તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોસાદનું ઓપરેશન થંડરબોલ્ટ:ઇઝરાયેલે દિલધડક ઓપરેશન હાથ ધરી હજારો કિલોમીટર દૂર અપહરણ કરાયેલા વિમાનમાંથી પોતાના નાગરિકોને બચાવેલા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઓપરેશનમાં ઇઝરાયેલના PM બેન્ઝામિન નેતન્યાહુના મોટા ભાઈ યોનાતન નેતન્યાહુનું મોત નીપજ્યું હતું
  • ટેબલના ખાનામાં પડેલો નકામો બની ગયેલો નકશો ઈઝરાયેલી ઓપરેશનમાં ખૂબ જ મહત્ત્વની કડી સાબિત થયો
  • ઇઝરાયેલી કમાન્ડોઝે 30 મીટર જેટલા નીચી સપાટીએ વિમાનોની ઉડાન ભરી યુગાન્ડામાં પ્રવેશ કરેલો

કોરોના મહામારી વચ્ચે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયું છે. બન્ને દેશ એકબીજા પર દરરોજ મોટી સંખ્યામાં રોકેટ હુમલા કરી રહ્યા છે. આશરે 90 લાખની વસતિ ધરાવતો ઈઝરાયેલ ચોતરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલો છે. ભૌગોલિક અને વસતિની દૃષ્ટિએ આટલો ટચુકડો દેશ એટલો શક્તિશાળી છે કે તેની સામે સીધા યુદ્ધમાં ઊતરવાની કોઈ હિંમત કરી શકે એમ નથી.

આ દેશે ટેકનોલોજી અને સ્ટાર્ટ-અપની બાબતમાં સમગ્ર વિશ્વને પાછળ રાખી દીધું છે. વિશ્વના કોઈ પણ ખૂણે ઈઝરાયેલના એકપણ નાગરિકને દુશ્મન દેશ મારે તો તે કોઈપણ સંજોગોમાં બદલો લેવાની શક્તિ અને નીતિ ધરાવે છે. આટલા બધા દુશ્મનોથી ઘેરાયેલું હોવા છતાં વિશ્વનો એકમાત્ર યહૂદી દેશ ઈઝરાયેલ સૌથી સુરક્ષિત દેશો પૈકી એક દેશ તરીકે ઓળખ આવે છે. ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ એટલી શક્તિશાળી એજન્સી છે કે એનાથી વિશ્વભરમાં તેના દુશ્મન દેશો ફફડે છે.

ગુપ્તચર સંસ્થા ઉપરાંત ખૂબ જ મજબૂત ટેકનોલોજી, યુદ્ધ શસ્ત્રો-લશ્કર તેમ જ ખૂબ જ શક્તિશાળી રાજકીય નેતાઓની નિર્ણય શક્તિને લીધે ઈઝરાયેલે ભૂતકાળમાં દબંગ કહી શકાય એવાં હોલિવૂડની ફિલ્મી સ્ટાઈલનાં ઓપરેશનો પાર પાડ્યા છે. આજે આપણે ઈઝરાયેલના એક એવા દિલધડક ઓપરેશન વિશે વાત કરીશું, જેને ઓપરેશન થંડરબોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.

ઓપરેશન થંડરબોલ્ટ (Operation Thunderbolt)
ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે સફળતાપૂર્વક પાર પાડેલું ઓપરેશન થંડરબોલ્ટ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે, જેમાં પોતાના દેશથી હજારો કિલોમીટર દૂર દુશ્મન દેશમાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવેલા.

27 જૂન 1976ના રોજ સ્થાનિક સમય પ્રમાણે રાત્રિના 11 વાગે ફ્રાંસનું એરબસ A300 V4-203 વિમાન ઈઝરાયલની રાજધાની તેલ અવીવના બેન ગુરિયન આંતરરાષ્ટ્રીય વિમાની મથકથી પેરિસ જવા રવાના થયેલું. ઈઝરાયેલના પ્રથમ વડા પ્રધાન બેન ગુરિયનના નામ પરથી આ વિમાની મથકનું નામ રાખવામાં આવેલું છે. વિમાનમાં 246 મુસાફર અને 12 ક્રૂ-મેમ્બર હતા. આ પૈકી મોટા ભાગના મુસાફરો યહૂદી અને ઈઝરાયેલી નાગરિકો હતા.આશરે દોઢ કલાકની સફર બાદ વિમાન ગ્રીસની રાજધાની એથેન્સ પહોંચ્યું. એથેન્સમાંથી વધુ 58 મુસાફરો વિમાનમાં સવાર થયેલા, જેમાં ચાર આતંકવાદીનો પણ સમાવેશ થતો હતો.

ચાર આતંકવાદીએ વિમાન હાઈજેક કર્યું
પેલેસ્ટાઈનના લિબરેશન જૂથના બે અને અન્ય બે આતંકવાદી જર્મનીના રિવોલ્યુશનરી સેલ (RZ) સાથે સંકળાયેલા હતા. આ ચાર આતંકવાદીએ વિમાનનું અપહરણ કરેલું. રાત્રે 12.30 વાગે વિમાને એથેન્સથી ફ્રાંસની રાજધાની પેરિસ જવા ઉડાન ભરી તેની ગણતરીની મિનિટોમાં જ આતંકવાદીઓએ પ્લેનને હાઈજેક કરી લીધું. વિલફ્રેડ નામનો એક આતંકવાદી એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં બોમ્બ સાથે કોકપિટમાં ઘૂસી ગયેલો અને કો-પાયલટને હટાવી દીધો અને માઈક્રોફોન પોતાના કબજામાં લઈ લીધો. તેણે જાહેરાત કરેલી કે વિમાનનું અપહરણ કરવામાં આવ્યું છે.
આતંકવાદીઓ વિમાનને પેરિસને બદલે લિબિયાના બેંગહાજી લઈ ગયેલા, જ્યાં વિમાનમાં ઈંધણ ભરાવવામાં આવેલું. એ સમયે વિમાનમાં રહેલી બ્રિટનમાં જન્મેલી એક ઈઝરાયેલી મહિલા બીમાર પડતાં તેને અહીં મુક્ત કરી દીધી હતી. બેંગહાજીમાં આશરે સાત કલાક સુધી રોકાયા બાદ વિમાને ફરી ઉડાન ભરી. આતંકવાદીઓ અનેક આરબ દેશો સમક્ષ વિમાન લેન્ડ કરાવવાની માગ કરતા હતા, કારણ કે તેમને આશા હતી કે ઈઝરાયેલ સાથે દુશ્મની હોવાથી આ દેશો વિમાનને લેન્ડિંગ માટે મંજૂરી આપી દેશે, પણ આ દેશોને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઈમેજ ખરડાવાની દહેશતને ધ્યાનમાં રાખી મંજૂરી ન આપી.

અપહરણ કરાયેલું વિમાન યુગાન્ડા લઈ જવાયું
છેવટે 28 જૂનના રોજ બપોરે 3 વાગે હાઈજેકર્સે વિમાનને યુગાન્ડાના એંતેબે વિમાની મથક પર લેન્ડિંગ કરાવ્યું. આ સમયે યુગાન્ડાનો ઈદી અમીન આતંકવાદીઓના સમર્થનમાં ત્યાં લશ્કરી ગણવેશમાં ઉપસ્થિત હતો. આતંકવાદીઓના કહેવાથી જ ઈદી અમીને પોતાની સેનાના 100 જેટલા ખાસ લડાકુ મારફત સમગ્ર વિમાની મથકની ઘેરબંધી કરાવી દીધી. વિમાનનું લેન્ડિંગ કર્યા બાદ વિમાનમાં રહેલા તમામ મુસાફરોને નજીકના ટ્રાન્ઝિટ હોલમાં લઈ જવામાં આવ્યા. અહીં મુસાફરોને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. બિનઈઝરાયેલી નાગરિકોને એરપોર્ટના વેઈટિંગ હોલમાં લઈ જવામાં આવ્યા, જ્યારે એર ફ્રાંસના 12 ક્રૂ-મેમ્બર સહિત કુલ 94 જેટલા ઈઝરાયેલી નાગરિકોને તે ટ્રાન્ઝિટ હોલમાં કેદ કરવામાં આવ્યા. ઈદી અમીન જાતે જ અનેક વખત એન્ટબી એરપોર્ટ પર આવતો હતો અને સુરક્ષા વ્યવસ્થાનું આંકલન કરતો હતો. બીજી બાજુ વિમાનનું અપહરણ થયું છે અંગે ઈઝરાયેલ સહિત સમગ્ર વિશ્વમાં સમાચાર ફેલાઈ ગયા.

53 આતંકવાદીને મુક્ત કરવા, 5 મિલિયન ડોલર આપવા માગ કરાઈ
બીજી બાજુ, વિમાન અપહરણકર્તાઓએ પ્રથમ વખત પોતાની માગ રજૂ કરી. અપહરણકર્તાનો ઉદ્દેશ હતો કે ઈઝરાયલની જેલોમાં બંધ 40 પેલેસ્ટાઈની આતંકવાદીઓને મુક્ત કરવામાં આવે. આ ઉપરાંત કેન્યા, ફ્રાંસ, સ્વિટ્ઝર્લેન્ડ તથા વેસ્ટ જર્મનીની જેલમાં બંધ પોતાના 13 સાથીને પણ મુક્ત કરવામાં આવે. કુલ 53 આતંકવાદીને મુક્ત કરવા ઉપરાંત પાંચ મિલિયન ડોલરની પણ આતંકવાદીઓએ માગ કરી હતી.

જો માગ નહીં માનવામાં આવે તો એક-એક કરીને યાત્રીઓને મારવામાં આવશે તેવી ધમકી આપી. ઈઝરાયેલની સરકારને માગ પૂરી કરવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો, એટલે કે 1 જુલાઈ 1976 સુધીનો સમય આપ્યો. આ મુદત પૂરી થાય એ અગાઉ આતંકવાદીઓએ 48 મુસાફરને મુક્ત કરી દીધા અને તેમને એક ખાસ વિમાનમાં પેરિસ મોકલી આપ્યા. ત્યાર બાદ અપહરણકર્તાઓએ 4 જુલાઈ સુધી સમયસીમા લંબાવી દીધી. આ દરમિયાન બિનઈઝરાયેલી નાગરિકોને મુક્ત કરી દેવામાં આવ્યા. હવે 94 જેટલા ઈઝરાયેલી નાગરિકો સહિત કુલ 116 લોકો બંધક હતા.

વિમાન અપહરણ કરનાર એક વ્યક્તિ વિલફ્રેડની આ તસવીર છે, જે જર્મનીનો રહેવાસી હતો. તે એક આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો (ફાઈલ ફોટો)
વિમાન અપહરણ કરનાર એક વ્યક્તિ વિલફ્રેડની આ તસવીર છે, જે જર્મનીનો રહેવાસી હતો. તે એક આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો (ફાઈલ ફોટો)

નકામો બની ગયેલો નકશો ઓપરેશનની મુખ્ય કડી બન્યો
બીજી બાજુ, ઈઝરાયેલી કેબિનેટે લાંબી બેઠક બાદ ઓપરેશન થંડરબોલ્ટને મંજૂરી આપી દીધી. સેનાના ટોચના કમાન્ડર, મોસાદના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ. ઈઝરાયેલનો વણલખાયેલો નિયમ રહ્યો છે કે તે કોઈપણ કિંમતે આતંકવાદીઓ સાથે કોઈ ડીલ કરતું નથી. મોડી રાત સુધી બેઠક ચાલી. થોડા સમય અગાઉ આફ્રિકાના અનેક દેશો સાથે ઈઝરાયેલની મિત્રતા હતી. ઈદી અમીનને ઈઝરાયેલે જ લશ્કરી તાલીમ આપી હતી. હવે આ બેઠકમાં એ અધિકારીઓને બોલાવવામાં આવ્યા કે જેમણે ઈદીને તાલીમ આપી હતી. તેમને પૂછવામાં આવ્યું કે ઈદીની નબળાઈ શું છે. કોઈએ કહ્યું કે તે નોબલ શાંતિ પુરસ્કાર મેળવવા ઈચ્છે છે. ઈઝરાયેલે યુગાન્ડાને સંદેશ મોકલ્યો કે જો તે અમારા લોકોને મુક્ત કરાવશે તો નોબલ પુરસ્કાર તેમનો હશે.

આ સમયે ઈઝરાયેલે ખૂબ જ મહત્ત્વની એક કડી હાથ આવી ગઈ. ઈઝરાયેલની કંપનીમાં કામ કરતા એન્જિનિયરે તેની પાસે રહેલો એક નકશો આપ્યો, જે યુગાન્ડાના એંતાબે એરપોર્ટની એ ઈમારતનો હતો કે જ્યાં ઈઝરાયેલના નાગરિકો બંધક હતા. આ એન્જિનિયર યુગાન્ડાના આ એરપોર્ટને બનાવનારી કંપનીમાં કામ કરતો હતો. ટેબલના ખાનામાં પડેલો આ નકશો તેની પાસે બિનજરૂરી હતો, પણ તેને એ વાતની ખબર ન હતી કે આ નકશો ઈઝરાયેલ માટે એક મોટી કડી સાબિત થશે.

બંધક બનાવવામાં આવેલા ઈઝરાયેલના નાગરિકો સાથે વાત કરી રહેલી આ વ્યક્તિ ઈદી અમીન છે. અગાઉ તે મિલિટ્રી કમાન્ડર હતો. બાદમાં તે રાષ્ટ્રપતિ બનેલો (ફાઈલ ફોટો)
બંધક બનાવવામાં આવેલા ઈઝરાયેલના નાગરિકો સાથે વાત કરી રહેલી આ વ્યક્તિ ઈદી અમીન છે. અગાઉ તે મિલિટ્રી કમાન્ડર હતો. બાદમાં તે રાષ્ટ્રપતિ બનેલો (ફાઈલ ફોટો)

વીજળીની ઝડપે કામ કરવાનું હતુ એટલે થંડરબોલ્ટ નામ અપાયું
છેવટે 3 જુલાઈની સાંજે ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઓપરેશનનું સુકાન કમાન્ડર બ્રિગેડિયર જનરલ ડોન શોમરોને સંભાળ્યું. સમગ્ર ઓપરેશન ખૂબ જ જોખમી હતું, કારણ કે યુગાન્ડા ઈઝરાયેલથી હજારો કિમી દૂર હતું અને આ ઓપરેશન કોઈપણ એરપોર્ટ પર અત્યારસુધીનું સૌથી મોટું અને જોખમી રિસ્ક્યૂ ઓપરેશન હતું.

ઈઝરાયેલના કમાન્ડોઝે આ મિશન વીજળીની ઝડપે પૂરું કરવાનું હતું. આ માટે એને ઓપરેશન થંડરબોલ્ટ નામ આપવામાં આવ્યું. આ સમય દરમિયાન મોસાદે એંટબી એરપોર્ટની તમામ માહિતી મેળવી લીધી હતી. બંધકોને ક્યાં રાખવામાં આવ્યા છે, તેમની સાથે કેટલા અપહરણકર્તા છે અને યુગાન્ડા સેના કેટલી સંખ્યામાં છે વગેરે.

કમાન્ડો ભ્રમ ફેલાવી યુગાન્ડામાં ઘૂસ્યા
પ્લાન પ્રમાણે 100 ઈઝરાયેલી કમાન્ડોઝની એક ટીમ ઈઝરાયેલ એરફોર્સના C 130 સુપર હર્ક્યુલસ વિમાનોથી અલ શેખ એરપોર્ટથી યુગાન્ડા એંટબી જવા રવાના થયા. એ સમયે વિમાનમાં કાળા રંગની મર્સિડીઝ કારનો એક કાફલો પણ સાથે લોડ કરવામાં આવ્યો હતો. એ સમયે યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીન પાસે કાળા રંગની મર્સિડીઝ કાર અને લેન્ડ રોવર કાર પણ હતી. આતંકવાદીઓ અને યુગાન્ડાના સૈનિકોમાં ભ્રમ ફેલાય એ માટે આ કારોનો કાફલો સાથે લઈ ગયા હતા. આ વિમાનો સાથે બે બોઇંગ 707 વિમાન પણ મોકલવામાં આવ્યાં હતાં, જે પૈકી એકમાં મેડિકલ ટીમ અને બીજા વિમાનમાં યાત્રીઓને પાછા લઈને આવવાના હતા.

વિમાનો ફક્ત 30 મીટર અથવા સો ફૂટ લેવલ પર ઉડાન ભરી
યોજના એવી હતી કે એરપોર્ટ પર ઊતરતા જ કારના કાફલામાં ટર્મિનલ તરફ કૂચ કરવામાં આવશે. જેથી યુગાન્ડાની સેનાને લાગે કે ઈદી અમીનનો કાફલો છે અને તે સરળતાથી ટર્મિનલમાં દાખલ થઈ જાય, પણ ચોરીછૂપીથી એંટબી એરપોર્ટ પર તમામ વિમાન લેન્ડ કરાવવા એ સરળ કામ ન હતું. યુગાન્ડાના એર સ્પેસમાં ગુપ્ત રીતે ઘૂસવાનું હતું. એ પણ એંટબી એર ટ્રાફિક કન્ટ્રોલની જાણકારી વગર. આ ત્યારે જ શક્ય હતું કે જ્યારે વિમાન ખૂબ જ નીચી ફક્ત 30 મીટર અથવા સો ફૂટ લેવલ પર ઉડાન ભરે. આ વિમાનો ખૂબ જ નીચી ઉડાન ભરીને એરપોર્ટ ટ્રાફિક કન્ટ્રોલને ખબર ન પડે એ રીતે રનવે પર ઊતરી ગયા.

ઈદીના કાફલા જેવી ગાડીઓ સામેલ કરી
રાત્રિના અંધારામાં ચાર વિમાનને એરપોર્ટ પર એવી રીતે ઉતારવામાં આવ્યાં હતાં કે યુગાન્ડા આર્મી અને આતંકવાદીઓને ગંધ પણ ન આવી. વિમાનનો કાર્ગો ડોર અગાઉથી ખુલ્લો હતો અને એક-એક કરી મર્સિડીઝ તથા લેન્ડ રોવર રનવે પર ઉતારવામાં આવી, જેમાં કમાન્ડોઝ બેઠા હતા. 100 કમાન્ડોને ત્રણ ટીમમાં વહેંચવામાં આવી. એક ટીમ એરપોર્ટના ટર્મિનલમાં બંધક મુસાફરોને છોડાવવાનું કામ સોંપવામાં આવેલું. બીજી ટીમ યુગાન્ડાના સૈનિકો તથા આતંકવાદીઓનો સામનો કરવાનો હતો. ત્રીજી ટીમને મુસાફરોને વિમાનમાં સલામત રીતે બેસાડવાની જવાબદારી આપવામાં આવી હતી.

કમાન્ડોએ તેમના વિમાનમાં ચાર ગાડી લઈ ગયેલા,જે ઈદી અમીનના કાફલા જેવી જ હતી (ફાઈલ ફોટો).
કમાન્ડોએ તેમના વિમાનમાં ચાર ગાડી લઈ ગયેલા,જે ઈદી અમીનના કાફલા જેવી જ હતી (ફાઈલ ફોટો).

ઈદી અમીન યુગાન્ડામાં નહીં હોવાથી સૈનિકોને ષડયંત્રની ગંધ આવી ગઈ
એ સમયે ઈદી અમીન યુગાન્ડામાં નહીં હોવાથી યુગાન્ડા સૈનિકોને કોઈ ષડયંત્રની ગંધ આવી ગઈ, પણ ઈમારત અંગે સંપૂર્ણ માહિતી હોવાથી કમાન્ડો ખૂબ જ ઝડપભેર ત્યાં મુસાફરો પાસે પહોંચી ગયા. તેમણે અંગ્રેજી અને હિબ્રૂ ભાષામાં બૂમો પાડી કહી રહ્યા હતા કે "અમે ઈઝરાયેલી સૈનિક છીએ, નીચે ઊંઘી જવો". કમાન્ડોએ 3 અપહરણકર્તાને ઠાર કરી દીધા, ત્યારે ફ્રાંસનો 19 વર્ષીય યુવક ઊભો થવા જતાં કમાન્ડોએ તે અપહરણકર્તા છે એમ સમજીને ગોળી મારી દીધી. અન્ય બે બંધકો પણ ફાયરિંગમાં માર્યા ગયા.

વર્તમાન વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહુના મોટા ભાઈ માર્યા ગયા
કમાન્ડોની બીજી ટીમ યુગાન્ડાની સેના પર તૂટી પડી. માંડ અડધા કલાક ચાલેલા આ ઓપરેશનમાં તમામ અપહરણકર્તા, યુગાન્ડાના 48 સૈનિકોને મારી નાખવામાં આવ્યા. એરપોર્ટ પર રહેલા યુગાન્ડાના આશરે 30 વિમાનોને પણ ઈઝરાયેલી કમાન્ડોએ તબાહ કરી નાખ્યાં, જેથી તેઓ પીછો ન કરે.

આ ઓપરેશનમાં ત્રણ ઈઝરાયેલી બંધક માર્યા ગયા હતા અને પાંચ કમાન્ડો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક કમાન્ડો યોનાતન નેતન્યાહુનું મોત નીપજ્યું હતું, તેઓ ઈઝરાયેલના અત્યારના વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહુના મોટા ભાઈ હતા. મોસાદનું આ ઓપરેશન 53 મિનિટ ચાલેલું. યુગાન્ડાના ઈદી અમીનને એ માનવમાં આવતું ન હતું કે તેમના દેશમાં ઘૂસીને ઈઝરાયેલ પોતાના નાગરિકોને કેવી રીતે છોડાવીને લઈ ગયું.

પોતાના ભાઈની કબર પાસે બેઠેલા બેન્ઝામિન નેતન્યાહુ. તેમણે કહેલું કે ઓપરેશન થંડરબોલ્ડ અને તેમના ભાઈના મૃત્યુએ તેમનું જીવન બદલી નાખ્યું (ફાઈલ ફોટો).
પોતાના ભાઈની કબર પાસે બેઠેલા બેન્ઝામિન નેતન્યાહુ. તેમણે કહેલું કે ઓપરેશન થંડરબોલ્ડ અને તેમના ભાઈના મૃત્યુએ તેમનું જીવન બદલી નાખ્યું (ફાઈલ ફોટો).