પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભામાં શનિવારે નવા મુખ્યમંત્રી ચૂંટાવા પહેલા હોબાળો થઈ ગયો. ઈમરાન ખાન અને શાહબાઝની પાર્ટીના ધારાસભ્યો સહિત અન્ય પાર્ટીઓના નેતાઓ વચ્ચે મારપીટના દ્રશ્યો જોવા મળ્યા હતા. એસેમ્બલીના ડેપ્યૂટી સ્પીકર દોસ્ત મુહમ્મ્દ મજારીને પણ માર મારવામાં આવ્યા હતા.
પંજાબ વિધાનસભાનું સત્ર સવારે 11.30 વાગે શરુ થવાનું હતું, પરંતુ મારપીટના કારણે કાર્યવાહી શરુ ન થઈ શકી.
PTIના બાગી નેતાઓ સાથે મારપીટ
PTIના સભ્યો સદનમાં લોટો લઈને આવ્યા હતા અને પાર્ટીથી અલગ થયેલા ધારાસભ્યોને લોટો-લોટો કહી ખીજવવા લાગ્યા. તેના પર PML-N નેતા ભડકી ઉઠ્યા અને બંને જૂથોમાં મારપીટ થઈ ગઈ. આ દરમિયાન સત્ર માટે વિધાનસભા પહોંચેલા ડેપ્યૂટી સ્પીકર મજારી પર ટ્રેજરી બેન્ચના લાકોએ હુમલો કરી દીધો. જોકે, મજારીને એસેમ્બલી ગાર્ડ્સે તાત્કાલીક તેમના ચેમ્બરમાં શિફ્ટ કરી દીધા. પાકિસ્તાનમાં લોટો એવા નેતાને કહેવામાં આવે છે કે જેઓ પોતાના ફાયદા માટે પાર્ટી બદલી લે છે.
પંજાબમાં કાંટે કી ટક્કર
જણાવી દઈએ કે પંજાબની સત્તા માટે બે ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર છે. હમઝા શહબાઝ PML-N અને તેમના ગઠબંધન (PDM) તરફથી ઉમેદવાર છે. PML-Qના નેતા પરવેઝ ઈલાહીને ઈમરાન ખાનની પાર્ટી PTIનું સમર્થન મળેલું છે.
લાહોર હાઈકોર્ટે રદ કરી હતી અરજી
આ પહેલા બુધવારે લાહોર હાઈકોર્ટે હમઝા શહબાઝની વહેલા ચૂંટણી કરાવવાની અને ડેપ્યૂટી સ્પીકરના પાવરને રદ કરવાની અરજીને રદ કરી હતી. હાઈકોર્ટે ડેપ્યૂટી સ્પીકરને 16 એપ્રીલે ચૂંટણી કરાવવા આદેશ આપ્યા હતા.
જણાવી દઈએ કે પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયા બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદાર પાસેથી રાજીનામું માંગ્યુ હતુ અને 1 એપ્રીલે ગવર્નરને રાજીનામું આપ્યા બાદથી પંજાબમાં CMની ખુરશી ખાલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.