• Gujarati News
  • International
  • Despite A Million Cases A Day, Britain Eases Rules For Foreign Tourists, Vaccinated People Don't Need Tests

કોરોનાએ તો બહુ કરી, હવે તો કંટાળ્યા!:રોજના એક લાખ જેટલા કેસ છતાં બ્રિટને વિદેશી પ્રવાસીઓ માટે નિયમ હળવા કર્યા, વેક્સિનેટેડ લોકોને ટેસ્ટની જરૂર નહીં

11 દિવસ પહેલા
  • ઇંગ્લેન્ડે તમામ વિદેશી પ્રવાસીઓ માટે પરીક્ષણ અંગેના નિયમો સરળ બનાવ્યા છે
  • આ નવા નિયમની અમલવારી શુક્રવારથી (7 જાન્યુઆરી) શરૂ પણ થઈ ગઈ છે

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ભારત સહિત વિશ્વભરમાં લોકોની ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં સતત એક લાખ જેટલા પોઝિટિવ કેસ આવી રહ્યા છે. તો આવી જ સ્થિતિ અમેરિકા, બ્રિટન અને યુરોપિયન દેશોની છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનાના ઓછાયા હેઠળ જીવતા લોકો હવે જાણે કંટાળ્યા હોય એમ આવી કપરી સ્થિતિમાં પણ અર્થતંત્રને ચલાવવા થોડી છૂટછાટ લેતા જોવા મળી રહ્યા છે. આ યાદીમાં સૌપ્રથમ દેશ બન્યો છે બ્રિટન.

ઇંગ્લેન્ડે તમામ વિદેશી પ્રવાસીઓ માટે પરીક્ષણ અંગેના નિયમો સરળ બનાવ્યા છે, જેની અમલવારી શુક્રવારથી (7 જાન્યુઆરી) શરૂ પણ થઈ ગઈ છે. સરકારે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીની અપીલને પગલે કોરોનાને લગતા નિયમો હળવા કર્યા છે, એટલે કે હવે ઇંગ્લેન્ડમાં પ્રવેશનાર પ્રવાસીઓએ આગળ મુસાફરી કરતાં પહેલાં કોઈ જ પરીક્ષણ કરાવાની જરૂર નથી, શરત માત્ર એટલી કે તે ફુલ્લી વેક્સિનેટેડ એટલે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોવા જરૂરી છે. આટલું જ નહીં, ઇંગ્લેન્ડમાં આગમન થયા બાદ પીસીઆર ટેસ્ટ કરાવવાને બદલે યાત્રી સસ્તો લેટરલ ફ્લો લઈ શકે છે. બ્રિટન સરકાર સેલ્ફ આઈસોલેશનના નિયમમાં પણ બદલાવ લાવવાની વિચારણા કરી રહ્યું છે.

કોરોનાથી કંટાળ્યા, હવે બ્રિટનમાં નવા નિયમ

  • ઇંગ્લેન્ડમાં પ્રવેશનાર પ્રવાસી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી હશે અને જેને વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેને ઈંગ્લેન્ડમાં કે અન્ય કોઈ જગ્યાએ મુસાફરી કરવી હશે તો બે દિવસ જૂનો નેગેટિવ રિપોર્ટ આપવાની કોઈ જ જરૂર નથી.
  • આ ઉપરાંત બ્રિટનમાં આગમન બાદ તેમના RT-PCR ટેસ્ટ કરાવવામાં આવશે, પરંતુ એના રિઝલ્ટ ન આવે ત્યાં સુધી બે દિવસ માટે સેલ્ફ આઈસોલેશનની જરૂર નથી.
  • આ ઉપરાંત 9 જાન્યુઆરીથી બ્રિટનમાં આવતા લોકોને બે દિવસની અંદર RT-PCR ટેસ્ટને બદલે લેટરલ ફ્લો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપવામાં આવી છે.
  • આ ઉપરાંત જેમણે વેક્સિન નથી લીધી તેમના માટે જૂના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત રહેશે, જેમાં આગમનના બે દિવસની અંદર RT-PCR ટેસ્ટ તેમજ બીજી વખત આઠમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો અને 10 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેવું ફરજિયાત છે.

નવા નિયમને લઈને બ્રિટનના PM બોરિસ જોનસને શું કહ્યું?
ઓમિક્રોન વ્યાપકપણે ફેલાઈ ગયો છે ત્યારે વધુપડતાં નિયંત્રણો પણ કોઈ અસરકારક નથી. આવું જ વિચારીને બ્રિટનના PM બોરિસ જોનસને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને ડૂબતી બચાવવા માટે કેટલાક નિયમો હળવા કરવાનું મન બનાવ્યું છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન.
  • બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું હતું કે "હવે ઓમિક્રોનનો એટલો ફેલાવો થઈ ગયો છે કે કડક નિયમોથી સંક્રમણને ફેલાવતો રોકી શકાતો નથી. એને બદલે એની અસર લોકો પર અને ટ્રાવેલ ઉદ્યોગ પર વધુ જોવા મળે છે."
  • તેમણે વધુમાં કહ્યું હતું કે "ઘણા લોકોને વિદેશમાં ફસાઈ જવાના ડરથી તેમજ વધારાનો ખર્ચ ઉઠાવવાને પગલે નિરાશ છે, જેને પગલે આ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે."
  • એરલાઇન્સે કહ્યું હતું કે પેસેન્જરના ટેસ્ટની કોઈ વાસ્તવિક અસર જોવા મળતી નથી, એ પછી આ જાહેરાત કરવામાં આવી છે. ગયા અઠવાડિયાના ડેટા સૂચવે છે કે ઇંગ્લેન્ડમાં 25માંથી એક વ્યક્તિને વાઇરસ હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ફરજિયાત પરીક્ષણને કારણે એવિએશન સેક્ટરને ઘણી જ નેગેટિવ અસર થતી હતી.
  • બ્રિટનના PM બોરિસ જોનસન આ નિયમની અમલવારી પહેલાં તેમના કેબિનેટને મળ્યા હતા અને મુસાફરી પરીક્ષણોમાં ફેરફારોની સાથે કહ્યું હતું કે તેઓ લક્ષણો વિનાના લોકો માટે કોવિડ પરીક્ષણ નિયમોને સરળ બનાવશે, જેમને હવે પીસીઆર સાથે સકારાત્મક લેટરલ ફ્લો ટેસ્ટની પુષ્ટિ કરવાની જરૂર રહેશે નહીં.

બ્રિટનમાં કયા નિયમ લાગુ છે?

  • હાલ ઓમિક્રોનના ભય વચ્ચે બ્રિટનમાં 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો UKમાં પ્રવેશતાં પહેલાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ હોવા જરૂરી છે.
  • આ ઉપરાંત તમામ પ્રવાસીઓએ યુકેમાં આવતા પહેલાં બે દિવસ જૂના નેગેટિવ ટેસ્ટ લેટરલ ફ્લો અથવા પીસીઆર ટેસ્ટનો પુરાવો દર્શાવવો આવશ્યક છે.
  • સંપૂર્ણ વેક્સિનેટેડ લોકોએ પણ બ્રિટનમાં પ્રવેશના બે દિવસની અંદર RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે અને ત્યાં સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેવું પણ ફરજિયાત છે.
  • આ ઉપરાંત જે લોકોએ ફુલ્લી વેક્સિનેટેડ નથી તેમના માટે બ્રિટનમાં પહોંચ્યા બાદ બે વખત RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે, જેમાં પહેલો ટેસ્ટ આગમનના બીજા દિવસે અને બીજો ટેસ્ટ આઠમા દિવસે કરાવવો ફરજિયાત છે. આટલું જ નહીં, તેમને બ્રિટન પહોંચ્યા ત્યારથી 10 દિવસ માટે સેલ્ફ આઈસોલેટેડ રહેવું પણ અનિવાર્ય છે.
અન્ય સમાચારો પણ છે...