બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને ટ્રાફિકના નિયમો તોડવા બદલ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લેન્કેશાયર પોલીસે PM સામે £100નું ચલણ જારી કર્યું હતું. જોકે સુનકે આ મામલે બે દિવસ પહેલાં માફી માગી છે.
ખાસ વાત એ છે કે સુનક પોતે ડ્રાઇવિંગ કરતા ન હતા કે તેઓ કારની આગળની સીટ પર બેઠા નહોતા. તેઓ પાછળની પેસેન્જર સીટ પર બેઠા હતા. કાર ચાલી રહી હતી ત્યારે તેઓ સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવી રહ્યા હતા. તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ બ્રિટનની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વડાપ્રધાન કાર્યાલયે કહ્યું- સુનક દંડ ભરવા માટે તૈયાર છે
આ મામલો સામે આવ્યા બાદ બ્રિટનના વડાપ્રધાનના નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'સુનકે પોતાની ભૂલનો સંપૂર્ણ સ્વીકાર કર્યો છે અને માફી માગી છે. તે દંડ ભરવા તૈયાર છે. જ્યારે પીએમએ આ વીડિયો બનાવ્યો ત્યારે તેઓ ઉત્તરી ઈંગ્લેન્ડના લેકશાયરમાં હતા.
પોલીસે ટ્વીટ કર્યું, પરંતુ પીએમનું નામ લખ્યું નથી
લેકશાયર પોલીસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જોકે એમાં પીએમ સુનકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પોલીસે લખ્યું હતું કે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી લેકશાયરમાં ચાલતી કારમાં સીટબેલ્ટ ન બાંધવા બદલ 20 જાન્યુઆરીએ લંડનના એક 42 વર્ષીય વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો છે.
સીટ બેલ્ટ ન પહેરવા બદલ 10,000 રૂપિયાનો દંડ
બ્રિટનમાં જો કોઈ મુસાફર સીટ બેલ્ટ ન બાંધે તો તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો મામલો કોર્ટમાં જાય તો તેના પર 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.