તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • China Three Child Policy And Xi Jinping Government | Young Men Nasbandi Vasectomy Before Marriage In China

ચીનની 'થ્રી ચાઈલ્ડ પોલિસી' સંકટમાં:ચીનમાં યુવા પુરૂષ લગ્ન પહેલા નસબંધી કરાવી રહ્યા છે; કહ્યું- પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ, બાળકોને કેમના ઉછેરીએ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીનમાં એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું- 3 બાળકોની સલાહ આપનારને હાંકી કાઢો

સરકારને કેટલી વેળાએ પોતાના કડક વલણને કારણે ઘણા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. હવે ચીનની જ વાત કરી લો, આ એક એવો દેશ છે કે જેના વિશે આખું વિશ્વ એટલું જ જાણે છે જેટલી તે માહિતી આપે છે. 1979માં ચીને સિંગલ ચાઈલ્ડ પોલિસી એટલે કે 1 બાળક નીતિ જનતા પર થોપી. જન્મદરમાં ધરખમ ઘટાડો નોંધાયો અને વૃદ્ધોની સંખ્યા વધતી જતી રહી. સરકાર પર આંધળો વિકાસ કરવાની ધૂન સવાર હતી. 2016માં અચાનક ચીને ટૂ ચાઈલ્ડ પોલિસીને લાદી દીધી. હવે આના પાંચ વર્ષ પછી આ પોલિસીમાં ફેરફાર કરીને થ્રી ચાઈલ્ડ પોલિસી કરી દીધી છે.

સરકારને જે કરવું હતું તે તો કરી લીધું. હવે આ લોકતંત્રતો છે નહીં કે સમાજના વિવિધ લોકો, પ્રદેશોમાં વસતા લોકોનું સલાહ સૂચન લઈને કોઇ નિર્ણય પર આવે. આમાં તો બસ ચીનને નિર્ણય થોપવો હતો, તે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર લોકો પર થોપી દીધો હતો. નવી પેઢીની વાત કરીએ તો ચીનની સરકાર સામે વિવિધ પડકારો સામે આવી રહ્યા છે. ત્યાંના મોટાભાગના લોકો 1થી વધુ બાળકને જન્મ આપવા ઇચ્છતા જ નથી. લોકોના આ પ્રમાણેના વલણને પરિણામે અત્યારે જીનપિંગના પરસેવા છૂટી ગયા છે.

'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનમાં કેટલાક યુવા પુરૂષો લગ્ન પહેલા જ નસબંધી કરાવતા હોય છે. એમના માટે પૈસા, ઠાઠ અને કારકિર્દી જ સર્વસ્વ છે. તો ચલો દેશ-વિદેશના વિવિધ મીડિયાના અહેવાલોના આધારે ચીનમાં સામે આવેલા આ પશ્ન અંગે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીએ......

લોકોનું શું કહેવું છે?
35 વર્ષીય હૂ ડેઈફેંગ સિચુઆનમાં રહે છે અને પહેલા માઈગ્રેશન સેક્ટરમાં કાર્ય કરી રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે હું તો 1થી વધુ બાળક અંગે વિચારી પણ શકતો નથી. પહેલાજ હું ઘણી કપરી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છું, એમા મારી માતા જ્યારે બીમાર પડી ત્યારે મારી મુશ્કેલીઓમાં વધારો નોંધાયો હતો. અત્યારે અમે જીવતા તો છીએ પરંતુ જીવીત નથી એવો આભાસ થાય છે. હૂની માતા પણ એમ જ ઇચ્છે છે કે એનો પુત્ર જીવનભર દેવામાં ડુબેલો ના રહે અને આરામથી જીવન વ્યતિત કરે.

આઈટી કંપનીમાં કામ કરતી લિ યુંગએ કહ્યું હતું કે સમાજ પણ નથી ઇચ્છતો કે અમે 1 અથવા 2 બાળકોને જન્મ આપીએ. અત્યારની નવી પેઢી આ અંગે વિચારવા પણ માગતી નથી. હવે ભલે સરકાર કોઈપણ પ્રકારની ઓફર સામે આપે પરંતુ કોઈ 3 બાળકો ઇચ્છતું નથી.

સોશિયલ મીડિયા પર પણ મુદ્દો ગરમાયો
ચીનમાં ટ્વિટરની જેમ વીબો પ્લેટફોર્મ છે. અહીંયા લોકો જણાવી રહ્યા હતા કે અભ્યાસ કેટલો મોંઘો છે, મકાનોના ભાવ આકાશ પર છે અને કામના કલાકો પણ નિશ્ચિત નથી. આવામાં 3 બાળકોનો ઉછેર કરવો અશક્ય અને ઘણો મુશ્કેલ છે.

વીબો પર એક યૂઝરે કહ્યું હતું કે 3 બાળકોની સલાહ આપનારને હાંકી કાઢો. શું તમે આ બાળકોના ઉછેરમાં સહાયતા કરશો? એમને મકાન આપશો? કેટલાક સર્વે પણ કરાવવામાં આવ્યા હતા, પરંતુ એમા પણ નવી પોલિસી અંગે લોકોમાં ઉત્સાહ જણાયો નહોતો.

સરકાર શું છુપાવી રહી છે?
જિનપિંગ સરકાર નવી પોલિસીની સચ્ચાઈ પણ લોકોને બતાવવા માટે તૈયાર નથી. CNNના રિપોર્ટના આધારે જણાવાયું હતું કે સરકારે 3 બાળકોની નીતિ પર લોકોને સહાયતા તો કરશે પરંતુ લોકોને કેવી રીતે અને શું મદદ કરશે? એ અંગે જાણ કરી નથી. હેબઈ યુનિવર્સિટીના પ્રોફેસર લૂ હોંગપિંગે કહ્યું હતું કે પાંચ વર્ષમાં એક સારી વાત સામે આવી હતી. મેટરનિટી લીવ 160 દિવસ કરી દેવામાં આવી છે. આના સિવાય કશું નહીં. લોકોને વિશ્વાસ નથી, એટલે પરિવાર સંકોચાઈ રહ્યો છે.

વર્કિંગ વુમનનો દર્દ
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે જે દિવસે ચીનની સરકારે 3 બાળકોને મંજૂરી આપી તે જ દિવસે બીજિંગની એક 35 વર્ષીય વર્કિંગ વુમન લીલીને એના બોસે બોલાવી હતી. બોસે પુછ્યું તું ગર્ભવતી છે, તારે કેટલા દિવસની મેટરનિટી લીવ જોઈએ છે. નોકરી છીનવાઈ જવાના ભયથી લીલીએ કહ્યું કે વધુમાં વધુ 4 મહિના એની પહેલા તો હું કામ શરૂ પણ કરી શકીશ.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચીનમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, જ્યાં મહિલા ગર્ભવતી થાય ત્યારે એનું ડિમોશન કરવામાં આવે છે અથવા તો નોકરીમાંથી પણ હાંકી કાઢવામાં આવે છે. કેટલીક મહિલાઓને કોન્ટ્રાક્ટમાં સહી કરવાનું કહેવામાં આવે છે. જેમાં લખાણ હોય છે કે આ મહિલા સર્વિસ દરમિયાન અને કંપનીમાં નોકરી દરમિયાન ગર્ભવતી થઈ શકશે નહીં.

થોડો સુધારો આવ્યો, પરંતુ વધારે નહીં
CBS ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કેટલીક મહિલાઓએ કહ્યું હતું કે સરકારે જન્મદર વધારવા માટે પોલિસી બનાવી છે. 2019થી આ નિયમ લાગૂ કરાયો છે કે જેમાં તેઓ કંપનિઓના કર્મચારીઓનું વૈવાહિક જીવન અને બાળકો અંગે માહિતી માગી શકશે નહીં. પરંતુ આ પોલિસીને લાગૂ કોણ કરશે? લૂ પિન વુમન એક્ટીવિસ્ટ છે. તેણીએ જણાવ્યું હતું કે અમારી સરકાર ફક્ત વાતોના વડા કેવી રીતે કરવા એજ જાણે છે. માત્ર 2 કામ કરવાથી કશું નહીં થાય. સરકારની 3 ચાઈલ્ડ પોલિસીથી તો કંપનીઓમાં મહિલા કર્મચારીઓની સ્થિતિ કફોડી બની જશે, તેને લાગશે કે આ કર્મચારીઓ ગમે ત્યારે લાંબા વેકેશન માગી દેશે.

આમની અધૂરી કહાની
26 વર્ષીય હુયાંગ યૂલોંગના લગ્ન થયા નથી અને એણે પહેલા જ નસબંધી કરાવી છે. આનું કારણ ઘણુ કરૂણ છે. હુયાંગે જણાવ્યું હતું કે હું જ્યારે નાનો હતો ત્યારે પેરન્ટ્સ કામ અને પૈસા કમાવવા માટે સંબંધીઓના ભરોસે રાખીને જતા રહેતા. વર્ષમાં એકવાર મળવાનું થતું. આવા પરિવારનો શું ફાયદો? અમારી પેઢીમાં બાળકોની જરૂરત નથી. અમે કોઈપણ પ્રકારના ભાર વગર જીવવા માગીએ છીએ. અમે આમારા પૈસા પોતાની પાછળ વાપરવા માગીએ છીએ.

અન્ય 2 યુવાનોએ પણ આમ કર્યું છે. તેઓએ નામ જાહેર કરવાની અનુમતિ આપી નથી. વધુ એક યુવા પણ નસબંધી કરાવવા માટે ગયો હતો પરંતુ હોસ્પિટલવાળાએ એમ કહીને પાછો મોકલી દીધો કે તારા લગ્ન થયા નથી અને લગ્ન પહેલા આ પ્રકારનું કૃત્ય સરકારના ચોપડે ગેરકાયદેસર છે.

આવી તો કેવી સરકાર?
'ન્યૂયોર્ક ટાઈમ્સ'મા જાહેર કરેલા એક રિપોર્ટના આધારે ચીનમાં ઘણી વિમા કંપનીઓ એવી છે જે અવિવાહિતોને 'બમણું વેતન, નો કિડ્સ' જેવી લોભામણી ઓફરો પણ આપી રહી છે. મચમેકિંગ સર્વિસ સેક્ટરની કેટલીક કંપનીઓ જાહેરમાં એવા યુવાઓની પ્રતિયોગિતા જાહેર કરે છે જે સાથે રહેવા માટે તૈયાર છે પરંતુ માતા-પિતા બનવા ઇચ્છતા નથી.

એક આંકડો આવો પણ...
2018માં જાહેર કરેલા એક રિપોર્ટના આધારે તે સમયે ચીનમાં 24 કરોડ અવિવાહિત લોકો હતો. જે કુલ જનસંખ્યાનો 17 ટકા ભાગ હતો. 2010માં આ આંક એક તૃતિયાંશ હતો. 71 વર્ષીય કે હૂ ફેઈએ કહ્યું હતું કે યુવાઓ જવાબદારી વગર ફક્ત પોતાના માટે જીવવા ઇચ્છે છે. હવે તો તેઓ એક બાળકના પેરેન્ટ્સ બનતા પહેલા પણ ભયભીત થાય છે.

અન્ય સમાચારો પણ છે...