આર્જેન્ટીનામાં એન્કરે મહારાણીના મૃત્યુની ઉજવણી કરી:તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી, કહ્યું- આખરે વૃદ્ધ મહિલા નર્કમાં ગઈ

19 દિવસ પહેલા

આર્જેન્ટીનાના ટીવી-એન્કરનો મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મોત પર ઉજવણી કરતો વીડિયો સામે આવ્યો છે. એન્કરનું નામ સેન્ટિયાગો કુનિઓ છે. વીડિયોમાં એન્કર રાણીના મોત પર તાળીઓ વગાડી ખુશી વ્યક્ત કરી રહ્યો છે. મહારાણીનું અપમાન કરતાં એન્કર કહે છે કે યોગ્ય વ્યક્તિ મૃત્યુ પામી છે અને વૃદ્ધ મહિલા આખરે નરકમાં જતી રઈ.

એંકરની આસપાસના લોકો પણ ખુશી મનાવી રહ્યા છે
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીવી એન્કરની સાથે તેની આસપાસ પેનલમાં બેઠેલા લોકો પણ તાળીઓ પાડી રહ્યા છે. એન્કર સેન્ટિયાગો રાણીની ટીકા કરી તેને અપમાનજનક શબ્દો બોલી રહ્યો છે. એન્કરનું કહેવું છે કે તે ઘણાં વર્ષોથી એલિઝાબેથના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો.

એન્કર ક્યુનિયો શેમ્પેનની બોટલ ખોલીને રાણી એલિઝાબેથ દ્વિતીયના મોતની ઉજવણી કરે છે.
એન્કર ક્યુનિયો શેમ્પેનની બોટલ ખોલીને રાણી એલિઝાબેથ દ્વિતીયના મોતની ઉજવણી કરે છે.

ઘણા લોકોએ એન્કરની પ્રવૃત્તિથી પર રોષ વ્યક્ત કર્યો
આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. એન્કરના આ કૃત્ય પર ઘણા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. એક વપરાશ કર્તા કહે છે, અમે સમજી શકીએ છીએ કે એન્કર શાહી પરિવારની ઈર્ષ્યા કરે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તેણે મૃત વ્યક્તિનું અપમાન કરવું જોઈએ.

દેખીતી વાત છે કે એન્કરે આ બધું TRP મેળવવા માટે કર્યું છે. જો આ માણસ થોડો પણ સમજદાર હોત તો તેણે ક્યારેય દુનિયા છોડીને જનારનું અપમાન ન કર્યું હોત.પરંતુ એન્કરને આવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે? તે પણ વિચારવા જેવી વાત છે. એની પાછળનું કારણે બંને દેશો વચ્ચે ભૂતકાળનો ભૂતકાળ હોઈ શકે. ભૂતકાળમાં બંને દેશો વચ્ચે અનેક વિવાદો સર્જાયા છે અને યુદ્ધ પણ થયા છે.બને દેશો વચ્ચેનો વિવાદ આપણે સમજીયે.

બ્રિટન અને આર્જેન્ટીના વચ્ચેનો ફોકલેન્ડ વિવાદ
દુનિયાના દરેક દેશોને નાના મોટા સરહદી વિવાદ ચાલતા હોય છે. આવો જ વિવાદ આર્જેન્ટીના અને બ્રિટન વચ્ચે ફોકલેન્ડ ટાપુને લઇને ચાલે છે. દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા આ ટાપુ માટે 1982માં બંને દેશો વચ્ચે યુધ્ધ પણ થયું છે.હાલમાં ફોકલેન્ડ બ્રિટનના નિયંત્રણ હેઠળ છે પરંતુ આર્જેન્ટીના સતત તેની પર દાવો કરતું રહે છે. આર્જેન્ટીનાની દલીલ સ્પષ્ટ છે કે, 21મી સદીની દુનિયામાં કોલોનિયલ રાજનું કોઇ જ સ્થાન નથી. નવાઇની વાત તો એ છે કે, ફોકલેન્ડ વિવાદને લઇને આર્જેન્ટીનાના વિદેશમંત્રી કેફિરોએ ગઇ કાલે નવી દિલ્હી ખાતે એક કેમ્પેઇન મિશન લોંચ કર્યુ હતું.

ફોકલેન્ડ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલો ટાપુ છે.તે 12,173 વર્ગ કિમી વિસ્તાર ધરાવે છે. આમ જોવા જઇએ તો તેની સરહદ આર્જેન્ટીનાના દરિયાની વધુ નજીક છે. વર્ષ 2016 મુજબ માત્ર 3398 લોકોની વસ્તી ધરાવે છે. આર્જેન્ટીનાનું માનવું છે કે આ ફોકલેન્ડ ટાપુ પર બ્રિટને 1833માં ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો. આર્જેન્ટીના આ ટાપુને માલ્વિનસ તરીકે ઓળખાય છે અને પોતાનો જ હોવાનો દાવો કરે છે.

બંને દેશો વચ્ચે આ ટાપુને લઇને સંબંધો ખાટા રહે છે. 1982માં તો આર્જેન્ટીનાએ ફોકલેન્ડ પર હુમલો કરીને પડાવી લેવાનો પ્રયત્ન કર્યો. શાહી બ્રિટને ફોકલેન્ડમાં પ્રતિકાર કરતા બંને દેશો વચ્ચે 3 મહિના સુધી યુધ્ધ ચાલ્યું હતું. આ યુધ્ધમાં આર્જેન્ટીનાની હાર થઇ હતી. પહેલા અને બીજા વિશ્વયુધ્ધ દરમિયાન બ્રિટને ફોકલેન્ડનો ઉપયોગ મિલિટરી બેઝ તરીકે કર્યો હતો.

રાણીના મૃત્યુ પર ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો
વાઇયરલ થયેલા આ વીડિયોમાં ઘણા લોકોએ એન્કરની ટીકા કરી હતી અને ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપી હતી. એક વપરાશકર્તાએ લખ્યું છે કે ક્વીન એલિઝાબેથના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. રાણી એક મહાન શાસક હતી.

રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપતાં એક યુઝરે લખ્યું કે 'આભાર મેડમ, દરેક વસ્તુ માટે.'
રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપતાં એક યુઝરે લખ્યું કે 'આભાર મેડમ, દરેક વસ્તુ માટે.'

સ્કોટલેન્ડમાં રાણીનું અવસાન થયું
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે મોડી રાત્રે અવસાન થયું. તેઓ થોડા સમયથી બીમાર હતાં. 96 વર્ષનાં મહારાણી સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં રહેતાં હતાં. અહીં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ સૌથી લાંબો સમય (70 વર્ષ) બ્રિટનની મહારાણી હતાં. હવે પ્રિન્સ વિલિયમ 40 વર્ષની ઉંમરે બ્રિટિશ સિંહાસનના વારસદાર બની ગયા છે. તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ (73 વર્ષ) હવે રાજા બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...