‘દિવસમાં તારા જોવા’ વાક્ય તમે સાંભળ્યું જ હશે. પણ હવે રાત્રે પણ તારા દેખાતા નથી. હા, આ વાત સાચી છે કે આકાશના તારાઓ આપણી આંખો સામેથી ગાયબ થઈ રહ્યા છે. હકીકતમાં રાત્રિના આકાશની દર વર્ષે 10% ચમક વધી રહી છે. જે અત્યાર સુધીની સૌથી તેજ સ્પીડ છે. આ કારણે જે તારા એક સમયે દેખાતા હતા હવે તે સામાન્ય લોકો કે ખગોળશાસ્ત્રીઓને દેખાતા નથી. વિજ્ઞાનીઓનું અનુમાન છે કે જો કોઈ બાળકના જન્મ સમયે આકાશમાં 250 તારા દેખાતા હતા તો તેના 18મા જન્મદિવસ સુધીમાં માત્ર 100 તારા જ દેખાતા હશે.
આ સાર છે નવા અભ્યાસનો. જે 2011 અને 2022ની વચ્ચે વિશ્વભરના વિજ્ઞાનીઓના 50,000 થી વધુ અવલોકનોનું વિશ્લેષણ છે. આ રિસર્ચનો હેતુ ‘સ્કાયગ્લો’ એટલે કે રાત્રિના સમયે આકાશના તેજ પ્રકાશની સમસ્યાને સમજવાનો હતો.
‘સાયન્સ’ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ સાથે સંકળાયેલા જર્મન રિસર્ચ સેન્ટરના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે વાતાવરણમાં ફેલાતા કૃત્રિમ પ્રકાશનું પ્રદૂષણ તારાઓની ઘટતી દૃશ્યતા માટે જવાબદાર છે. જે આપણા અંદાજ કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે. તેને રોકવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તે માત્ર આકાશને જ નહીં, પરંતુ મનુષ્યો અને પ્રાણીઓની ઇકોસિસ્ટમને પણ અસર કરી રહ્યું છે.
અગાઉ કરવામાં આવેલા સેટેલાઇટ અભ્યાસમાં આકાશને ચમકાવવાની ઝડપ માત્ર 2% હોવાનું કહેવાયું હતું. તેથી વિજ્ઞાનીઓએ આ વખતે એક એપમાંથી માહિતીનો ઉપયોગ કર્યો છે જે વિશ્વભરનાં સ્થળોના દ્રશ્યો એકત્રિત કરે છે. સંશોધનનું તારણ છે કે માત્ર 8 વર્ષમાં આકાશ બમણું તેજસ્વી બન્યું છે.
અવકાશયાત્રી કર્ટ રીગેલે 1973માં સૌપ્રથમ ચેતવણી આપી હતી કે કૃત્રિમ પ્રકાશ રાત્રિના આકાશને અસર કરી રહ્યો છે. આ પછી એવું સમજાયું કે શહેરી વિસ્તારોમાં વધતું પ્રકાશ પ્રદૂષણ આપણી ઇકોસિસ્ટમને અસર કરી રહ્યું છે. જો આ પરિસ્થિતિને કાબૂમાં નહીં રાખવામાં આવે તો આવનારા સમયમાં બધા જ તારાઓ આપણી આંખો સામેથી ગાયબ થઈ જશે અને આપણને તારાઓ વિનાનું આકાશ દેખાશે.
લાઇટોવાળાં શહેરોની ઝાકઝમાળને કારણે મુશ્કેલી વધી રહી છે
વિજ્ઞાનીઓના મતે આકાશની ચમક વધવાની સમસ્યા એલઈડી લાઈટોને કારણે થાય છે. આજે શહેરોમાં એલઈડી લાઈટોનું ચલણ વધ્યું છે. આ લાઈટો રાતભર ચાલુ રહે છે. જેના કારણે આકાશ પણ ચમકતું રહે છે અને સંપૂર્ણ અંધકાર નથી રહેતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.