ભાસ્કર ઈનસાઈટ:દક્ષિણ કોરિયા ક્વાડમાં જોડાય તેવી ચર્ચા, ચીનની બેચેની વધી

સિયોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટોક્યોમાં 24મીએ બેઠક પછી દ.કોરિયા ઓબ્ઝર્વર તરીકે સામેલ થઇ શકે છે

બગડતા વૈશ્વિક અને ક્ષેત્રીય તણાવને લીધે દ.કોરિયાના નવા રાષ્ટ્રપતિ યુન સુક-યોલ રાષ્ટ્રીય સુરક્ષા અંગે દબાણ હેઠળ છે. આ સૌની વચ્ચે તેમની ઈચ્છા એશિયા-પેસિફિકમાં ચીનની વધતી મહત્ત્વકાંક્ષાને મર્યાદિત કરવા રચાયેલા સુરક્ષા મંચ ક્વાડનો હિસ્સો બનવાની છે. નિષ્ણાતો કહે છે કે અન્ય સત્તાઓ સાથે ઘનિષ્ઠ સંરક્ષણ સંબંધો દ.કોરિયાની રાષ્ટ્રીય સુરક્ષાને એવા સમયમાં વધારશે જ્યારે તે ઉ.કોરિયાના એક નિયમિત ખતરાથી ઘેરાયેલું છે.

જોકે જાણકારો કહે છે કે સિયોલ તેના વ્યાપારિક સહયોગી ચીનના વિરોધનું વધારે જોખમ ઉઠાવી શકે તેમ નથી. યુન પાસે દોરડા પર ચાલવા જેવું મુશ્કેલ કામ રહી ગયું છે અને તેની પાસે કોઈ વિકલ્પ નથી. આમ તો યુએન ક્વાડમાં સામેલ થવા ઉત્સુક છે. શપથગ્રહણથી ઠીક એક સપ્તાહ પહેલા 3 મેના રોજ યુને સિયોલમાં ઓસ્ટ્રેલિયન રાજદૂત કેથરીન રેપર સાથે મુલાકાત કરી અને ક્વાડની પ્રવૃત્તિઓમાં સામેલ થવા ઓસ્ટ્રેલિયાના સમર્થનની માગ કરી હતી. આ મુલાકાતના 3 દિવસ પછી યુને ભારતીય રાજદૂત શ્રીપ્રિયા રંગનાથન સાથે મુલાકાત કરી ક્વાડની પ્રવૃત્તિઓનો હિસ્સો બનવા સમર્થન માગ્યું.

યુન 21 મેના રોજ સિયોલમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની મેજબાની કરશે. મનાય છે કે 24મેના રોજ ટોક્યોમાં યોજાનાર ક્વાડની બેઠકમાં ઓબ્ઝર્વર તરીકે સામેલ થવાની મંજૂરી માગશે. બીજી બાજુ ફુમિયો કિશિદાના નેતૃત્વ હેઠળની જાપાની સરકાર દ.કોરિયાની પૂર્વ સરકાર સાથેના મતભેદોને પાછળ રાખી અને સિયોલ સાથે વધારે સહયોગી સંબંધ બનાવવા તૈયાર છે કેમ કે તે આ ક્ષેત્રમાં વધતા ચીની પ્રભાવ વિરુદ્ધ એક અવરોધ તૈયાર કરવા પ્રયાસ કરી રહ્યા છે.

ટેમ્પલ યુનિવર્સિટીના ટોક્યો પરિસરમાં એશિયન અભ્યાસના નિર્દેશક જેફ કિંગ્સટને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે તેની સંભાવના વધુ છે કે અમેરિકા પણ દ.કોરિયાને ક્વાડમાં સામેલ કરવા ઇચ્છુક હશે કેમ કે દ.કોરિયામાં અમેરિકી સૈનિકોની હાજરી છે અને ચીનને રોકવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તે કહે છે કે સમસ્યા ફક્ત દ.કોરિયાના ચીન સાથેના વેપારની છે. તે કહે છે કે આ પોઇન્ટ પર એ સ્પષ્ટ નથી કે ક્વાડમાં સામેલ થવાની યોજના પર આગળ વધતા ચીન, દ.કોરિયાને કેવો જવાબ આપશે.

જોકે એ સ્પષ્ટ છે કે બેઈજિંગ તેને નાટો વિસ્તરણના સ્થાનિક સમકક્ષ તરીકે જુએ છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે દ.કોરિયાને ચેતવણી આપતા લખ્યું હતું કે તે આને શત્રુતાની શરૂઆત માનશે. જોકે અગાઉ દ.કોરિયા સરકાર ચીન વિરુદ્ધ બનેલા મંચોથી બચતી રહી છે.

ચીન પર હવે દક્ષિણ કોરિયાનો વિશ્વાસ ડગમગી રહ્યો છે
દ.કોરિયામાં રાષ્ટ્રપતિ યુન સુક-યોલની નવી સરકાર આ સુરક્ષા મંચનો હિસ્સો બનવા ઉત્સુક છે. વૈશ્વિક સ્તરે ઉ.કોરિયા સાથે સંબંધોને સાચવવામાં બેઈજિંગને સિયોલ માટે એક મહત્ત્વપૂર્ણ ખેલાડી તરીકે જોવાય છે. જોકે ચીનની મદદમાં વિશ્વાસ ઘટી રહ્યો છે. બીજી બાજુ અમેરિકા સાથે વર્ષો જૂનું ગઠબંધન દ.કોરિયાની સુરક્ષાનું કેન્દ્ર બની ગયું છે અને આ એક રાજકીય અને આર્થિક ભાગીદારી તરીકે વિકસિત થયું છે જે સુરક્ષા સંબંધોથી આગળ વધી જાય છે. મોટાભાગના દ.કોરિયાના નેતાઓ અને જનમત સરવેના પરિણામ બંને દેશો વચ્ચે આ ગઠબંધનને જાળવી રાખવા એક મજબૂત સંમતિ તરફ ઈશારો કરે છે.

અન્ય સમાચારો પણ છે...