• Gujarati News
  • International
  • Chinese Scientists Clone Wild Arctic Wolf, Success After Two Years Of Work, World's First Experiment Of Its Kind

MADE IN CHINA:ચીની વૈજ્ઞાનિકોએ જંગલી આર્કટિક વરુનું ક્લોન બનાવ્યું, બે વર્ષની મહેનત પછી સફળતા, સૌપ્રથમ વખત દુનિયામાં આ પ્રકારનો પ્રયોગ

13 દિવસ પહેલા

ચીનની એક કંપનીએ વાઈલ્ડ લાઈફ ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. બેઈજિંગ સ્થિત એક કંપનીએ પહેલીવાર જંગલી આર્કટિક વરુનું ક્લોન બનાવ્યું છે. દુનિયામાં પ્રથમ વખત જંગલી આર્કટિક વરુનું ક્લોન સફળતાપૂર્વક બનાવવામાં આવ્યું છે. તેઓ કેનેડાના રાણી એલિઝાબેથ ટાપુના હાઈ આર્કટિક ટુંડ્રના વતની છે. ટેક્નોલોજી દ્વારા આ પ્રાણીનું ક્લોનિંગ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

2020થી આ દિશામાં કામ કરી રહ્યા હતા
એક અહેવાલ અનુસાર કંપનીએ લુપ્ત પ્રજાતિને બચાવવા 2020માં આર્કટિક વરુના ક્લોનિંગ પર હાર્બિન પોલરલેન્ડ સાથે રિસર્ચ શરૂ કર્યું. બે વર્ષની મહેનત બાદ આર્કટિક વરુનું ક્લોન સફળતાપૂર્વક બનાવવામાં આવ્યું. આ દુનિયાનો પ્રથમ કિસ્સો છે. કંપનીએ ક્લોનને માયા નામ આપ્યું છે. રિપોર્ટ અનુસાર વરુ તંદુરસ્ત છે. એક જંગલી માદા આર્કટિક વરુમાંથી સ્કીન સેલ લેવાયો હતો અને માદા શ્વાનમાંથી અંડાણુ લેવાયું હતું

100 દિવસ પહેલાં જન્મ થયો
આ સફળતા પછી કંપનીના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પ્રયોગથી આપણે દુનિયામાં લુપ્ત થઈ રહેલી પ્રજાતિની રક્ષા કરી શકીએ છીએ. આર્કટિક વરુનું ક્લોનિંગ માદા શ્વાનના સંયુક્ત અંડાણુ અને જંગલી માદા આર્કટિક વરુના સોમેટિક કોષોમાંથી 130થી વધુ નવા ભ્રૂણ બનાવીને પરિપૂર્ણ થયું હતું. ત્યારબાદ 80થી વધુ ભ્રૂણોને સાત બીગલ (શ્વાનની પ્રજાતિ)ના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યાં હતાં, જેમાંથી એક સ્વસ્થ વરુ તરીકે જન્મ્યો હતો.

આર્કટિક વરુ માયાનો જન્મ 10 જૂન 2022ના રોજ થયો હતો
આર્કટિક વરુ માયાનો જન્મ 10 જૂન 2022ના રોજ થયો હતો

વરુના સરોગેટ તરીકે શ્વાનની પસંદગી કેમ?
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે શ્વાનને વરુના સરોગેટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે શ્વાન પ્રાચીન વરુઓ સાથે આનુવંશિક વંશ ધરાવે છે અને ક્લોનિંગ તકનીકો દ્વારા પ્રયોગ સફળ થવાની શક્યતા વધુ છે.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ક્લોન કરાયેલું જંગલી વરુ માયા હવે તેના સરોગેટ બીગલ સાથે લેબોરેટરીમાં રહે છે અને ત્યારબાદમાં તેને ઉત્તરપૂર્વીય ચીનના હેલોંગજિયાંગ પ્રાંતમાં હાર્બિન પોલરલેન્ડમાં પહોંચાડવામાં આવશે અને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...