નવા રિપોર્ટમાં ખુલાસો:નામ બદલ્યા પછી પણ ફેસબુકના જૂના પેંતરા યથાવત્, અલ્ગોરિધમથી બાળકોનું ટ્રેકિંગ જારી, જાહેરાતો મેળવે છે

વોશિંગ્ટન12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વેલન્સ સિસ્ટમથી બાળકોને અસર કરતી જાહેરાતો બતાવે છે

છેલ્લા કેટલાક સમયથી સામાજિક સુરક્ષાના નામે ટીકાનો શિકાર બનતી ફેસબુકે તેનું નામ બદલીને ‘મેટા’ કરી દીધું પણ તેના જૂના પેંતરા હજુય યથાવત્ છે. ફેરપ્લે, ગ્લોબલ એક્શન પ્લાન અને રિસેટ ઓસ્ટ્રેલિયાના લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ફેસબુક હજુ પણ તેના વિવાદાસ્પદ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને બાળકોનું ટ્રેકિંગ કરી રહી છે.

ટ્રેકિંગથી તે ડેટા તૈયાર કરે છે, જેથી બાળકો સંબંધી જાહેરાતો દર્શાવીને તગડો નફો કરી શકે. જ્યારે મેટાના લૉન્ચિંગ વખતે ફેસબુકે અલ્ગોરિધમમાં ફેરફારની ખાતરી આપી હતી કે જેથી તેના પ્લેટફોર્મના માધ્યમથી બાળકો અને ખાસ તો ટીનેજર્સનો દુરુપયોગ ન થઇ શકે.

નવા રિપોર્ટ મુજબ ફેસબુકનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) હજુ પણ બાળકોનું ટ્રેકિંગ કરે છે. બાળકોના હિત માટે કામ કરતી સંસ્થાઓએ આ રિપોર્ટના આધારે ફેસબુકને ઓપન લેટર લખીને ટ્રેકિંગ પર રોક લગાવવા માગ કરી છે. તેના જવાબમાં ફેસબુકે કહ્યું કે તે બાળકોના ડેટાનું ટ્રેકિંગ નથી કરતી. 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના એકાઉન્ટનું સર્વેલન્સ નથી કરતી. જોકે, તેણે ફેરફારો વિશે વિગતવાર નથી જણાવ્યું.

18 વર્ષથી નાના બાળકોનું ઓનલાઇન બિહેવિયર ટ્રેક કરી ડેટા સ્ટોર કરે છે
રિપોર્ટ મુજબ ફેસબુક 18 વર્ષથી નાના બાળકોનું ઓનલાઇન બિહેવિયર ટ્રેક કરવા એઆઇ તથા સર્વેલન્સ સિસ્ટમનો હજુ પણ ઉપયોગ કરે છે. વ્હિસલબ્લોઅર ફ્રાન્સિસ હોગેને પણ અમેરિકી સંસદમાં તેમની જુબાનીમાં આક્ષેપ કર્યો હતો કે ફેસબુક નફો કમાવા બાળકોનો ઉપયોગ કરે છે. તે 18 વર્ષથી નાના બાળકોને પોતાની ઍપ માટે ભવિષ્યના કન્ઝ્યુમર માને છે. આ આક્ષેપોને પગલે ફેસબુકે બાળકો માટેની ઇન્સ્ટાગ્રામ ઍપનું લૉન્ચિંગ પણ ટાળવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...