જાપાનના લોકો દુનિયામાં સૌથી લાંબુ જીવન જીવે છે. જાપાનીઓની સરેરાશ ઉંમર 84.6 વર્ષ છે. મહિલાઓ પુરુષો કરતાં વધારે જીવે છે. તેમની સરેરાશ ઉંમર 87.45 વર્ષ અને પુરુષોની 81.41 વર્ષ છે. જ્યારે ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર 71.2 અને પુરુષોની 68.46 વર્ષ છે. રિટાયર થયા પછી પણ જાપાનીઓની શારીરિક ક્ષમતા અન્ય લોકો કરતાં સારી હોય છે.
જાપાનીઓ આટલું લાંબુ જીવન કેમ જીવે છે તેનો જવાબ ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર શિન્યા હયાસાકાએ શોધ્યો. તેમની શોધમાં જાણ થઈ કે જાપાનીઓની લાંબી ઉંમરનું કારણ ગરમ પાણીથી નહાવું છે. દુનિયામાં ફક્ત 40% લોકો જ રોજ નહાય છે જ્યારે 80% જાપાની રોજ નહાય છે. વધારે લોકો હૉટ સ્પ્રિંગમાં નહાય છે, જેને ઑનસેન અથવા ગરમ પાણીનું પ્રાકૃતિક ઝરણું પણ કહેવાય છે.
શિન્યા હયાસાકાએ ચિબા યુનિવર્સિટીના શોધકર્તાઓ સાથે મળીને 3 વર્ષથી વધારે ઉંમરના 14,000 જાપાની લોકો પર શોધ કરી. નિષ્કર્ષ નીકળ્યો કે જે લોકો દરરોજ ગરમ પાણીથી નહાય છે તેમને અઠવાડિયામાં બે વખત અથવા તેનાથી ઓછી વાર નહાવાવાળા લોકોની તુલનામાં 30% ઓછી નર્સિંગની જરૂર હોય છે દરરોજ સ્નાન કરતા લોકોમાં સ્ટ્રોક અથવા હાર્ટએટેકનો ખતરો 30% ઓછો હોય છે. પ્રોફેસર શિન્યા અને તેમની ટીમ ત્રણ દાયકાથી હૉટ સ્પ્રિંગ્સથી થતા સ્વાસ્થ્યના લાભો પર શોધ કરી રહી છે.
શિન્યા જણાવે છે કે ઘણાં વર્ષો પહેલાં તેમની પાસે એક નર્સ આવી, તેણે કહ્યું કે તે એક વૃદ્ધ દર્દીની દેખરેખ કરી રહી છે. જ્યારે તે દર્દી ગરમ પાણીથી નહાય છે ત્યારે તેનું બ્લડપ્રેશર વધી જાય છે. તો નહાવું યોગ્ય છે કે નહીં? શોધમાં ખબર પડી કે શરીરને લાભ ત્યારે જ થાય છે પાણી ઓછામાં ઓછું 38 ડિગ્રી સેલ્સિયસ ગરમ હોય. ગરમ પાણીથી નહાવાથી સંકોચાયેલી નસો રિલેક્સ મોડમાં આવી જાય છે. તેનાથી લોહી સરળતાથી ઓક્સિજન કોષો સુધી પહોંચે છે.
ગરમ પાણીમાં સ્નાન કરવાથી સાંધાનો દુખાવો, પીઠ અને ગળાના દુખાવાથી રાહત મળે છે. શોધ અનુસાર જો રાત્રે ગરમ પાણીથી સ્નાન કરીને સૂવામાં આવે તો સ્નાયુઓનો તણાવ દૂર થાય છે, અને શાંતિની ઊંઘ આવે છે.
જાપાનમાં 27 હજાર હૉટ સ્પ્રિંગ છે, સાર્વજનિક સ્નાન સંસ્કૃતિનો હિસ્સો છે
જાપાનમાં લગભગ 27 હજાર હૉટ સ્પ્રિંગ છે. નહાવું અહીંની સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે. અલગ - અલગ ધર્મોએ પણ સ્નાન કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. અહીંના ધાર્મિક સ્થળો પર નહાવા માટે સ્નાનઘર છે. શિન્યતા જણાવે છે કે 1960ના દાયકા સુધી દરેક ઘરોમાં સ્નાનઘર ન હતાં અને વિસ્તારમાં જાહેર સ્નાનઘરની વ્યવસ્થા હતી. આજુબાજુના લોકો ત્યાંજ નહાતા હતા. આજે પણ જ્યારે ઘરોમાં બાથરૂમ છે, તોપણ દેશમાં અનેક જાહેર સ્નાનઘરો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.