પાકિસ્તાનના કરાચીમાં 16 દિવસમાં 18 લોકોના મોત થયા છે. મરનાર લોકોમાં 15 બાળકો છે. ગુરુવારે કરાચીના હેલ્થ ડિપાર્ટમેન્ટે એક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે તમામ લોકોના મોત કેમારી વિસ્તારની કેમિકલ ફેક્ટરીઓથી નીકળી રહેલા ઝેરી ધુમાડાના કારણે થઈ રહ્યા છે.
ઝેરી કેમિકલ્સથી લોકોના મરવાની શરૂઆત 10 જાન્યુઆરીથી થઈ છે. ત્યાર પછી વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. શરૂઆતમાં લોકોને સમજાતું નહતું કે આ મોત કેમ થઈ રહ્યા છે. લોકોને તાવ આવતો, શ્વાસ લેવામાં તકલીફ થતી અને પછી અઠવાડિયામાં તેમનું મોત થઈ જતું.
હેલ્થ ડિપાર્ટમેન્ટની તપાસમાં ઘટસ્ફોટ
જ્યારે કેમારીમાં મરનાર લોકોની સંખ્યા વધવા લાગી તો અહીંના હેલ્થ ડિપાર્ટમેન્ટે કેમ્પ લગાવ્યો. જેમાં ઘટસ્ફોટ થયો કે સતત મરી રહેલા લોકોનાં મોતની પાછળ કેમારી વિસ્તારની ફેક્ટરી છે જે ઝેરી ધુમાડો છોડી રહી છે. આ ધુમાડાથી લોકોને ફેફસાની બિમારી થઈ રહી છે. જે તેમનો જીવ લઈ રહી છે.
ત્યાં રહેનારા લોકો અનુસાર વિસ્તારમાં બે ફેક્ટરીમાંથી દુર્ગંધ આવે છે. જેનાથી તેમને ગૂંગળામણ અનુભવાય છે. સમગ્ર મામલે હાલ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. સાથે જ ઝેરી ધુમાડો છોડતી બે ફેક્ટરીને બંધ કરવામાં આવી છે.
સિંધના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
સિંધના ચીફ મિનિસ્ટ મુરાદ અલી શાહે સમગ્ર મામલે રિપોર્ટની માગ કરી છે. તેમણે લોકોનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ કરાચીના કમિશ્નર, હેલ્થ ડાયરેક્ટર અને લેબર ડિપાર્ટમેન્ટને સતત ઘટના પર નજર રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે. લેબર ડિપાર્ટમેન્ટને ઓર્ડર આપવામાં આવ્યો છે કે ફેક્ટરીઓથી નીકળેલા ધુમાડાની લેબમાં તપાસ કરવામાં આવે.
ઝેરી ગેસથી મરવાની ઘટના નવી નથી
વર્ષ 2020માં કરાચીમાં ઝેરી ગેસ લીક થવાના કારણે 500થી વધુ લોકો બીમાર પડી ગયા હતા. તેમાં 14 લોકોનાં મોત થયા હતા. ગેસ લીક કેવી રીતે થઈ તે હજુ પણ મિસ્ટ્રી છે. લોકોને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. તે સમયે કેમારીમાં તમામ શાળા બંધ કરવામાં આવી હતી.
આ વચ્ચે ઘણા લોકોએ દાવો કર્યો છે કે બંદરગાહ પર આવનારા જહાજોને જંતુમુક્ત કરવા એક પ્રકારનો ધુમાડો છોડવામાં આવે છે. જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.