ભાસ્કર ઓરિજિનલ:ટોક્યો ઓલિમ્પિક સ્ટેડિયમ બહાર એક પિતાની 18 દિવસથી ભૂખહડતાળ, એક જ માગ- કોઇ સંતાનો સાથે મિલન કરાવે

ટોક્યો3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાપાનમાં બાળકોની કસ્ટડી માતાને જ આપતા કાયદા વિરુદ્ધ પિતાનો જંગ

ટોક્યો ઓલિમ્પિક સ્ટેડિયમ બહાર એક પિતા 18 દિવસથી ભૂખહડતાળ પર છે. મૂળ ફ્રાન્સના વિન્સેન્ટ ફિકોટનો આ સંઘર્ષ પોતાનાં બાળકોને મળવા માટે છે, જેમને તેમની પત્ની 3 વર્ષ પૂર્વે લઇને જતી રહી હતી. જાપાનના કાયદાનુસાર બાળકોની કસ્ટડી માતાને જ અપાય છે, જેના કારણે દર વર્ષે અંદાજે 1.5 લાખ બાળકો પિતાથી અલગ થઇ જાય છે. કોર્ટ પણ માતાની જ તરફેણમાં રહે છે. પિતાને બાળકોને મળવાનો અધિકાર પણ નથી હોતો. ફિકોટે આ કાયદાને પડકાર્યો છે. ફિકોટ જણાવે છે કે બાળકોને મળવા માટે આ માર્ગ કેમ પસંદ કર્યો...

પિતાની પીડા... બાળકોને મળવા નોકરી-પૈસા ગુમાવ્યા, સરકારોને વિનંતી કરી
હું 15 વર્ષથી જાપાનમાં છું. અહીં બેન્કર હતો. 2009માં જાપાની યુવતી સાથે લગ્ન કર્યા. અમે પુત્ર ત્સુબાસા અને પુત્રી કાએદાને જન્મ આપ્યો. પુત્ર 6 વર્ષનો અને પુત્રી 4 વર્ષની છે. 2018માં પત્ની કંઇ કહ્યા વિના બંને બાળકોને લઇને જતી રહી. હું બાળકો ગુમ થયાની અને પત્ની વિરુદ્ધ ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશને પહોંચ્યો પણ ફરિયાદ ન લેવાઇ. પછી ફેમિલી કોર્ટમાં ગયો. ત્યાં માલૂમ પડ્યું કે જાપાની કાયદા મુજબ સંતાનોની જોઇન્ટ કસ્ટડીનો કોન્સેપ્ટ નથી. તેથી જજે પણ મારી પત્નીને બાળકોની કેરટેકર માની.

છતાં મેં લડત ચાલુ રાખી. મેં ફ્રાન્સ સરકાર, ઇયુ સંસદ તથા યુએન માનવાધિકાર પરિષદમાં પણ અરજી કરી પણ બધેથી નિરાશા જ સાંપડી. કોર્ટના ચુકાદા અને બાળકો સાથે ફરી મિલનની આ મથામણમાં નોકરી, ઘર અને તમામ બચત ગુમાવી દીધી. મારા વકીલે પત્નીના વકીલો સાથે વાત કરી પણ તેણે જવાબ આપવા ઇનકાર કરી દીધો. હું કરી શકતો હતો એ બધું જ મેં કર્યું. હું માત્ર બાળકોને મળવા માગું છું. તેમની સાથે મન ભરીને જીવવા માગું છું. બાળકો સુધી પહોંચવાના તમામ રસ્તા બંધ થયા ત્યારે આ પગલું ભરવું પડ્યું.

10 જુલાઇએ અહીં ભૂખહડતાળ પર બેસવાનું નક્કી કર્યું. હું મારાં બાળકોના હક માટે લડી રહ્યો છું. તેમના હકને સન્માન મળશે ત્યારે જ હું આ હડતાળનો અંત લાવીશ. 18 દિવસ વીતી ચૂક્યા છે. આ દરમિયાન મારું વજન ઘણું ઘટી ગયું છે. ઊભો રહું તો ચક્કર આવે, પણ વાંધો નહીં. હા, હવામાન જરૂર હેરાન કરે છે પણ 3 વર્ષથી બાળકોથી દૂર રહેવાની પીડા સામે આ બધી તકલીફો કંઇ નથી. હું અડગ છું, અહીં જીવનનો અંત લાવવા તૈયાર છું પણ હતાશા સાથે નહીં. હું છેક સુધી સંઘર્ષ કરીશ.

મને ખુશી છે કે મારા સંઘર્ષને જાપાનીઝ પેરન્ટ્સનું સમર્થન મળી રહ્યું છે, જેઓ આ કાયદાને કારણે બાળકોના પ્રેમથી વંચિત છે. ઘણાં પેરન્ટ્સ દિવસ-રાત મારી સાથે રોકાય છે. એક અરજીમાં 6,200 લોકોએ સહી કરીને આ ઝુંબેશનું સમર્થન કર્યું છે.-વિન્સેન્ટ

અન્ય સમાચારો પણ છે...