પાકિસ્તાનમાં મંદિરોમાં થયેલા ભારે તોડફોડ અને લઘુમતી સમુદાયો પર થઈ રહેલા હુમલા સામે હિન્દુ સમાજે હલ્લા બોલ કર્યું છે. આ સમયે કરાચીમાં જય શ્રીરામ અને હર-હર મહાદેવના નારા ગુંજ્યા હતા. રવિવારે કરાચી પ્રેસ ક્લબની બહાર થયેલા આ પ્રદર્શનમાં હિન્દુ સમુદાય ઉપરાંત મોટી સંખ્યામાં શીખ, ઈસાઈ, પારસી તથા અન્ય સમાજના લોકોનો સમાવેશ થતો હતો. પ્રદર્શનકારીઓના હાથમાં ભગવા ઝંડા પણ લહેરાતા હતા. આ ઉપરાંત વિરોધ કરી રહેલા લોકોના હાથમાં 'વી વોંટ જસ્ટિસ' લખેલાં બેનરો હતાં.
કરાચીના હનુમાન મંદિરના પૂજારીએ કરી મૃત્યુદંડની સજાની માગ કરી
પ્રદર્શનમાં કરાચીના પ્રસિદ્ધ હનુમાન મંદિરના મુખ્ય પુજારી રામનાથ મિશ્ર મહારાજ પણ સામેલ થયા હતા. મિશ્રએ મીડિયાને જણાવ્યું હતું કે રહીમ યાર ખાનમાં ગુંડાઓ દ્વારા ભગવાન ગણેશના મંદિરમાં જે તોડફોડ કરવામાં આવી છે તે ટીકાપાત્ર છે.
પાકિસ્તાનમાં જે રીતે ઈસ્લામ ધર્મ સામે કોઈ અયોગ્ય ટિપ્પણી કરે છે અથવા કોઈ ઘૃણાસ્પદ કાર્ય કરે છે તો મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. એવી જ રીતે લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળોનું અપમાન કરનારા લોકોને પણ સજા મળવી જોઈએ. શાળાઓમાં પણ બાળકોના પુસ્તકોમાં હિન્દુઓ સામે વાંધાજનક માહિતી ભણાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હિન્દુ તથા અન્ય લઘુમતી સમુદાય અત્યાચાર થઈ રહ્યો છે. અમારી માગ છે કે સરકાર ઝડપભેર પગલાં લે.
કરાચીના મુફ્તિએ પણ વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો
લઘુમતી સમુદાય દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનમાં કરાચીના મુફ્તિ ફૈઝલે પણ ભાગ લીધો હતો. ફેઝલે જણાવ્યું હતું કે હું એક મુસલમાન છું, પણ હું કહેવા માગું છું કે લોકો વચ્ચે નફરત ફેલાવનારા કોઈ પણ કૃત્યો થવા જોઈએ નહીં. ભારતમાં પણ મુસ્લિમો લઘુમતીમાં છે. અમારા ઘણા સંબંધીઓ ત્યાં છે. ત્યાં મુસ્લિમોને કોઈ જ પ્રકારની મુશ્કેલી પડતી નથી. આ સંજોગોમાં પાકિસ્તાન સરકારે પણ અહીં લઘુમતી સમુદાયોને સંપૂર્ણ સુરક્ષા આપવી જોઈએ.
લઘુમતી સમુદાયો પર વધી રહ્યા છે હુમલા
પાકિસ્તાનમાં તાજેતરના દિવસોમાં કટ્ટરપંથીઓના હુમલા વધી રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન હિન્દુ છોકરીઓના અપહરણની ઘટના સામે આવી છે. હિંદૂ સમુદાયની છોકરીઓનું અપહરણ કરી કટ્ટરપંથી મોટી ઉંમરના મુસ્લિમો સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવે છે. માહિતી જાહેર કરવાના સંજોગોમાં મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે.
વર્ષ 1947માં પાકિસ્તાનમાં 428 જેટલાં મોટાં મંદિર હતાં
ઓલ પાકિસ્તાન હિન્દુ રાઈટ્સ મૂવમેન્ટના એક સરવે પ્રમાણે વિભાજન સમયે પાકિસ્તાનમાં કુલ 428 મોટા મંદિર હતા. ધીમે ધીમે આ સંખ્યા ઓછી થવા લાગી હતી. મંદિરોની જમીનો પર કબ્જો કરવામાં આવેલો છે અને ત્યાં દુકાનો, રેસ્ટોરન્ટ, હોટેલ્સ, કાર્યાલયો, સરકારી શાળા અથવા તો મદરેસાઓ ચાલી રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે આ સંખ્યા ઘટીને ફક્ત 20 મંદિર જેટલી થઈ ગઈ છે.
3 ટકાથી પણ ઓછી સંખ્યામાં છે હિન્દુ સમુદાયની વસતિ
વિભાજન સમયે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની વસ્તી લગભગ 15 ટકા હતી. સ્થાનિક સરકારની દમનકારી નીતિઓ અને કટ્ટરપંથીઓના હુમલાને લીધે આ આંકડો સતત ઘટવા લાગ્યો હતો. આજે હિન્દુ સમુદાયની વસ્તી ફક્ત 3 ટકા રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.