તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોનાથી સામાન્ય સંક્રમિત દર્દીઓના બોનમેરોમાં જીવનભર એન્ટિબોડીનું સુરક્ષા કવચ સર્જાય છે

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનમાં દાવો
  • સંક્રમિતોના બોનમેરોમાં 11 મહિના પછી પણ એન્ટિબોડી જોવા મળ્યા

કોરોનાથી સામાન્ય પ્રભાવિત દર્દીઓને આ બીમારીમાંથી બહાર આવ્યા પછી પણ જીવનભર એન્ટિબોડીનું સુરક્ષા કવચ મળે છે. આ લોકોના શરીરમાં કોરોના વાઈરસના એન્ટિબોડી રિલીઝ થતા રહે છે. અમેરિકામાં વૉશિંગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનમાં આ દાવો કરાયો છે.

સાયન્સ જર્નલ નેચરમાં 24 મેના રોજ પ્રકાશિત આ રિસર્ચ પેપરમાં કહેવાયું છે કે, કોરોનાથી સામાન્ય સંક્રમિત લોકોમાં ક્યારેય ખતમ ના થાય એવા એન્ટિબોડી મળ્યા છે. આવા લોકોમાં કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા પણ ઘટી જાય છે. કેટલાક સંશોધનોમાં એવું જોવા મળ્યું હતું કે, કોરોના સંક્રમણ પછી એન્ટિબોડી બહુ જલદી ખતમ થઈ જાય છે. એટલું જ નહીં, આ લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા પણ લાંબા સમય સુધી નથી રહેતી.

જોકે, નવા સંશોધનો સાથે જોડાયેલા પેથોલોજી અને ઈમ્યુનોલોજીના એસોસિયેટ પ્રો. એલી એલીબેડીનું કહેવું છે કે, કોરોના સંક્રમણ પછી એન્ટિબોડીનું સ્તર ઓછું થાય તે સામાન્ય ઘટના છે, પરંતુ તે ખતમ નથી થતાં. અમારા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, સામાન્ય લક્ષણોમાંથી સાજા થયેલા કોરોના દર્દીઓના બોનમેરોમાં 11 મહિના પછી પણ એન્ટિબોડી પેદા કરતા સેલ જોવા મળ્યા છે. તે આખું જીવન શરીરમાં રહે છે અને એન્ટિબોડી પેદા કરવા સક્ષમ હોય છે.

દુનિયાભરમાં થયેલા તાજા સંશોધનો પ્રમાણે, સંક્રમણ દરમિયાન એન્ટિબોડી પેદા કરતી કોશિકાઓમાં ઝડપથી વૃદ્ધિ થાય છે. તે લોહીમાં ઝડપથી સંચારિત થાય છે અને એન્ટિબોડીને બહુ ઊંચાઈએ લઈ જાય છે. એક વખત સંક્રમણ મટી ગયા પછી મોટા ભાગની કોશિકાઓ મરી જાય છે, ત્યારે એન્ટિબોડી સ્તર ઘટે છે. પરંતુ એન્ટિબોડી પેદા કરતી કોશિકાઓ કે જે લોન્ગ લાઈફ પ્લાઝમા સેલ તરીકે ઓળખાય છે, તે થોડા ઘણાં પ્રમાણમાં બોનમેરોમાં ગોઠવાઈ જાય છે. ત્યાંથી તે નિરંતર એન્ટિબોડી પેદા કરીને છોડતી રહે છે. તેનાથી ફરી સંક્રમણ વખતે સુરક્ષા મળે છે.

નવું સંશોધન કુલ 77 કોરોના દર્દી પર કરાયું
આ સંશોધન 77 કોરોના દર્દી પર કરાયું હતું, જે તમામને સામાન્ય સંક્રમણ હતું. સંક્રમણ થયાના એક મહિના પછી ત્રણ-ત્રણ મહિનાના અંતરે તેમના લોહીના નમૂના લેવાયા હતા. બાદમાં સાત-આઠ મહિનાના અંતરે બોનમેરો લેવાયા. આ નમૂનાની તપાસમાં ધાર્યું હતું તેમ જ શરૂઆતના મહિના પછી એન્ટિબોડી ઝડપથી ઘટતા દેખાયા. જોકે, બાદમાં તેનું સ્તર વધ્યું અને 11 મહિના પછી પણ તેમનામાં એન્ટિબોડી મળી. જ્યારે સંક્રમણથી બચી ગયેલા લોકોમાં એન્ટિબોડી ના મળ્યા. હવે આ ટીમ એ દિશામાં સંશોધન કરી રહી છે કે, રસી લીધા પછી લાંબા સમય સુધી રહી શકે એવા એન્ટિબોડી રિલીઝ કરતા સેલ પેદા થાય છે કે નહીં?

બીજા પ્રકારના કોરોના દર્દીઓ પર પણ સંશોધન થવું જોઈએ
આ સંશોધન સારું છે. કોરોના દર્દીઓના બોનમેરોની તપાસમાં માલુમ પડ્યું છે કે, સંક્રમણ પછી તેમાં લાંબા સમય સુધી એન્ટિબોડી રહે છે. આ સ્થિતિમાં 20 વર્ષ સુધી એન્ટિબોડી રહી શકે છે. સંક્રમણ થાય ત્યારે તે એન્ટિબોડી જ બચાવશે. લોહીની તપાસથી પણ એન્ટિબોડી વિશે જાણી શકાય છે, પરંતુ તે એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી નથી રહેતા. હવે આગામી તબક્કામાં બીજા પ્રકારના કોરોના દર્દીઓ પર પણ આવા સંશોધન થવા જોઈએ, જેથી વધુ સ્પષ્ટતાઓ થઈ શકે. > ડૉ. પ્રો. એકતા ગુપ્તા, ઈન્સ્ટિટ્યુટ ઓફ લિવર એન્ડ બેલિયરી સાયન્સીસ, નવી દિલ્હી

અન્ય સમાચારો પણ છે...