ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:યુદ્ધ પછી તકલીફોના પહાડ છતાં ભારતીયો રશિયા છોડવા તૈયાર નહીં

સેન્ટ પીટ્સબર્ગ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુમી ક્ષેત્રમાં હુમલા છતાં બાળકો ઘરની બહાર રમવા નીકળી રહ્યાં છે. - Divya Bhaskar
સુમી ક્ષેત્રમાં હુમલા છતાં બાળકો ઘરની બહાર રમવા નીકળી રહ્યાં છે.
  • રોજગારી ગઇ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અટક્યાં, મનોરંજનથી પણ વંચિત

યુક્રેન પર રશિયાના હુમલા 160 દિવસથી જારી છે. આ દરમિયાન દુનિયાભરના દેશો દ્વારા રશિયા પર આકરા પ્રતિબંધ લાદવાનું જારી છે. હવે રશિયાની ગણતરી એક એવા દેશ તરીકે થઇ રહી છે કે જેના પર સૌથી વધુ પ્રતિબંધ છે. અગાઉ આ રેકોર્ડ ઇરાન પાસે હતો. પ્રતિબંધોની રશિયામાં રહેતા ભારતીયો પર પણ ઘેરી અસર પડી છે પરંતુ તમામ તકલીફો છતાં તેઓ રશિયા છોડવાનું વિચારતા પણ નથી. એપલ સહિત 500થી વધુ આં.રા. કંપનીઓએ રશિયામાં બિઝનેસ બંધ કરી દીધો છે. રશિયામાં રહેતા લોકો ફોન બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, શિક્ષણ, વ્યાપાર, મનોરંજન જેવી સુવિધાઓથી વંચિત થઇ ચૂક્યા છે.

મોસ્કો સ્થિત મીડિયા મેનેજર દત્તન નાયર કહે છે કે લોકોની દિનચર્યા બગડી ગઇ છે. તેઓ યુટ્યૂબ, નેટફ્લિક્સ કે ક્લાઉડ સ્ટોરેજ સબસ્ક્રિપ્શન માટે પેમેન્ટ નથી કરી શકતા. કામ કરવા માટે જરૂરી મીડિયા પ્લેટફોર્મ પણ સબસ્ક્રાઈબ નથી કરી શકતા. ફેસબુક જેવા પ્લેટફોર્મ કે અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ સુધી પહોંચવા વીપીએન સર્વિસનો ઉપયોગ કરવો પડે છે, જે ઘણી અસ્થિર છે. તેનું કારણ એ છે કે રશિયન સરકાર છાસવારે સર્વિસીસ બંધ કરી દે છે. નાયર જણાવે છે કે તેમનાં સંતાનો વિદેશમાં રહે છે, જેમને તેઓ નાણાં મોકલી શકતાં નથી.

તેમણે તાજેતરમાં જ એવી સમસ્યાનો સામનો કર્યો કે એકેય કુરિયર કંપની થોડાં મેગેઝિન ભારતથી રશિયા મોકલવા તૈયાર નહોતી. સેન્ટ પીટર્સબર્ગ યુનિ.માંથી પીએચ.ડી. કરતા અભિષેક મોહંતી એ વાત સાથે સહમત છે કે પેમેન્ટનો મુદ્દો સૌથી વધુ તકલીફ ઊભી કરી રહ્યો છે. રશિયામાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ હવે તેમના ઇન્ટરનેશનલ કાર્ડનો ઉપયોગ નથી કરી શકતા. અભિષેકે કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓએ રૂબલમાં પેમેન્ટ મેળવવા કામ કરવાનું શરૂ કરી દીધું. મને માર્કેટિંગમાં જોબ મળી ગઇ. મોસ્કોમાં દિશા ફાઉન્ડેશનના સંસ્થાપક ડૉ. રામેશ્વર સિંહ જણાવે છે કે 2014માં ભારત-રશિયા વચ્ચે નાના અને મધ્યમ વ્યવસાયો શરૂ કરવા માટે પ્રેરિત કર્યા. કોરોના મહામારી બાદ બેઠી થઇ રહેલી નાની અને મધ્યમ કંપનીઓને રશિયા અને ભારતમાં એકસાથે વેપાર કરવામાં તકલીફ પડી રહી છે, કેમ કે કોઇ સ્પષ્ટ નીતિ નથી. યુદ્ધને કારણે રશિયામાં ભારતીય વ્યવસાય બંધ થઇ ગયા છે કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ એવા ઉદ્યોગો છે કે જેમને મહામારી દરમિયાન ભારે નુકસાન થયું હતું, જેની અસરો યુક્રેનમાં ‘ખાસ અભિયાન’ શરૂ થયું હતું ત્યારે પણ અનુભવાઇ હતી.

ભારતીયો યુદ્ધ અંગે અભિપ્રાય આપવાનું ટાળે છે, યુવાનો યુદ્ધની વિરુદ્ધ
રશિયનો યુદ્ધ અંગે વિભાજિત છે. મોટા ભાગનાં બાળકો યુદ્ધનો વિરોધ કરી રહ્યાં છે જ્યારે માતા-પિતા યુદ્ધની તરફેણમાં છે. ભારતીયો હજુ આ ભાવુક અંતરદ્વંદ્વથી બચેલા છે. નાયરે જણાવ્યું કે રશિયન મિત્રો સાથે ઘણીવાર ડીબેટ થઇ જાય છે પણ હજુ સુધી કોઇએ અમારી સાથે સંબંધ નથી તોડ્યા. અભિષેક મોહંતી જણાવે છે કે મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ જેવાં મોટાં શહેરોમાં યુદ્ધનો ભારે વિરોધ છે પણ તેઓ 3 વર્ષથી જ્યાં રહે છે તે અરખાન જેલ્સક જેવાં નાના શહેરોમાં સરકારને સમર્થન વધુ છે. ભારતીય વિદ્યાર્થી સમુદાય પણ એકસંપ છે જ્યારે યુરોપ અને જાપાનના ઘણા વિદ્યાર્થીઓને દૂતાવાસે રશિયા છોડી દેવા સલાહ આપી છે. ભારતના જે સ્ટુડન્ટ્સ પશ્ચિમી દેશોના ફંડની મદદથી રિસર્ચ માટે રશિયા આવ્યા હતા તેઓ જરૂર તકલીફમાં છે, કેમ કે આ ફન્ડિંગ બંધ છે.

અન્ય સમાચારો પણ છે...