ઈરાનમાં હિજાબના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટોળાએ એક પોલીસ ચીફની હત્યા કરી દીધી હતી. અધિકારીનું નામ કર્નલ અબ્દલ્લાહી છે. કુર્દીસ્તાનના મારિવનમાં પોલીસ તેમના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ સામે ઓપરેશન ચલાવી રહી હતી.
મોરલ પોલીસની કસ્ટડીમાં કુર્દિશ યુવતી મહસા અમીનીના મૃત્યુ બાદથી ઈરાનમાં હિજાબ અને સરકાર સામે લોકોનો ગુસ્સો ભડક્યો છે. 16 સપ્ટેમ્બરથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં રવિવાર સુધી 133 લોકોનાં મોત થયાં છે.
ઈરાનમાં નરસંહારનું જોખમ
ઈરાનમાં માનવ અધિકાર માટે કામ કરી રહેલા લોકોને ડર છે કે પોલીસ ચીફની હત્યા બાદ ઈરાની સેના IRGC (ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) નરસંહાર શરૂ કરી શકે છે. માનવ અધિકાર સમૂહ હેંગાવે જણાવ્યું કે તમામ કુર્દિશ પ્રભાવિત શહેરોને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે.
નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ગ્રુપ અનુસાર, પ્રદર્શનમાં 133 પ્રદર્શનકારીઓનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. મરનારની સંખ્યા આનાથી વધારે હોઈ શકે છે. જેમ મરનારની સંખ્યા વધી રહી છે, તેમ પ્રદર્શનકારીઓનો ગુસ્સો પણ વધી રહ્યો છે.
ઈરાનના કેટલાક મીડિયા ગ્રુપનું કહેવું છે કે અત્યાર સુધી IRGCએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ તેની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો નથી. જો આવું થશે તો લોહીની નદીઓ વહેશે.
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સેનાના નિશાન બની રહ્યા છે
ઈરાનની રાજધાની તેહરાન અને અન્ય શહેરોમાં રવિવારે મોડી રાત સુધી દેખાવો ચાલુ હતા. મુખ્ય યુનિવર્સિટીઓમાં વિરોધ ચાલી રહ્યો હતો. ઈરાનની યુનિવર્સિટીઓમાં સત્તાના સમર્થક વિદ્યાર્થીઓ પણ હતા. તે લોકો પ્રદર્શનકારીઓ સાથે લડી રહ્યા હતા.
તેહરાન યુનિવર્સિટીને ભારે સુરક્ષા દળો દ્વારા ઘેરી લેવામાં આવી હતી. માનવ અધિકાર સમૂહ ફરાશગાર્દ ફાઉન્ડેશન અનુસાર, શરીફ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ. સુરક્ષા દળોએ વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો.
જાહેદાનમાં ઇન્ટેલિજન્સ ચીફની હત્યા
સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની જાહેદાનમાં IRGCના ટોપ ઓફિસરની બલૂચ પ્રદર્શનકારીઓએ હત્યા કરી નાખી. બલૂચ પ્રદર્શનકારીઓ 15 વર્ષની સુન્ની મુસ્લિમ બલૂચ છોકરી પર બળાત્કારનો વિરોધ કરી રહ્યા હતા. ઝાહેદાનના પોલીસ વડા પર બળાત્કારનો આરોપ છે.
ઈરાનના સરકારી મીડિયા અનુસાર જાહેદાનમાં સુરક્ષા દળો પર થયેલા હુમલામાં 19 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. જેમાં સિસ્તાન-બલૂચિસ્તાનના ઈન્ટેલિજન્સ ચીફનો સમાવેશ થાય છે.
પ્રદર્શનકારીઓમાં ડર નથી રહ્યો
સુરક્ષા દળો દ્વારા દમન અને હિંસક કાર્યવાહી છતાં ઈરાનનાં શહેરોમાં પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી રહ્યા છે. સો કરતાં વધુ પ્રદર્શનકારીઓનાં મૃત્યુ છતાં, વિરોધીઓ નિર્ભય રહી ઈરાની પોલીસ અને લશ્કરી દળોનો સામનો કરી રહ્યા છે.
ઈરાન પર નજર રાખનારા વિશ્લેષકોનું કહેવું છે કે આ યુવાપેઢી નિર્ભય છે અને પારંપરિક ધાર્મિક રૂઢિવાદ વિચારધારાથી મુક્ત છે. પ્રદર્શન દરમિયાન યુવાનો ખુલ્લેઆમ ધાર્મિક અને સામાજિક બંધનોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. કિશોરીઓ અને યુવતીઓએ હિજાબ ઉતારી લીધો છે અને વાળ પણ કપાવી લીધા છે. આ ટ્રેન્ડ વધી રહ્યો છે. ઘણાં શહેરોમાં વિરોધ કરી રહેલી મહિલાઓ તેમના હિજાબ સળગાવીને વિરોધ કરી રહી છે.
પ્રદર્શન વધવાનું કારણ શું છે?
કુર્દિશ વિસ્તારમાં હિજાબ વિરુદ્ધ પ્રદર્શન શરૂ થયાં બાદ ઈરાની સુરક્ષા દળોએ કુર્દિશ શરણાર્થીઓના કેમ્પ પર પણ હુમલો કર્યો છે. તે સિવાય IRGCએ કુર્દિસ્તાન વિસ્તારમાં વિપક્ષી દળો પર પણ નિશાનો સાધ્યાં છે. IRGCના હુમલા પછી કુર્દિસ્તાનમાં વિપક્ષી દળોએ પ્રદર્શનમાં સામેલ થવા લોકોને અપીલ કરી હતી.
આ અપીલ બાદ મોટાભાગના કુર્દિશ પ્રભુત્વ ધરાવતાં શહેરોમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને હિજાબ વિરુદ્ધ પ્રદર્શનો વધુ જોરદાર બન્યાં હતાં. જેમ-જેમ પ્રદર્શનકારીઓની સંખ્યા વધી રહી છે, તેમ-તેમ IRGCના હુમલા પણ વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર કુર્દીસ્તાન વિસ્તારમાં તણાવ ફેલાયો છે. આ ક્ષેત્રમાં ઈરાન વિરોધી ભાવના પહેલેથી જ છે, જેને હવે વધુ હવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.