તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેંચતાણ:ચીનનો દાવો - અમેરિકી યુદ્ધજહાજને ભગાડ્યું, અમેરિકાએ કહ્યું - જૂઠું બોલે છે

બેઈજિંગ / વોશિંગ્ટન24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ ચીન સાગરમાં ફરી તણાવ, ચીન-અમેરિકા સામ-સામે
  • યુએસએસ બેનફોલ્ડ પેરાસેલ ટાપુ સમૂહના ક્ષેત્રમાં પહોંચ્યું

ચીનની સેનાએ સોમવારે કહ્યું કે અમે દક્ષિણ ચીન સાગરમાંથી એક અમેરિકી યુદ્ધજહાજને ભગાડ્યું છે. આ જહાજે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ચીનના સૈન્યએ નિવેદન જાહેર કરી રહ્યું કે અમેરિકી જહાજ વિવાદિત પેરાસેલ ટાપુ સમૂહની નજીક હતું. તે ગેરકાયદે રીતે ચીનના ક્ષેત્રમાં ઘૂસી આવ્યું હતું. તેને અમે ભગાડી દીધું છે. અમેરિકી નેવીએ જહાજને પેરાસેલ ક્ષેત્રમાં મોકલવાની મંજૂરી લીધી નહોતી. આ ચીનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. તેનાથી દક્ષિણ ચીન સાગરમાં સ્થિરતા ઘટી છે.

અમે અમેરિકાને કહ્યું છે કે તે જલદી જ ઉશ્કેરણીજનક કાર્યવાહી બંધ કરે. ચીનના આરોપોના જવાબમાં અમેરિકી નેવીએ પણ કહ્યું કે અમારા યુદ્ધજહાજે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કર્યું છે. અમારી નેવીને પેરાસેલ ટાપુ ક્ષેત્ર પર જવાનો અધિકાર છે. ચીનનો દાવો જુઠ્ઠો છે. તે અમને રોકી ના શકે. આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર અમારાં જહાજ જુદાં જુદાં જળક્ષેત્રોમાં પ્રવેશ કરશે, વિમાન ઉડાન ભરશે, અમે જમીન પર પ્રવૃત્તિઓ સંચાલિત કરીશું.

ચીનનો પેરાસેલ ટાપુ સમૂહના 750 કિ.મી.ના વિસ્તાર પર કબજો
પેરાસેલ ટાપુ સમૂહને ચીનમાં જિક્ક્ષા કહેવાય છે. અહીં સેંકડો ટાપુઓ છે. ચીન આ ટાપુ સમૂહ પર હકદાવો કરે છે. જોકે વિયેતનામ, તાઈવાન, ફિલિપાઇન્સ, મલેશિયા અને બ્રુનેઇ ચીનના દાવાને નકારે છે. ચીને આ ક્ષેત્રમાં નવ સીમા રેખાઓ(નાઈન ડેશ લાઈન) ખેંચી છે. ચીન કહે છે કે ઐતિહાસિક રીતે આ સીમા ક્ષેત્રમાં આવનારો હિસ્સો તેનો છે. અમેરિકા સહિત અન્ય દેશ નાઈન ડેશ લાઈનને માન્યતા આપતા નથી. ચીને 1970ના દાયકાથી પેરાસેલ ટાપુ સમૂહ પર કબજો કરી રાખ્યો છે. તે પૂર્વ વિયેતનામના આશરે 400 કિ.મી. અને દક્ષિણ-પૂર્વ હેનાનના ટાપુ સુધી 350 કિ.મી.ના દાયરામાં ફેલાયેલો છે. વિયેતનામ આ ક્ષેત્ર પર પોતાનો દાવો કરે છે. તે આ ક્ષેત્રને હોંગ સા કહે છે.

એક મહિનામાં બીજી વખત અમેરિકાનો દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ
ગત મહિને બીજા અઠવાડિયામાં પણ અમેરિકી વિમાનવાહક જહાજ યુએસએસ રોનાલ્ડ રિગને દક્ષિણ ચીન સાગરમાં પ્રવશે કર્યો હતો. તેની સાથે ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર યુએસએસ શિલોહ અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુએસએસ હેલ્સી પણ હતાં. તેની સામે ચીને વાંધો દર્શાવ્યો હતો.

2016નો આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો પણ ચીન સ્વીકારતું નથી
હેગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી કોર્ટે 12 જુલાઈ 2016ના રોજ ચીનની નાઈન ડેશ લાઈન નકારી કાઢી હતી. કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગર પર ચીનનો કોઈ ઐતિહાસિક અધિકાર નથી તેમ છતાં ચીને આ ક્ષેત્રમાં ફિલિપાઇન્સના પરંપરાગત માછલી પકડવાના અધિકારોમાં હસ્તક્ષેપ કર્યો છે. ચીને આંતરરાષ્ટ્રીય કોર્ટનો આ ચુકાદો ક્યારેય સ્વીકાર્યો નથી. તેણે દક્ષિણ ચીન સાગરમાં પોતાનું વિસ્તરણ ચાલુ રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...