તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ઉત્પત્તિ વિશે ચીનનો ઘટસ્ફોટ:ચીની વૈજ્ઞાનિકોએ કહ્યું- ચીન પર કીચડ ઉછાળી રહી છે દુનિયા, વુહાન લેબ વિશે અફવા ફેલાવવામાં આવી રહી છે

3 મહિનો પહેલા

કોરોનાવાયરસની ઉત્પત્તિ વિશે સમગ્ર દુનિયાના નિશાના પર આવેલા ચીને ફરી એક વખત પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કોરોનાની ઉત્પત્તિ વિશે સૌથી વધારે ચર્ચામાં રહેલા ચીનની વુહાન લેબના વૈજ્ઞાનિકોએ દુનિયાના આરોપોને નિરાધાર ગણાવ્યા છે.

ચીનની 'બેટ વુમન' નામથી પ્રખ્યાત વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ડેપ્યુટી ડિરેક્ટર શી ઝેંગલીએ કહ્યું હતું કે દુનિયા નિર્દોષ વૈજ્ઞાનિકો પર કોઈપણ આધાર વગર કીચડ ઉછાળી રહી છે. વુહાન લેબથી કોરોનાવાયરસની ઉત્પત્તિનો દાવો નિરાધાર છે. હું કોઈ એવી વસ્તુનો પુરાવો રજૂ ના કરી શકું, જ્યાં એ હોય જ નહીં?

અફવાઓમાં સહેજ પણ સત્યતા નથી
ચીનના ટોપ વાયરોલોજિસ્ટ ઝેંગલીએ ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વુહાનમાં તેમની લેબ વિશે જે પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે એમાં સહેજ પણ સત્ય નથી. ઝેંગલી તે જ વૈજ્ઞાનિક છે, જેના પર વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં ચામાચીડિયા પર બેદરકારીથી રિસર્ચ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે તેની બેદરકારીને કારણે જ સમગ્ર દુનિયામાં કોરોના ફેલાયો છે.

અમેરિકન સિક્રેટ એજન્સીના રિપોર્ટથી ઊભા થયા સવાલ
તાજેતરમાં જ અમેરિકન સિક્રેટ એજન્સીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વુહાન લેબમાં ઘણા વૈજ્ઞાનિકો ઓક્ટોબર-નવેમ્બર 2019માં સંક્રમિત થયા હતા. જો આ વૈજ્ઞાનિક પ્રાથમિક તબક્કે જ સંક્રમિત થયા હતા, તો એનાથી વાયરસની ઉત્પત્તિનું સ્થાન મેળવી શકાય છે. જોકે આ રિપોર્ટ આવ્યા પછી ચીને કડક રીતે પ્રતિસાદ આપીને આ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો.

અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો- વાયરસ ચીનની લેબમાંથી જ નીકળ્યો
તાજેતરમાં અમેરિકાના 18 વૈજ્ઞાનિકના ગ્રુપ દ્વારા કોરોનાની ઉત્પત્તિનું ઊંડાણપૂર્વક રિસર્ચ કરવાની માગણી મુકાઈ હતી. તેમનું માનવું છે કે વાયરસ લેબમાંથી જ લીક થયો છે. આ દરેક વૈજ્ઞાનિક સાર્સ પરિવારના વાયરસનું ઊડાણપૂર્વક સ્ટડી કરી રહ્યા છે. ગ્રુપનું નેતૃત્વ કરનાર વાયરોલોજિસ્ટ જેસી બ્લૂમના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચ WHOની ટીમ પહોંચી ત્યાં સુધી ચાલતું હતું, તેથી ટીમને લેબની તપાસની મંજૂરી આપવામાં આવી નહીં. જોકે તપાસ થઈ રહી છે તેવો દેખાડો કરવામાં આવ્યો.

ચીનને ઘેરવાની અમેરિકાની રણનીતિ
આ દરમિયાન કોરોનાની ઉત્પત્તિ વિશે તપાસ કરવા અમેરિકાએ પ્રયત્નો વધારી દીધા છે. US પ્રેસિડેન્ટ જો બાઈડને અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીને આ વિશે ઝીણવટપૂર્વક તપાસ કરવા કહ્યું છે. તેમણે આ રિપોર્ટ 90 દિવસમાં માગ્યો છે. બાઈડને ઈન્ટેલિજન્સ એજન્સીઓને ચીનની વુહાન લેબથી વાયરસ નીકળવાની આશંકા વિશે પણ તપાસ કરવા કહ્યું છે. તેમણે ઈન્ટેલિજન્સ એજન્સીઓને કહ્યું હતું કે વાયરસ જાનવરમાંથી ફેલાયો છે કે લેબમાંથી એ વિશે ચોક્કસ તપાસ કરો.