ડ્રેગનની ચાલ:ચીનના દેવાથી શ્રીલંકાનો ભંડાર ખાલી થયો, લિથુઆનિયાએ કહ્યું - યુરોપ સાવચેત રહે

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લિથુઆનિયાએ 60 કંપનીઓને 1 લાખ કરોડનું પેકેજ આપ્યું

ચીનના દેવાની જાળમાં ફસાયેલા દેશોની યાદીમાં ભારતનો પાડોશી દેશ શ્રીલંકા અને યુરોપિયન દેશ લિથુઆનિયા પણ સામેલ થઈ ગયું છે. શ્રીલંકા પર ચીનનું લગભગ 37 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ રકમ શ્રીલંકાએ આ વર્ષે જ ચૂકવવાની છે. જોકે હાલમાં તેની પાસે લગભગ 11 હજાર કરોડ રૂપિયાનો વિદેશી ચલણનો ભંડાર જ છે. શ્રીલંકા પર કુલ 54 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

એવામાં ચીન તેના પર કુલ દેવાનો 68 ટકા હિસ્સો ધરાવે છે. બીજી બાજુ લિથુઆનિયાના વિદેશમંત્રી ગેબ્રિયેલ્સ લેન્ડબર્ગિસે સોમવારે ચેતવણી આપી હતી કે ચીન સમજી વિચારેલી રણનીતિ હેઠળ આર્થિક હુમલા કરી રહ્યું છે. તાઇવાનને માન્યતા આપવાના નામે કરાઈ રહેલા આ પ્રકારના હુમલા સમગ્ર યુરોપ માટે મોટી ચેતવણી પણ છે.

ચીન તેના બજારને ખોલી પહેલાં દેશોને તેના પર નિર્ભર બનાવે છે અને તેના રાજકીય એજન્ડાને થોપી સપ્લાય લાઈનને અટકાવી દે છે. ખરેખર ચીન થોડા સમયમાં વિશ્વનો સૌથી મોટો લોન આપનાર દેશ તરીકે ઉભરી આવ્યો છે. યુગાન્ડા તેની લોન ન ચૂકવવાને કારણે તેનું એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ગુમાવી ચૂક્યું છે. ચીન બેલ્ટ એન્ડ રોડ(બીઆરઆઈ)ના નામે મિત્રતા કરી દેશોને દેવાદાર બનાવી રહ્યું છે.

શ્રીલંકા : મોંઘવારી દર 22%, સૈન્યના નિરીક્ષણ હેઠળ રેશનની વહેંચણી
શ્રીલંકામાં ખાદ્ય મોંઘવારી દર 22 ટકાએ પહોંચી ગયો છે. આર્થિક કટોકટીની જાહેરાત વચ્ચે સૈન્યના નિરીક્ષણ હેઠળ રેશનની વહેંચણી કરાઈ રહી છે. લોકો પાસે ખાવાની વસ્તુઓ ખરીદવા પૈસા નથી. એક દુકાનદાર અનિરુદ્ધા કહે છે કે દુકાનદાર એક કિલોના દૂધ પાઉડરને 200-200 ગ્રામના પેકેટમાં વેચી રહ્યા છે કેમ કે લોકો એક કિલોનું પેકેટ ખરીદવા પણ સક્ષમ નથી. વર્લ્ડ બેન્કના આંકડાઓ અનુસાર કોરોનાકાળમાં જ સવા 2 કરોડની વસતી ધરાવતા શ્રીલંકામાં લગભગ 5 લાખ લોકો ગરીબી રેખા નીચે સરી ગયા, 2 લાખ લોકોએ નોકરી ગુમાવી.

લિથુઆનિયા : સૌથી મોટા બંદરને ખરીદવા ચીને કાવતરું રચ્યું હતું
ચીને યુરોપ માટે 17 પ્લસ પ્લાન હેઠળ લિથુઆનિયા સાથે વેપાર સંબંધ બનાવ્યા. તેના પછી તેણે લિથુઆનિયાની લગભગ 60 મોટી કંપનીઓ સાથે કરાર કર્યા. હવે લિથુઆનિયા સરકારે તેની કંપનીઓ માટે એક લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. સાથે જ ચીને તેના સૌથી મોટા બંદર કાયલપેડાને ખરીદવા કાવતરું રચ્યું હતું.

માલદીવ : ચીનનું 23 હજાર કરોડનું દેવું, જીડીપીનો લગભગ 53 ટકા
એડડાટા રિસર્ચ લેબના એક રિપોર્ટ અનુસાર ચીન દક્ષિણ એશિયાના અન્ય દેશો પર દેવાનો સકંજો કસી શકે છે. માલદીવ પર ચીનનું લગભગ 23 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. તે માલદીવની જીડીપીનો લગભગ 53 ટકા છે. ચીને માલદીવને કોમર્શિયલ લોનના નામે પૈસા આપ્યા હતા. એટલે કે તે કઠોર શરતો હેઠળ ઊંચા વ્યાજદરે દેવું આપવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...