ધ ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:દુનિયાને ચિંતા: જે અલ કાયદાને ખતમ કરવા 20 વર્ષ લડાઈ કરી, તે હવે ફરી માથું ઊંચકશે

બ્રસેલ્સ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાએ 9/11 આતંકી હુમલાના જવાબમાં વીસ વર્ષ પહેલાં અફઘાનિસ્તાનમાં પગ મૂક્યો હતો. આ હુમલો આતંકી સંગઠન અલ કાયદાએ કહ્યો હતો, જેને તાલિબાનોનું સમર્થન હતું. નિષ્ણાતોને ચિંતા છે કે શું હવે અફઘાનિસ્તાનમાં અલ કાયદા જેવાં આતંકી સંગઠનોને સુરક્ષિત શરણ મળશે? સુરક્ષા નિષ્ણાતો તાલિબાનોની જીતને દુનિયાભરમાં આતંકના ફેલાવાની મોટી આશંકા તરીકે જોઈ રહ્યા છે.

આતંકવિરોધી અભિયાનના પૂર્વ અમેરિકન અધિકારી નાથન સેલ્સ કહે છે કે, તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજાથી અમેરિકા માટે આતંકનું જોખમ વધશે. એ લગભગ નિશ્ચિત છે કે, અલ કાયદાને અફઘાનિસ્તાનમાં સુરક્ષા મળશે. તાલિબાનો અલ કાયદાનો ઉપયોગ અમેરિકા અને તેનાં મિત્ર રાષ્ટ્રો વિરુદ્ધ આતંકી કાવતરાં ઘડવા કરશે. બ્રિટનની વિદેશી ગુપ્તચર સેવાના પૂર્વ વડા જ્હોન સોવર્સે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, અમે આતંકીઓના ખાત્મા માટે અફઘાનિસ્તાનમાં પગ મૂક્યો હતો. હવે તે આતંકીઓના મિત્રો તાલિબાનોએ જ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે.

તાલિબાનોનું શાસન ખતરનાક રહેશે. હોઈ શકે કે, તાલિબાનો 20 વર્ષમાં કંઈક શીખ્યા હોય, પરંતુ સવાલ એ છે કે દોહામાં શાંતિની વાતચીત કરતા નેતાઓનું તાલિબાનો પર કેટલું નિયંત્રણ હશે? કિંગ્સ કોલેજ, લંડનના પ્રો. પીટર ન્યૂમેને કહ્યું કે, તાલિબાન અમેરિકા વિરુદ્ધ આતંકને પ્રોત્સાહન આપશે. અફઘાનિસ્તાન પર કબજો કર્યો તેને તેઓ અમેરિકા સામેની જીત માને છે.

અલ કાયદા સમર્થકો હંમેશા આ રીતે જ જીતવાની ઈચ્છા રાખતા હોય છે. અલ કાયદાના અનેક આતંકીઓ હવે અમેરિકા સામે લડવાની તૈયારી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા અને ચેટ રૂમમાં જેહાદીઓની ખુશી જોઈ શકાય છે. આ જેહાદીઓ અફઘાનિસ્તાનની જીતને દુનિયાની સૌથી મોટી સફળતા પૈકીની એક માને છે. જેહાદીઓ તેને આફ્રિકા, સીરિયા અને માલીમાં મળેલી જીતથી પણ મોટી સફળતા માને છે.

મહિલા પત્રકારને ઈન્ટરવ્યૂ આપીને તાલિબાને કહ્યું- તમે સુરક્ષિત છો
તાલિબાને અફઘાનિસ્તાનની વિખ્યાત ચેનલ ટોલો ન્યૂઝની મહિલા પત્રકાર બેહેસ્ટા અરઘંદને ઈન્ટરવ્યૂ આપ્યો. આ દરમિયાન તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે, મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા હશે અને તેમને કામ કરવાની મંજૂરી અપાશે. અમે તેમને સરકારી કામમાં સામેલ થવાનું પણ કહ્યું છે. તાલિબાને એક મહિલા પત્રકારને આપેલો ઈન્ટરવ્યૂ ખૂબ મહત્ત્વનો મનાય છે કારણ કે, તાલિબાનોને મહિલાઓ કામ કરે તેની સામે જ વાંધો છે. કેટલાકનું કહેવું છે કે તાલિબાનો અત્યારે ઢોંગ કરતા હોઈ શકે છે.

ધારણા: લોકો માને છે કે, અફઘાની સેનાનું સમર્પણ કાવતરું હતું
અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્ક ડીએબીના ગવર્નર અજમલ અહમદી પણ એ લોકોમાંના છે, જે અફઘાનિસ્તાન છોડી ચૂક્યા છે. તેમણે દેશ છોડીને 18 ટિ્વટ કરીને આપવીતી જણાવી હતી. તેમણે પૂર્વ પ્રમુખ અશરફ ગની અને સલાહકારોને દોષિત ઠેરવતા કહ્યું કે, આતંકીઓ શહેરમાં પ્રવેશ્યા ત્યાં સુધી મેં કામ કર્યું. વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ મને શંકા છે કે, અફઘાની સુરક્ષાદળોએ આટલી ઝડપથી પોસ્ટ કેમ છોડી. ઉત્તર અફઘાનિસ્તાનમાં સેનાનું આત્મસમર્પણ એક કાવતરાનો ભાગ હતું.

મનમાની: કાબુલમાં તોડફોડ થઈ, તો રાષ્ટ્રપતિભવનમાં પાર્ટી, ફાયરિંગ
રાજધાની કાબુલમાં ઘૂસ્યા પછી ઠેર ઠેર તાલિબાન લડવૈયા મનમાની કરતા નજરે પડ્યા. ક્યાંક ખાલી પડેલા જિમમાં ઘૂસી ગયા અને કસરત કરવા લાગ્યા, તો એમ્યુઝમેન્ટમાં બાળકોનાં રમકડાં લઈને મસ્તી કરતા પણ દેખાયા. તાલિબાન લડવૈયાઓએ ક્યાંક તોડફોડ કરી, તો ક્યાંક ફાયરિંગ કરીને ઉજવણી પણ કરી. આ ઉપરાંત તાલિબાનોએ રાષ્ટ્રપતિભવનમાં પણ નાચી-ગાઈને આનંદ વ્યક્ત કર્યો. પછી ત્યાં શાહી ભોજન પણ લીધું. તાલિબાનોની આ બધી તસવીરો જાહેર થઈ ગઈ છે.

આતંકવાદી સંગઠનોના નવા બ્રીડિંગ ગ્રાઉન્ડને જન્મ આપશે તાલિબાન, આ ભારત માટે ખતરો અને તક બંને: શ્યામ સરન, પૂર્વ વિદેશ સચિવ
અફઘાનિસ્તાનની સ્થિતિને જોતાં દરેક દેશ પોતપોતાના નફા-નુકસાનનું આકલન કરી રહ્યો છે. આ મુદ્દે ભારતે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. અત્યાર સુધીના પરિદૃશ્યમાં પાકિસ્તાન, ચીન અને રશિયા તાલિબાન સત્તાના સંપૂર્ણ સમર્થનમાં નથી, પરંતુ તેમનો વિરોધ પણ નથી. ભાસ્કર જૂથના રિતેશ શુક્લએ ભારતના સંદર્ભમાં પૂર્વ વિદેશ સચિવ શ્યામ સરન સાથે વાતચીત કરી. તેમના મતે તાલિબાનોની મજબૂતાઈ આતંકી સંગઠનોના નવા બ્રીડિંગ ગ્રાઉન્ડને જન્મ આપશે. તે ભારત માટે ખતરો છે. જોકે, તેમાં ભારત માટે તક પણ છે. આ મુદ્દે પૂર્વ વિદેશ સચિવ સાથેની વાતચીતના અંશ...

  • અફઘાન આર્મી લડ્યા વિના જ કેમ હારી?

કોઈને પણ આશા ન હતી કે સરકાર આટલી ઝડપથી વેરવિખેર થઈ જશે. સૈનિકોની સંખ્યા અને જનાધાર છતાં ભાગવાના કારણે દેશમાં ભાગદોડ મચી ગઈ, જે સાબિત કરે છે ગની શાસન અત્યંત નબળું સાબિત થયું.

  • ભારતના સંદર્ભમાં હાલની સ્થિતિ શું છે?

ભારતે ભૂલવું ના જોઈએ કે, તાલિબાનોને પાકિસ્તાન મજબૂત કરી રહ્યું છે. હાલ પ્રચાર ચાલે છે કે, તાલિબાનો બદલાઈ ગયા છે, તેઓ રાષ્ટ્રવાદી છે. સરકાર બન્યા પછી તેઓ પાકિસ્તાન વિરુદ્ધ થઈ જશે. કારણ કે, ડુરાન્ડ રેખાને તેઓ નથી માનતા. આવી વાતોને આક્રમક રીતે ફગાવી દેવી જોઈએ.

  • તો શું આ પાક.ની જીત માની શકાય?

9/11 પછી તાલિબાનોના ખસ્તા હાલ થયા. પછી પાકિસ્તાને તેમને મજબૂત કર્યા. તેને પોતાની બંને સરહદે યુદ્ધનો ખતરો દેખાય છે. યુદ્ધથી બચવા તેઓ ઈચ્છે છે કે, અફઘાનિસ્તાનમાં તેમની સમર્થક સરકાર હોય.

  • તાલિબાની સરકાર સાથે આપણે કેવા સંબંધ રાખી શકીએ?

તાલિબાનો સાથે સંબંધ મજબૂત કરવા એક ટેક્નિકલ ચાલ છે, જે જરૂરી છે. આપણે ભૂલવું ના જોઈએ કે, સંભવત: તાલિબાનો રશિયા-ચીન સાથે સમજૂતી કરી શકે છે કે, તે બંને દેશ પોતાને બચાવવા ભારત પર કરાતા આક્રમણને નજરઅંદાજ કરે.

  • અન્ય દેશો માટે ખતરો નહીં વધે?

એક અનુમાન પ્રમાણે, 10 હજારથી વધુ વિદેશી આતંકી અફઘાનિસ્તાનમાં લડી રહ્યા છે. લશ્કર એ તોઈબા, જૈશ એ મોહમ્મદ, અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ અહીં સક્રિય છે અને આવનારા સમયમાં તેમને અહીં વધુ મજબૂત થવાનું વાતાવરણ પણ મળશે, જે બધા માટે ખતરનાક છે.

  • તો શું ભારત સિવાય અન્ય દેશ આ વાતથી બેખબર છે?

કોઈ બેખબર નથી. હાલમાં જ પાકિસ્તાનમાં પોતાના 9 એન્જિનિયરનાં મોત પછી ચીનને શંકા છે કે પાકિસ્તાન તાલિબાનોને કાબૂમાં રાખશે. રશિયાને ચિંતા છે કે, ચીનની દખલ તેમના દેશમાં વધી શકે છે. ઈરાનને શિયાઓની સુરક્ષાની ચિંતા છે. અમેરિકા પણ બધું જાણે છે.

  • શું નવા સંજોગોથી ભારતના પક્ષમાં કોઈ તક નથી?

દરેક ફેરફારમાં તક હોય છે. રશિયા, ચીનનો વિરોધ કરવા માંગે છે, પરંતુ અમેરિકા, યુરોપે તેના પર એટલું દબાણ બનાવ્યું છે કે, તેઓ લાચાર છે. ભારત, અમેરિકા સાથે વાત કરીને રશિયા પર દબાણ ઓછું કરાવી શકે છે. સૌથી મહત્ત્વનું એ છે કે ભારત વિશ્વને લાચાર કરે કે, તેઓ અફઘાન પ્રજાને નજરઅંદાજ ના કરે.

અન્ય સમાચારો પણ છે...