T-20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પાકિસ્તાની ટીમને ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી હરાવી દીધી છે. જેના કારણે આ ટૂર્નામેન્ટની ફેવરિટ ટીમ પાકિસ્તાન ફાઈનલ સુધી પહોંચી શકી નહોતી. ત્યારપછી PAKના PM ઈમરાન ખાને કરેલી એક ટ્વિટ વાઈરલ થઈ છે. જેમાં તેમણે ટીમને નિરાશ ન થવા ટકોર કરી હતી. જોકે આના જવાબમાં ઈમરાનની એક્સ વાઈફે તેના પર કટાક્ષ કર્યો હતો.
ઈમરાન ખાને બાબર સેનાને સંદેશ આપ્યો
ઈમરાને ટ્વીટ કરી બાબર આઝમ અને તેની ટીમ માટે કહ્યું હતું કે હું જાણું છું કે તમે અત્યારે જે હતાશા અનુભવી રહ્યો છો તે મેં પણ એક સમયે અનુભવી જ છે. ક્રિકેટ ફિલ્ડમાં આ પ્રમાણે ઘણી વેળા ઘટતું હોય છે. પરંતુ તમે જે પ્રમાણે અત્યારસુધી ક્રિકેટ રમ્યા છો અને વિનમ્રતાથી જીત મેળવી છે તે અત્યંત પ્રશંસનીય છે. તમને પણ આનો ગર્વ હોવો જોઈએ. ઓસ્ટ્રેલિયન ટીમને મારી શુભેચ્છા.
રેહમ ખાને કટાક્ષ કર્યો
ઈમરાન ખાનના ટ્વિટ બાદ તેમની એક્સ વાઈફ રેહમ ખાને પાક. PM વિરૂદ્ધ કટાક્ષ કર્યો હતો. રેહમે લખ્યું હતું કે ખાન સાહેબ મેં તમને કહ્યું હતું કે ફાઇનલ જોવાની જીદ ના કરો. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાને ઘણા સમય પહેલા કહ્યું હતું કે જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે તો તે ફાઇનલ મેચ જોવા UAE જશે.
ઈમરાન આવું કરે તે પહેલા પાકિસ્તાન સેમીફાઇનલમાં હારી ગઈ હતી. ત્યારપછી રેહમ ખાને ઈમરાન વિરૂદ્ધ કટાક્ષ કર્યો હતો. રેહમ ખાન બ્રિટિશ-પાકિસ્તાની જર્નલિસ્ટ છે. જે 2014થી 2015 દરમિયાન ઈમરાન ખાનની પત્ની રહી ચૂકી છે.
સેમીફાઈનલમાં 5 વિકેટથી જીત્યું ઓસ્ટ્રેલિયા..સંપૂર્ણ અહેવાલ વાંચો
T-20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ મેચમાં પહેલી 10 ઓવર સુધી PAK બોલર્સનો દબદબો હોવા છતાં મેચ હારી જતાં પાકિસ્તાની ફેન્સ ઉદાસ થયા હતા. ડેથ ઓવર્સમાં એક બાજુ ફેન્સ પ્રાર્થના કરતા જોવા મળ્યા તો બીજી બાજુ પોતાની ટીમના પ્રદર્શનથી નાખુશ યુવા ફેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. એટલું જ નહીં, શાહીન આફ્રિદી પણ પિચ પર માથે હાથ મૂકી નિરાશ બેસી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.