બ્રિટન હાલના સમયે અભૂતપૂર્વ મેડિકલ સંકટનો સામનો કરી રહ્યું છે. સ્વાસ્થ્યકર્મીઓની હડતાળ અને સેવાઓ ઠપ પડી જતાં દર્દીઓ હોસ્પિટલોના ફ્લોર, કોરિડોર, ફસાયેલી એમ્બ્યુલન્સ અને અન્ય જગ્યાઓ પણ ટપોટપ મરી રહ્યા છે. રોયલ કોલેજ ઓફ ઈમર્જન્સી મેડિસિનના અધ્યક્ષ એડ્રિયન બોયલે કહ્યું કે દર મહિને આશરે 2000 લોકો સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. બ્રિટનના ડૉક્ટર હોસ્પિટલની સ્થિતિને યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પણ બદતર ગણાવી રહ્યા છે. આ વર્ષે ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એમ્પાયર(ઓબીઈ)થી સન્માનિત ડૉક્ટર પોલ રેનસમે કહ્યું કે અમારી હોસ્પિટલોની સ્થિતિ યુક્રેન અને શ્રીલંકાથી પણ બદતર થઇ ગઈ છે. તેમણે કોરિડોરમાં સારવાર માટે વલખાં મારતાં દર્દીઓ અંગે પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું કે હું જ્યારે એનએચએસના સહયોગીઓને દર્દીઓને સારવાર આપવામાં અક્ષમ જોઉં છું તો ખુદને દોષિત માનવા લાગું છું. મેં યુક્રેન, જ્યોર્જિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે જેવા દેશોમાં પણ દર્દીઓને કોરિડોરમાં પડી રહેલી હાલતમાં જોયા છે. એ દૃષ્ટિએ અમારા દેશની હાલત તો વધુ બદતર જણાઈ રહી છે. નર્સિંગ સ્ટાફ માટે એ નક્કી કરવું મુશ્કેલ થઈ રહ્યું છે કે કયો દર્દી સૌથી ગંભીર છે અને સારવાર માટે કોને ભીડથી ભરેલા ઈમર્જન્સી રૂમમાં બોલાવીએ. તેમણે બ્રિટિશ સરકારને કહ્યું કે તે બીજા દેશોથી માનવતાના આધારે મદદ માગે. બ્રિટન જેવી બદતર સ્વાસ્થ્ય સેવાઓ અન્ય કોઈ યુરોપિયન દેશમાં નથી.
ખરેખર બ્રિટનમાં સ્વાસ્થ્ય સેવા, હોસ્પિટલનું સંચાલન અને ફંડની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાઓ(એનએચએસ) હેઠળ સરકાર દ્વારા કરવામાં આવે છે. ગત અમુક વર્ષોમાં કન્ઝર્વેટિવ સરકારોએ હોસ્પિટલોનું ફંડ ઘટાડી કર્મચારી ઘટાડી દીધા છે. કર્મચારીઓનો પગાર પર ઓછો કરી દીધો છે. મેડિકલ વ્યવસ્થાઓ પડી ભાંગવાનો અંદાજ તેનાથી લાગી જાય છે કે જો કોઈ સામાન્ય દર્દીએ ફિઝિશિયનને બતાવવું હોય તો તેને 6થી 9 મહિના પછીની તારીખ મળી રહી છે. જો મોટું ઓપરેશન હોય તો 18 મહિના સુધી રાહ જોવી પડી શકે છે.
આ સ્થિતિ ગત મહિને ત્યારે વિકરાળ બની જ્યારે પગાર વધારવા અને કામકાજની સ્થિતિ સુધારવાની માગ સાથે એનએચએસ નર્સો અને એમ્બ્યુલન્સ સ્ટાફે હડતાળ પાડી દીધી. જ્યારે ઋષિ સુનકે પીએમ તરીકે પદ સંભાળ્યું હતું તો તેમણે વાયદો કર્યો હતો કે એનએચએસ માટે વધારે નર્સ અને ડૉક્ટરોની ભરતી કરાશે જેથી દર્દીને ડૉક્ટરની સલાહ લેવા લાંબા સમય સુધી રાહ ન જોવી પડે. સાથે જ 7000 બેડ વધારાશે પણ તેમના વાયદા પણ આગળ ન વધ્યા. બુધવારે તકલીફ ત્યારે વધી ગઈ જ્યારે નર્સ અને એમ્બ્યુલન્સ સ્ટાફે સરકારના પગાર વધારાના પ્રસ્તાવને એમ કહીને ફગાવી દીધો કે આ તો ખૂબ જ ઓછો છે. દેશમાં 10 લાખ સ્વાસ્થ્યકર્મી અને એમ્બ્યુલન્સ સ્ટાફ 14 યુનિયન સાથે જોડાયેલા છે. આ યુનિયન સ્વાસ્થ્યમંત્રી સાથે ચર્ચા કરવા ઈચ્છે છે.
ચેતવણી : જીવ જોખમમાં હોય તો જ ઈમર્જન્સીમાં આવો
બ્રિટનની હોસ્પિટલોએ દર્દીને ચેતવણી આપી છે કે જ્યાં સુધી જીવ જોખમમાં ન હોય ત્યાં સુધી ઈમર્જન્સી વિભાગમાં ન આવશો. ઉત્તર બ્રિટનના એક ડૉક્ટરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે બેડ, સ્ટ્રેચર ખાલી ન હોવાથી એક વૃદ્ધ પત્ની સામે જ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. નામ ન છાપવાની શરતે ડૉક્ટરે કહ્યું કે સ્થિતિ કોવિડ જેટલી જ દયનીય છે. જે મૃત્યુ પામ્યા તેમને હોસ્પિટલ પહોંચવા માટે 9 કલાક સુધી એમ્બ્યુલન્સ નહોતી મળી. એક મહિલાને છાતીમાં ચેપ લાગ્યો હતો. ઈમર્જન્સીમાં સમયસર સારવાર ન મળી અને તે પણ મૃત્યુ પામી. તેને પણ 10 કલાક એમ્બ્યુલન્સની રાહ જોવી પડી હતી. એક વૃદ્ધને સારવાર ન મળતાં તે મૃત્યુ પામ્યા.
ખાનગી એમ્બ્યુલન્સની માગ બમણી થઇ, ટ્રિપ પેટે સવા લાખ
અનેક દર્દીઓએ ભાસ્કરને જણાવ્યું કે સરકારી સ્વાસ્થ્ય સેવાઓ પડી ભાંગતા ખાનગી એમ્બ્યુલન્સ કંપનીઓની આવક બમણી થઇ ગઇ છે. ઓછા અંતરની હોસ્પિટલે પહોંચવા માટે 600 પાઉન્ડ(આશરે 60 હજાર રૂ.) અને ગ્રામીણ ક્ષેત્રોના દર્દીઓથી 1300 પાઉન્ડ(આશરે 1.28 લાખ રૂ.) વસૂલાઈ રહ્યા છે. આંકડા અનુસાર ખાનગી એમ્બ્યુલન્સની માગ ઝડપથી વધી બમણી થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.