• Gujarati News
  • International
  • Engineers From Companies Like Google, Amazon, Meta, Microsoft Are Increasing Their Height By Undergoing Surgery, The Cost Of The Surgery Is ~60 Lakhs

ભાસ્કર વિશેષ:ગૂગલ, એમેઝોન, મેટા, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓના એન્જિનિયર ઓપરેશન કરાવીને ઊંચાઈ વધારી રહ્યા છે, સર્જરીનો ખર્ચ ~60 લાખ

લાસ વેગાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંચાઈ વધારવા અભિનેતાઓ, કંપનીઓના સીઈઓ અને પ્રોફેશનલ્સ પણ ઓપરેશન કરાવી રહ્યા છે

દુનિયામાં બીજાથી સુંદર અને સારા દેખાવાની ઈચ્છા હવે ઓપરેશન કરીને પોતાની ઊંચાઈ વધારવા સુધી વિસ્તરી છે. હવે અગાઉ કરતાં ઘણા વધારે લોકો આ પ્રકારનું ઓપરેશન કરાવી રહ્યા છે. ગૂગલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ અને મેટા જેવી ટેક કંપનીઓના સોફ્ટવેર એન્જિનિયરોમાં આ ક્રેઝ વધુ દેખાઈ રહ્યો છે. આ ઓપરેશનથી પગની લંબાઈ ત્રણથી છ ઈંચ સુધી વધારી શકાય છે. આ લંબાઈ વધારવાનું ઓપરેશન કરનારી સંસ્થા લિંબપ્લાસ્ટની સ્થાપના કરનારા કેવિન દેબીપાર્સડ હસતા હસતા કહે છે કે, ‘મારી પાસે ટેક્નોલોજી કંપનીઓના એટલા બધા લોકો આવે છે કે હું કંપની ખોલી શકું. અત્યારે ઓપરેશન માટે 20 લોકો લાઈનમાં છે. અહીં માઈક્રોસોફ્ટના સૌથી વધુ કર્મચારી આવ્યા છે. ગૂગલ, એમેઝોન અને ફેસબુકના પણ અનેક સોફ્ટવેર એન્જિનિયરોએ આ ઓપરેશન કરાવ્યું છે. આ પ્રકારનાં ઓપરેશન કોરોનાકાળમાં સૌથી વધુ થયાં છે.’

ત્રણથી છ ઈંચ સુધી ઊંચાઈ વધારી શકાય છે
ઊંચાઈ વધારવાનાં આ ઓપરેશનમાં આશરે રૂ. 60 લાખનો ખર્ચ થાય છે. સર્જનોનો દાવો છે કે, આ ઓપરેશનમાં ત્રણથી છ ઈંચ સુધી ઊંચાઈ વધી શકે છે. લાસ વેગાસમાં રહેતા અને કામ કરતા મોટી ટેક કંપનીઓના કર્મચારીઓ માટે આટલો ખર્ચ કરવો મુશ્કેલ નથી એટલે સૌથી વધુ ટેક કર્મચારીઓ જ આવું ઓપરેશન કરાવી રહ્યા છે.

ઓપરેશનની સમગ્ર પ્રક્રિયા આવી છે
સૌથી પહેલાં ડૉક્ટર દર્દીની જાંઘનું હાડકું તોડે છે. પછી તેમાં મેટલ નેલ નાંખે છે, જે એડજસ્ટ કરી શકાય છે. ઓપરેશનના ત્રણ મહિના સુધી આ મેટલ નેલ મેગ્નેટિક રિમોટ કંટ્રોલથી ધીમે ધીમે લાંબા કરાય છે. ત્યાર પછી હાડકાં મજબૂત થવામાં મહિનાઓ લાગે છે. ઓપરેશન કરાવનારા એક સોફ્ટવેર એન્જિનયર કહે છે કે, આ ઓપરેશન પછી હું ત્રણ મહિના ઘરે રહ્યો હતો.

ઓપરેશનથી હાડકાં નબળાં પડે છે
સર્જન કહે છે કે અમે કોઈ ખેલાડીને ઊંચાઈ વધારવાની સલાહ નથી આપતા. તેનાથી ઊંચાઈ વધે તો ખરી, પરંતુ હાડકાં નબળાં પડી શકે છે. આ ઉપરાંત ચાલવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. ત્યાં સુધી કે, ઓપરેશન કરાવનારા લોકો પણ સામાન્ય રીતે આ વાતનો ઉલ્લેખ નથી કરતા.

મહિલાઓથી વધુ ક્રેઝ પુરુષોમાં છે
કેવિન કહે છે કે આ ઓપરેશન મોટે ભાગે પુરુષો જ કરાવે છે, પરંતુ મહિલાઓની સંખ્યા ઓછી છે. ઓપરેશન મોંઘું છે એટલે ફક્ત ધનવાનો જ તે કરાવે છે, જે કોઈ પણ ક્ષેત્રના હોય છે. સોફ્ટવેર એન્જિનિયરો સિવાય મોટી કંપનીઓના સીઈઓ, એક્ટર્સ અને ફાઈનાન્સ પ્રોફેશનલ્સ પણ તેમાં સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...