એશિયા, યૂરોપમાં પ્રભુત્વ જમાવવાનાં પ્રયાસમાં લાગેલા ચીને કેનેડાની ચૂંટણીમાં પણ દરમિયાનગીરી કરી છે. બીબીસીએ કેનેડાનાં મીડિયા અહેવાલનાં આધાર પર કહ્યું છે કે, ચીને કેનેડામાં 2019 અને 2021માં થયેલી બે ચૂંટણીમાં દરમિયાનગીરી કરી હતી. આમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને જીત અપાવવા માટે મદદ કરાઇ હતી. માનવામાં આવે છે કે, આ પ્રયાસોથી સામાન્ય ચૂંટણીનાં પરિણામ બદલાયા નથી, પરંતુ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર આરોપોને લઇને રાષ્ટ્રીય જાહેર તપાસ શરૂ કરવા માટે દબાણ વધી ગયુ છે. કેનેડાની ચૂંટણી તપાસ સંસ્થાએ કહ્યું છે કે, તે ચીનની દરમિયાનગીરીનાં આરોપમા તપાસ કરશે. રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે, ચીને 2019ની ચૂંટણીમાં 11 ઉમેદવારોને સમર્થન આપ્યું હતુ. એક મામલામાં 2.5 લાખ ડોલર આપ્યા હતા.
ચીન દ્વારા નીતિ પ્રભાવિત કરવા માટે અભિયાન
રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ચૂંટણીમાં દરમિયાનગીરી કરવાનુ ઓપરેશન ટોરેન્ટો ચીનનાં વાણિજ્ય દુતાવાસથી હાથ ધરાયુ હતુ. આની પાછળનો હેતુ સાંસદોની ઓફિસમાં પોતાનાં લોકોને રાખવાનો અને નીતિઓને પ્રભાવિત કરવાનો હતો. જો આ બાબત સાબિત થશે તો અપરાધિક આરોપ લગાવી શકાય છે. કેનેડાની ગુપ્તચર એજન્સીનાં પ્રમુખ ડેવિડ વિગનેઅર્લ્ટ કહી ચુક્યા છે કે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનાં યૂનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટની પાસે ચીનનાં વિદેશ મંત્રાલય કરતા વધારે બજેટ છે. આના પર જ વિદેશોમાં દરમિયાનગીરીનો આરોપ છે. આ જ કારણસર ચીનનાં રાષ્ટ્રપતિ યુનાઇટેડ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટને જાદુઇ હથિયાર ગણાવે છે.
ગુપ્ત હથિયાર | ચીનનું યૂનાઇટેડ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટ બીજા દેશોમાં હસ્તક્ષેપ માટે જ કામ કરે છે
બીજા દેશોમાં દરમિયાનગીરી પાછળ ચીનનાં યૂનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટની ભૂમિકા છે. આમાં શિક્ષકો, બુદ્ધિજીવિઓ, લેખકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને બીજા પ્રભાવશાળી લોકો સામેલ છે. ચીન બે રીતે કામ કરે છે. પ્રથમ જો કોઇ વ્યક્તિ અથવા તો સંસ્થા ચીન પ્રત્યે ઉદાર હોય છે તો તેને પોતાની તરફેણમાં કરે છે. બીજી રીત તેની એ છે કે, જે વિરોધમાં હોય છે, તેની સામે ખોટા પ્રચાર કરવામાં આવે છે. દરમિયાનગીરીનાં કેટલાક મામલા અહી રહેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.