બહાર આવે તે અગાઉ અનેક મશીનોમાં તેની ઉપર કામ કરવામાં આવે છે.

કોરોના બાદ ડિજીટલાઈઝેશન અને વર્ક ફ્રોમ હોમ

 • કોરોના મહામારીને લીધે વિશ્વભરમાં લગભગ તમામ ક્ષેત્રમાં કામગીરી અટકી પડેલી, શાળાથી લઈ ઉદ્યોગ-કારોબારને ભારે અસર થઈ. આ સંજોગોમાં લોકડાઉનની સ્થિતિમાં વિશ્વમાં ડિઝીટલાઈઝેશનને વેગ મળ્યો, વર્ક ફ્રોમ હોમ, કોન્ફરન્સ, મીટિંગ્સ, શૈક્ષણિક કામગીરી વગેરેનું સંપૂર્ણપણે ડિજીટલાઈઝેશન થઈ ગયું. ઓનલાઈન ઓર્ડરમાં તીવ્ર ઉછાળો આવ્યો, લોકો તેમના ઘરે-ઓફિસોમાં કામ કરવા માટે કોમ્પ્યુટર-લેપટોપ ખરીદવા લાગ્યા.
 • લોકડાઉનમાં એક્ટિવ રહેવા અને આરોગ્યલક્ષી અભિગમ વધતા ફિટનેસને લગતા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની માગ વધી. એન્ટરટેઈનમેન્ટ માટે ગેમિંગ ડિવાઈસની પણ ધૂમ માગ નિકળી તેની સામે વિશ્વના અગ્રણી ઉત્પાદક દેશોમાં સેમિકન્ડક્ટર ચીપનું કોરોનાને લીધે ઉત્પાદન અટકી પડેલું હતું અથવા તો બિલકુલ ઘટી ગયેલું. આ સંજોગોમાં વિશ્વ બજારમાં ચીપનો જે પણ પુરવઠો હતો તે સંપૂર્ણપણે વેચાઈ ગયો. બીજા શબ્દોમાં કહીએ તો ચીપના પુરવઠા-ઉત્પાદનની તુલનામાં માગ અનેક ગણી વધી ગયેલી.

સુપરપાવર વચ્ચેની લડાઈ

 • ચીપ્સની તંગી પાછળ વૈશ્વિકસ્તરે સુપરપાવર વચ્ચેની લડાઈ પણ જવાબદાર છે. અમેરિકાએ ગય વર્ષે ચીનની સૌથી મોટી ચીપ્સ ઉત્પાદક કંપની સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈન્ટરનેશનલ કોર્પોરેશન (SMIC)ને બ્લેકલિસ્ટમાં એટલે કે પ્રતિબંધ મુકી દીધો હતો, જેને લીધે અમેરિકા સાથે સંકળાયેલી કંપનીઓને ચીપ્સનું વેચાણ કરવું તેના માટે મુશ્કેલ બની ગયું હતું.
 • આ સંજોગોમાં ચીપ્સની જરૂરિયાત ધરાવતી કંપનીઓ તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC) સહિત અન્ય દેશોની કંપની તરફ વળી, પણ આ કંપનીઓ તેમની મહત્તમ ક્ષમતાથી ઉત્પાદન કરી રહી હતી.
 • TSMC કંપની અગાઉથી જ સોની, એપલ, માઈક્રોસોફ્ટ, ક્વાલકોમ તથા AMD તથા ઈન્ટેલ જેવી કંપનીઓ માટે ચીપ્સ બનાવતી હતી.

દુષ્કાળ અને આગની ઘટના

 • ચીપ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ મોટા પ્રમાણમાં અલ્ટ્રા-પ્યોર વોટર (Ultra-Pure Wate)નો ઉપયોગ કરે છે. તે પોતાના યુનિટ્સ તથા સિલિકોન વેફર્સની સફાઈ માટે ઉપયોગ કરે છે.
 • એકલી TSMCની ફેસિલિટી દૈનિક 63,000 ટન અલ્ટ્રા-પ્યોર વોટરનો ઉપયોગ કરે છે. જે બે સ્થાનિક જળાશયોના કુલ પાણી પૈકી 10 ટકા પાણીનો વપરાશ કરે છે. તાઈવાનમાં વર્ષ 2020-21માં છેલ્લા 50 વર્ષમાં સૌથી ભયંકર દુષ્કાળ છે.
 • આ ઉપરાંત જાપાનમાં રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ (Renesas Electronics)નાકા ફેક્ટરીમાં આગ લાગી હતી અને તેને N3 બિલ્ડિંગને ભારે નુકસાન થયેલું. આ કંપની ઓટોમોટીવ મિનિ-કન્ટ્રોલર્સના અનેક ઉત્પાદન કરે છે.
 • જુલાઈ,2020માં પણ જાપાનની ABF (અજીનોમોટો બિલ્ડ-અપ ફિલ્મ) તરીકે ઓળખાતી ચીપ કમ્પોનેન્ટના પ્લાન્ટમાં આગ લાગી હતી.
 • ઓક્ટોબર,2020માં જાપાનમાં સેન્સર ઉત્પાદક અસાહિ કસેઈ માઈક્રોડિવાઈસિસના સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં આગ લાગી હતી, જેને લીધે પણ પુરવઠાની સ્થિતિને અસર થઈ હતી.
 • આ ઉપરાંત કન્ટેઈનર્સની તંગી પણ મહત્વનું કારણ હતું. સમુદ્ર માર્ગે પરિવહન કરવામાં આવતા મોટા કદના બોક્સનો ઉત્પાદનોના સંગ્રહ અને પરિવહન માટે ઉપયોગ કરવામાં આવે છે.

ચીપ્સની તંગીની કોના પર અસર થઈ છે

 • ચીપ્સનો ઉપયોગ કરતાં કોઈ પણ સેક્ટરને કેટલાક સ્તર સુધી તંગીની અસર થઈ છે, અલબત છેવટે તો ગ્રાહકોને જ સૌથી વધારે અસર થઈ છે, કારણ કે ઉત્પાદકો તેમના પર જે દબાણ આવે છે તે ભાવ વધારાના સ્વરૂપમાં ગ્રાહક પર જ આ દબાણને છોડી દે છે.
 • ભારતમાં છેલ્લા એક વર્ષના સમય ગાળામાં કોમ્પ્યુટર, લેપટોપ સહિત અનેક ઈલેક્ટ્રીક ઉત્પાદનોમાં ભાવ વધારો થયેલો જોવા મળ્યો છે. લેપટોપ થી લઈ મોબાઈલની કિંમતોમાં ઓછામાં ઓછા પાંચ ટકાનો ભાવ વધારો છેલ્લા છ મહિનામાં જોવા મળ્યો છે.
 • બીજી બાજુ ચીપ્સની કિંમતોમાં પણ 15થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે મેમરી તથા સ્ટોરેજને લગતા કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતી અત્યાધુનિક ચીપ્સની કિંમતમાં ચાર ગણો વધારો થયો છે. ચીપ્સની અછતની ટેલિકોમ સેક્ટરમાં પણ વિપરીત અસર થઈ છે.

ભારતમાં ઓટો સેક્ટર પર અછતની અસર

 • સેમી કન્ડક્ટરની અછતને લીધે ભારતીય ઓટો કંપનીઓ માટે પણ મુશ્કેલી સતત વધી રહી છે. ભારતમાં પણ અનેક ઓટો કંપનીઓ છે કે જે સેમી કન્ડક્ટરની અછતને લીધે તેમના ઉત્પાદનમાં કાપ મુકવા જઈ રહી છે અથવા તો બંધ કરવા જઈ રહી છે. જેમ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાહેરાત કરી છે કે તે પોતાના ઉત્પાદનને સાત દિવસ માટે મોકૂફ રાખી શકે છે. ઓગસ્ટમાં ઓટો કંપનીએ ભલે વાર્ષિક અને માસિક ધોરણે વૃદ્ધિ દર્શાવી હોય પણ પણ તેમણે આ સાથે સ્વીકાર પણ કર્યો છે કે સેમી કન્ડક્ટરની અછતને લીધે તેમના વૃદ્ધિના આંકડા નીચા રહ્યા છે.
 • મારૂતિ કંપનીએ તેના હરિયાણા અને ગુજરાત સ્થિત યુનિટ ખાતે ઉત્પાદન ઓછું થાય તેવી શક્યતા દર્શાવી છે. કંપની ગુરુગ્રામ અને માનેસર પ્લાન્ટમાં વાર્ષિક 15 લાખ કાર જ્યારે ગુજરાત પ્લાન્ટમાં આશરે 7.50 લાખ કારનું ઉત્પાદન કરે છે.
 • અત્રે ઉલ્લેખનીય છે કે દસ હજાર યુનિટ ઉત્પાદન ઘટાડો થવાના સંજોગોમાં રૂપિયા 470-500 કરોડનું નુકસાન થાય તેવો અંદાજ છે. ગત ઓગસ્ટમાં ચીપની તંગીને લીધે કંપનીના ઉત્પાદનમાં 8 ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત એમએન્ડએમનું ઓગસ્ટમાં ઉત્પાદન નોંધપાત્ર ઘટ્યું હતું.

ભારત માટે ચીપ ઉત્પાદનમાં રહેતી તકો

 • વિશ્વમાં સેમીકન્ડક્ટર ચીપ્સની અછત વચ્ચે ભારત આ ક્ષેત્રમાં પોતાને ત્યા કેવી રીતે તકોનું સર્જન થઈ શકે છે તે અંગે શક્યતા તપાસી રહ્યું છે. ભારત અને તાઈવાન છેલ્લા કેટલાક સપ્તાહથી સેમીકન્ડક્ટર તૈયાર કરવાના પ્લાન્ટની સ્થાપના માટે સમજૂતી પર શક્યતા તપાસી રહ્યા છે.
 • ભારતમાં 7.5 અબજ ડોલર એટલે કે આશરે રૂપિયા 55.36 હજાર કરોડના રોકાણથી ભારતમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવા પ્લાન્ટ સ્થાપવામાં આવી શકે છે. જો આ સમજૂતી થશે તો ભારતના અર્થતંત્ર પર સારી અસર થશે.
અન્ય સમાચારો પણ છે...