તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રેગનની વ્યૂહનીતિ:અમેરિકાના હટતા જ અફઘાનિસ્તાન પર ચીનની નજર, પેશાવરથી કાબુલ સુધી મોટર-વે બનાવશે

કાબુલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીપીઈસીના વિસ્તાર હેઠળ 4.60 લાખ કરોડના રોકાણની યોજના
  • અમેરિકાની સેના 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાન છોડી દેશે

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસીને ચીન એક મોટી તકના રૂપમાં જોઈ રહ્યું છે. ચીને અફઘાનિસ્તાનમાં તેના વન બેલ્ટ, વન રોડ પ્રોગ્રામના વિસ્તરણની યોજના બનાવી છે, જે અંતર્ગત તે અફઘાનિસ્તાનમાં રૂ. 4.60 લાખ કરોડનું રોકાણ કરશે. કાબુલમાં સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપતા કહ્યું કે, આ યોજના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)નો હિસ્સો હશે. તેમાં ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનથી અફઘાનિસ્તાન અને ચીન વચ્ચે એક સીધો કોરિડોર બનાવાશે. તેનાથી ચીનને મધ્ય પૂર્વ, મધ્ય એશિયા અને યુરોપ સુધી વેપાર કરવાનો રસ્તો મળશે.

આ ઉપરાંત અધિકારીઓએ કાબુલ અને પેશાવર વચ્ચે મોટર-વે બનાવવા મુદ્દે પણ ચર્ચા કરી છે. ચીન પાંચ વર્ષથી અફઘાનિસ્તાનમાં વન બેલ્ટ, વન રોડ યોજનાના વિસ્તરણનું આયોજન કરતું હતું. જોકે, અમેરિકન સૈનિકોની હાજરીના કારણે તે આગળ ના વધ્યું. હવે ચીન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે વાતચીત શરૂ થઈ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને ગયા મહિને કબૂલ્યું હતું કે, ચીન અફઘાનિસ્તાન સહિત ત્રીજા પક્ષ સાથે પણ ચર્ચા કરી રહ્યું છે. નોંધનીય છે કે, અમેરિકાએ આ વર્ષે 11 સપ્ટેમ્બર સુધી પોતાના તમામ સૈનિક અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી દેવાનું લક્ષ્ય રાખ્યું છે.

તાલિબાનોનો 400 જિલ્લા પર કબજો, 300 સૈનિક તાજિકિસ્તાન ભાગી ગયા
અમેરિકન સેનાની વાપસીની જાહેરાત પછી તાલિબાને 400 જિલ્લા પર કબજો કરી લીધો છે. તે અફઘાનિસ્તાનનો એક તૃતિયાંશ જેટલો હિસ્સો છે. ઉત્તર અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજો વધી રહ્યો છે. ખાસ કરીને બદખ્શાં અને તખર પ્રાંત તાલિબાનોના કબજામાં છે. આ દરમિયાન 300 સૈનિક જાન બચાવવા તાજિકિસ્તાન ભાગી ગયા છે. અનેક ક્ષેત્રોમાં સુરક્ષા દળોએ કોઈ યુદ્ધ વિના આત્મસમર્પણ કરી દીધું છે. કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વૃદ્ધ તાલિબાનો અને સૈનિકો વચ્ચે સમજૂતી કરાવી રહ્યા છે.

તાલિબાનોની ધમકી: કોઈ વિદેશી સેના અહીં ના રહે, અમે રાજદૂતોને નિશાન નહીં બનાવીએ
તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને ધમકી આપી છે કે, સમયમર્યાદા પૂરી થયા પછી કોઈ પણ વિદેશી સેના અફઘાનિસ્તાનમાં રહેવી ના જોઈએ. નાટો સેનાને પણ દેશમાં રહેવા નહીં દેવાય. રાજદૂતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય વિદેશી નાગરિકોને તાલિબાનો નિશાન નહીં બનાવે. તેમની સુરક્ષા માટે અલગ સેનાની ખાસ જરૂર નથી.

પીછેહઠનું કારણ: અમેરિકાએ 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં રૂ. 167 લાખ કરોડ ખર્ચ્યા અને 2442 સૈનિક ગુમાવ્યા
અમેરિકન સેના 2011થી અફઘાનિસ્તાનમાં છે. આ 20 વર્ષમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રૂ. 167 લાખ કરોડ ખર્ચ કર્યા છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં યુદ્ધ માટે દેવું પણ કર્યું હતું, જેના માટે તેણે રૂ. 39 લાખ કરોડ વ્યાજ પણ ચૂકવ્યું છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં તહેનાત વરિષ્ઠ અને પૂર્વ સૈનિકોની આરોગ્ય સુવિધાઓ અને દેખભાળ માટે રૂ. 22 લાખ કરોડનો ખર્ચ થઈ ગયો છે.

આ યુદ્ધમાં અત્યાર સુધી 2,41,000 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં 2442 અમેરિકન સૈનિક અને 4000 અમેરિકન કોન્ટ્રાક્ટર સામેલ છે, જ્યારે આટલા વર્ષોમાં 71 હજારથી વધુ નાગરિક માર્યા ગયા છે. આશરે 2.7 કરોડ લોકોએ અફઘાનિસ્તાન છોડવું પડ્યું છે. તેમાંથી મોટા ભાગના ઈરાન, પાકિસ્તાન અને યુરોપના દેશોમાં ગયા છે. અમેરિકાએ રસ્તા, નહેરો વગેરે યોજનાઓમાં પણ 6.5 લાખ કરોડની સહાય આપી છે, જેમાં મોટા ભાગની રકમ ભ્રષ્ટાચારમાં વેડફાઈ છે.

અન્ય સમાચારો પણ છે...