કેનેડાની સત્તાવાર પુષ્ટિ:અમેરિકા-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલાં ચારેય ગુજરાતના ડિંગુચાનાં વતની, 10 દિવસ પહેલાં ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ થયાં હતાં

નવી દિલ્હી4 મહિનો પહેલા
મૃતક પરિવાર. - Divya Bhaskar
મૃતક પરિવાર.
 • કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે મામલાની પુષ્ટિ કરી છે
 • અમેરિકા-કેનેડાની બોર્ડર નજીક મોનિટોબાના ઈમરસન વિસ્તારમાંથી 19 જાન્યુઆરીએ મૃતદેહો મળ્યા હતા

યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી છે. આ અંગેની માહિતી તેણે ભારતના હાઈ કમિશનને આપી છે.

ભારતના હાઈમિશને એક નિવેદનથી માહિતી આપી
ભારતના હાઈકમિશને ગુરવારે આ અંગે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) છે.

કલોલના પટેલ પરિવારની ફાઇલ તસવીર.
કલોલના પટેલ પરિવારની ફાઇલ તસવીર.

RCMPએ 19 જાન્યુઆરીએ મૃતદેહો મળ્યા હોવાની માહિતી આપી હતી
ગત 19 જાન્યુઆરીએ મોનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે અમેરિકા-કેનેડાની બોર્ડર નજીક મોનિટોબાના ઈમરસન વિસ્તારમાંથી બે બાળક અને બે આધેડના મૃતદેહો મળ્યા આવ્યા છે. ગેરકાયદે રીતે કેનેડામાંથી અમેરિકામાં ઘૂસવા જઈ રહેલા આ ગુજરાતી પરિવારના સભ્યોની ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ થયું હતું. ઈન્ડિયાના હાઈકમિશને વધુમાં જણાવ્યું હતું કે કેનેડાની ઓથોરિટીઝે મૃતકોના મૃતદેહોની મેડિકલ તપાસ કરી હતી. અને એ તપાસમાં જણવા મળ્યું છે કે તમામ વ્યક્તિઓનાં મૃત્યુ ઠંડીમાં થીજી જવાને કારણે થયાં છે.

RCMPના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ રોબ હિલે આ બાબતે શું કહ્યું?

કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના રોબ હિલે આ જાણકારી આપી હતી.
કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના રોબ હિલે આ જાણકારી આપી હતી.
 • મોનિટોબા RCMP ચીફ સુપરિન્ટેન્ડેન્ટ રોબ હિલે જણાવ્યું હતું કે પટેલ પરિવાર ટોરન્ટો કઈ રીતે પહોંચ્યો અને ત્યાંથી કઈ રીતે મોનિટોબા પહોંચ્યો એ અંગેની અમે તપાસ કરી રહ્યા છે.
 • હિલે તપાસના આધારે જણાવ્યું હતું કે પટેલ પરિવાર 12 જાન્યુઆરીના રોજ ટોરન્ટોમાં આવ્યો હતો. એ તેમની કેનેડામાં એન્ટ્રીનો પ્રથમ પોઈન્ટ છે.
 • ત્યાર પછી પરિવાર ત્યાંથી ઈમરસનની મોનિટોબા કમ્યુનિટી ખાતે 18 જાન્યુઆરીના રોજ પહોંચ્યો હતો, જે ઈન્ટરનેશન બોર્ડરની નજીક છે.
 • જોકે હજી પોલીસ સમગ્ર પરિવાર કઈ રીતે ટોરન્ટો પહોંચ્યો અને ત્યાંથી કઈ રીતે મોનિટોબા ગયો એ અંગેની તપાસ કરી રહી છે.
 • હિલે જણાવ્યું હતું કે કેનેડાની બોર્ડરમાંથી કોઈ વ્હીકલ મળ્યું નથી, જ્યાંથી મૃતદેહો મળ્યા હતા. એનાથી એ વાતનો સંકેત મળે છે કે પરિવારને અહીં કોઈ કાર દ્વારા મૂકી ગયેલું હોવું જોઈએ.
 • પોલીસને આ હ્યુમન સ્મગલિંગનો કેસ હોય એવું લાગે છે. આ કારણે આ પરિવાર કેનેડામાં હતો, એ દરમિયાન તેમને મદદ કરનાર કે તેમને જોયા હોય તેવી વ્યક્તિ સાથે વાત કરવા માગે છે.
 • હિલે કહ્યું હતું કે અમે એવી વ્યક્તિ સાથે વાત કરવા માગીએ છીએ, જેમણે પટેલ પરિવાર સાથે વાતચીત કરી હોય અથવા એવી વ્યક્તિ, જેમને તેમની બોર્ડર સુધી પહોંચવા અંગેની મુસાફરી વિશે કંઈક ખ્યાલ હોય.

મૃતકોના પહેરવેશને કારણે ઓળખ જાહેર કરવામાં સમય લાગ્યો

 • હિલે મૃતકોની ઓળખ જાહેર કરવામાં લાગેલા વધુ સમયે બાબતે માફી માગી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મૃતદેહો અમને થીજેલી હાલતમાં મળ્યા હતા. આ ઉપરાંત મૃતકોએ જે પહેરવેશ પહેર્યો હતો એને કારણે પણ અમને પ્રારંભિક પુષ્ટિ કરવામાં સમય લાગ્યો છે. એને લીધે નામ જાહેર કરવામાં મોડું થયું છે.
 • ચારેય વ્યક્તિની ઓટોપ્સી બુધવારે મોનિટોબાના ચીફ મેડિકલ એક્ઝામિનરે કરી હતી અને એ વાતની પુષ્ટિ કરી છે કે વધુ ઠંડીને કારણે ચારેય વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
 • RCMP આ મામલાની તપાસ માટે નવી દિલ્હી સ્થિત ભારતના લાઈઝન અધિકારીઓ અને વોશિંગ્ટનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
 • આ સિવાય RCMP ઈન્ડિયન કોન્સ્યુલર અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે. આ અધિકારીઓ વિનિપેગમાં શનિવારે આવ્યા હતા અને તેમણે પરિવારના ભારતમાં રહેતા સંબંધીઓને ઓળખવામાં મદદ કરી હતી.
 • હાઈ કમિશને આ અંગે જણાવ્યું હતું કે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, ટોરન્ટો પરિવારના સતત સંપર્કમાં છે અને આ અંગે જરૂરી તમામ મદદ કરી રહ્યું છે.

મોત મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની તપાસ ચાલુ
કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યનાં કેનેડાથી ગેરકાયદે અમેરિકા જતા રસ્તામાં ભારે બરફ વર્ષામાં માઇનસ 35 ડીગ્રીના વાતાવરણમાં થીજી જવાથી મોત થવાની ઘટનામાં ગુજરાત પોલીસવડાએ સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. એમાં પ્રાથમિક તપાસ શરૂ થઈ ગઈ છે અને ગામના તલાટી પાસેથી મૃતકોનાં નામની મતદારયાદી વગેરે દસ્તાવેજો લઈ તપાસ આદરી છે.

કલોલના જગદીશ પટેલ પરિવાર સાથે કેનેડા ગયા હતા.
કલોલના જગદીશ પટેલ પરિવાર સાથે કેનેડા ગયા હતા.

દિવ્ય ભાસ્કરે કેનેડાના બિઝનેસમેન હેમંતભાઈ સાથે વાત કરી હતી
કેનેડાના વિનીપેગમાં સ્થાયી થયેલા બિઝનેસમેન હેમંતભાઈ શાહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે આ વર્ષોથી ગુજરાતીઓ કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસે છે, ત્યારે હવે આ સંદર્ભે ભારત સરકાર અને કેનેડા સરકારે મહત્ત્વ રોલ ભજવવો પડશે અને આ પરિવાર અહીં કેનેડા આવ્યો કેવી રીતે એ તપાસ કરવી પડશે. ભારતીય દૂતાવાસ અને સ્થાનિક તંત્ર એના પર કામ કરી રહ્યું છે. દૂતાવાસે આ અંગે પણ સ્ટેટમેન્ટ આપી દીધું છે, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ સાથે કામ કરી રહ્યા છે. અહીંના કાયદા એવા છે કે તેઓ માહિતી કે મૃતદેહ એટલા જલદી નહીં સોંપે.

કલોલના પટેલ પરિવાર સાથે એજન્ટે 1.65 કરોડનું સેટિંગ કર્યું હોવાની ચર્ચા
અમેરિકા-કેનેડા બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમવર્ષાને કારણે બરફના મોતની ચાદરમાં પોઢી ગયેલા ગાંધીનગર કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના સભ્યોનાં અકાળે મોતના સમાચાર વહેતા થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે ગામમાં વહેતી થયેલી વાતો મુજબ પટેલ પરિવારે કેનેડાથી અમેરિકા બોર્ડરમાં એન્ટ્રી કર્યા પછી સ્થાનિક એજન્ટને 1 કરોડ 65 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું, એટલે કે અમેરિકા ઊતર્યા પછી જિજ્ઞેશ પટેલ ફોન કરીને જાણ કરવાનો હતો, પરંતુ ફોનની રાહ જોઈને બેઠેલા પરિવારને તેના મોતના સમાચાર મળતાં તેમના પર આભ તૂટી પડયું હતું.

કેનેડા-યુએસની બોર્ડર પર તમામ ગુજરાતીના મૃતદેહો મળ્યા હતા.
કેનેડા-યુએસની બોર્ડર પર તમામ ગુજરાતીના મૃતદેહો મળ્યા હતા.

શું છે સમગ્ર મામલો?
કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 મૃતદેહ મળ્યા હતા અને આ ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું. કલોલના ડિંગુચાનો એક પટેલ પરિવાર હોવાની વાત વહેતી થતાં દિવ્ય ભાસ્કર દ્વારા કલોલના પટેલ પરિવારના મોભી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય સભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમે એમ્બેસીમાં સંપર્ક કરી રહ્યા છે. સોમવારે હકીકત જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...