• Gujarati News
  • International
  • Facebook's Dual Face: Strictness On Ordinary People Even Celebrities, Leaders Relieve In Rules, Remove Their Controversial Post

ભાસ્કર વિશેષ:ફેસબુકનો બેવડો ફેસ: સામાન્ય લોકો પર કડકાઈ પણ સેલિબ્રિટી, નેતાને નિયમોમાં છૂટ આપે છે, તેમની વિવાદીત પોસ્ટ દૂર કરી દે છે

સાનફ્રાન્સિસ્કોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇપ્રોફાઇલ યૂઝર્સને બચાવવા માટે સોશિયલ મીડિયા દિગ્ગજ ‘ક્રોસ ચેક’ પ્રોગ્રામ ચલાવે છે

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકના નિયમો સામાન્ય લોકો માટે અલગ અને વીઆઇપી યૂઝર્સ માટે અલગ છે. કંપની પાસેથી આ સુવિધા મેળવનાર યૂઝર્સની સંખ્યા 58 લાખથી વધારે છે. જેમાં સેલિબ્રિટીઝ, મોટા નેતાઓ અને હાઇપ્રોફાઇલ યૂઝર્સ સામેલ છે.

તેમને કંપનીએ કોઈપણ સુપરવિઝન વિના ગમે એવી પોસ્ટ કરવાની છૂટ આપેલી છે જ્યારે સામાન્ય લોકો પર કડકાઈ રાખવામાં આવે છે. આ ઘટસ્ફોટ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં કરવામાં આવ્યો છે. ફેસબુકે આ યૂઝર્સને બચાવવા માટે ક્વોલિટી કન્ટ્રોલ મેકેનિઝમના નામે ક્રોસ ચેક નામનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેને ‘એક્સચેક’ નામે પણ ઓળખવામાં આવે છે.

અહેવાલ મુજબ આ પ્રોગ્રામ હેઠળ લાખો યૂઝર્સને વ્હાઇટ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. તેમને કાર્યવાહી સામે સુરક્ષા અપાઈ છે. જ્યારે અન્ય વીઆઇપી લોકોના કેસમાં વિવાદાસ્પદ કન્ટેન્ટની સમીક્ષા કરવામાં નથી આવતી. વ્હાઇટ લિસ્ટમાં સામેલ યૂઝર્સના અકાઉન્ટ પરથી વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. જેમ કે હિલેરી ક્લિન્ટન બાળકોના જાતીય શોષણની ગેંગ ચલાવે છે, તત્કાલિન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં શરણ મેળવવા માગતા લોકોને જાનવર કહ્યા હતા.

રિપોર્ટમાં કેટલાક જાણીતા લોકો દ્વારા શૅર કરાયેલી પોસ્ટનો ઉલ્લેખ પણ કરાયો છે. તેમાં ફૂટબોલ ખેલાડી નેમારની એક પોસ્ટ છે, જેમાં તેમને મહિલાઓની વાંધાજનક તસવીરો શૅર કરી હતી. આ મહિલાએ નેમાર પર દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. ફેસબુકે નેમારને બચાવવા માટે આ પોસ્ટ હટાવી દીધી હતી. ફેસબુક કર્મચારીઓના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે ઘણીવાર વીઆઇપી કન્ટેટ દૂર કરવા માટે કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગ અને સીઇઓ શેરિલ સેન્ડબર્ગની મંજૂરી મેળવવી પડે છે.

ફેસબુકના પ્રવકત્તા એન્ડી સ્ટોને સોશિયલ મીડિયા પર ‘ક્રોસ ચેક’નો બચાવ કર્યો હતો. જો કે તેમણે સ્વીકાર્યું હતું કે ફેસબુક જાણે છે કે નિયમ લાગુ કરવાની પ્રક્રિયા અચૂક નથી. રિપોર્ટમાં કંપનીના ઇન્ટરનેલ મેસેજિંગ બોર્ડ પર થયેલી ચર્ચાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો, તેમાં એક પ્રોડક્ટ મેનેજરે ‘ક્રોસ ચેક’ની નિષ્પક્ષતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણે બિઝનેસના જોખમો સાથે બેલેન્સ કરવું પડશે.

સેલિબ્રિટીઝના અકાઉન્ટની નીતિ અંગે ઓવરસાઇટ બોર્ડે ચિંતા દર્શાવી હતી
ફેસબુક પર શું પોસ્ટ કરવું જોઈએ એ સંબંધિત વિવાદો ઉકેલવા માટે એક સ્વતંત્ર બોર્ડની સ્થાપના થયેલી છે. ફેસબુકે બોર્ડને ખાતરી આપી હતી કે કન્ટેન્ટ મોડરેશનને લઈને બેવડી નીતિ નહીં અપનાવાય. પણ લેટેસ્ટ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને જોતા ફેસબુકે આપેલી ખાતરી ખોટી જણાઈ રહી છે. બોર્ડના પ્રવકત્તા જૉન ટેલરના જણાવ્યા પ્રમાણે ફેસબુકના કન્ટેન્ટ મોડરેશનની પ્રક્રિયામાં પારદર્શિતાની કમી (ખાસ કરીને જાણીતી હસ્તીઓના ખાતા અંગે કંપનીની નીતિ)ને લઈને ઓવરસાઇટ બોર્ડે અનેકવાર ચિંતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...