કોરોનાના કારણે પરેશાન બ્રિટનમાં હવે ડૉક્ટરો નોકરી છોડી રહ્યા હોવાથી દર્દીઓ પરેશાન છે. છેલ્લા એક વર્ષમાં અહીં બે હજારથી પણ વધુ ડેન્ટિસ્ટે નોકરી છોડી છે. તેનાથી આશરે 40 લાખ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. એસોસિયેશન ઓફ ડેન્ટલ ગ્રૂપ્સે નેશનલ હેલ્થ સર્વિસના આંકડાના હવાલાથી જણાવ્યું છે કે 2020ના અંત સુધી બ્રિટનમાં 23,733 ડેન્ટિસ્ટ હતા, જે 2021ના અંતમાં ઘટીને 21,544 થઈ ગયા.
આ છેલ્લા એક દસકાનો ડેન્ટિસ્ટ્સનો સૌથી ઓછો આંકડો છે. આ કારણસર સ્થિતિ એવી છે કે દેશના અનેક વિસ્તારોમાં ડેન્ટિસ્ટ્સની એપોઈન્ટમેન્ટ 3 વર્ષ પછીની મળી રહી છે. તેને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. અનેક લોકો દાંતની સર્જરી માટે પોતાનું શહેર છોડીને બીજા શહેરોમાં જઈ રહ્યા છે. નેશનલ હેલ્થ સર્વિસના ડેન્ટિસ્ટ્સ નહીં મળવાથી લોકોએ વધુ પૈસા ખર્ચીને ખાનગી ડૉક્ટરો જોડે જવું પડે છે.
આ છે કારણઃ એનએમએસ ડેન્ટલ વિભાગનું બજેટ ઓછું
1. ડેન્ટિસ્ટ્સની અછત માટે કોરોના મહામારી, બ્રેક્ઝિટ અને સરકાર તરફથી એનએસએસ ડેન્ટલને અપાતા ઓછા બજેટને જવાબદાર મનાય છે. તેથી સ્થિતિ એ છે કે કેટલાક ડેન્ટિસ્ટ્સ એનએચએસનું આખું બજેટ ખતમ થઈ જવાના કારણે દર્દીઓ પાસે વધુ ફી માંગી
રહ્યા છે.
2. બ્રિટિશ ડેન્ટલ એસોસિયેશને આરોપ લગાવ્યો છે કે એનએચએસમાં ડેન્ટલ કેર કોન્ટ્રાક્ટ હેઠળ પૂરતા પૈસા નથી મળી રહ્યા. તેનાથી અડધી વસતીને દાંતની બીમારીઓની યોગ્ય સારવાર નથી મળી રહી. ડૉક્ટરોના કોન્ટ્રાક્ટ હેઠળ છેલ્લાં 12 વર્ષમાં કોઈ સુધારા નથી થયા. તેથી ડેન્ટિસ્ટ્સ એનએચએસ સાથે જોડાવા નથી ઈચ્છતા.
સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ખતરામાં, અસુરક્ષાના મામલા ત્રણ ગણા સુધી વધ્યા
બ્રિટનમાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સરકારી હોસ્પિટલ દર્દીઓનું જીવન જોખમમાં નાંખી રહ્યા છે. તેમણે એનએચએસ બેકલોગ તરફ ઈશારો કરતા કહ્યું કે છતોમાંથી લીકેજ, તૂટેલી લિફ્ટો અને ઉંદરોનો ત્રાસ વધવાથી ખતરો વધ્યો છે. આ ઉપરાંત વારંવાર વીજળી જવાથી લાઈફ સેવિંગ સિસ્ટમ જેવી કે એમ્બ્યુલન્સ સેવા પણ બંધ કરી દેવી પડી છે. આ કારણથી પ્રસવ માટે મહિલાઓએ ખાનગી ટેક્સીઓ થકી ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર થવું પડે છે. નોંધનીય છે કે, બ્રિટનમાં મહામારી પછી હોસ્પિટલોની સ્થિતિ ખરાબ છે. અહીં દર્દીઓની સુરક્ષા ખતરામાં મુકાતા કેસો ત્રણ ગણા વધી ચૂક્યા છે.
કવાયતઃ ઈયુ ખર્ચ ઘટાડવા માટે બિનજરૂરી મેડિકલ ટેસ્ટ નથી કરી રહ્યું
યુરોપિયન યુનિયન દેશોને દર વર્ષે લોકોના બિનજરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવા બદલ રૂ. 11,400 કરોડનો ખર્ચ થાય છે. ઈયુ આરોગ્યને લગતો ડેટા દર્દીઓ, મેડિકલ નિષ્ણાતો અને સંશોધકોને યોગ્ય રીતે ઉપલબ્ધ કરાવવાની સાથે મેડિકલ ટેસ્ટમાં કાપ મૂકવા ઈચ્છે છે. તેનાથી દર્દીઓનો આ ટેસ્ટ પર થતા ખર્ચમાં ઘટાડો કરી શકાશે. આ ઉપરાંત દસ વર્ષમાં તેનાથી રૂ. 80 હજાર કરોડથી વધુ
બચત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.