તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 વર્ષ પછી પુત્ર સાથે મિલન:પિતાએ અપહરણ કરાયેલા પુત્રને શોધવામાં 5 લાખ કિમી બાઈક ચલાવી, જીવલેણ અકસ્માત થયા; ભીખ પણ માંગી; અંતે DNAથી ઓળખ થઈ

શેડોંગ (ચીન)16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપહરણ કરવામાં આવ્યું ત્યારે છોકરાની ઉંમર માત્ર 2 વર્ષ હતી
  • પુત્રને શોધવામાં પિતાએ તેમની જીંદગીભર બચાવેલી મુડી પણ ખર્ચ કરી

ચીનના શેડોંગ પ્રાંતમાંથી 24 વર્ષ પહેલા અપહરણ કરવામાં આવેલા એક પુત્ર સાથે માતા-પિતાનું મિલન ખૂબ જ ભાવુક રહ્યું. જ્યારે છોકરાનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારે તેની ઉંમર માત્ર 2 વર્ષની હતી. પોલીસની મદદથી તેને શોધવામાં આવ્યો. હવે તે 26 વર્ષનો થઈ ગયો છે. માતા-પિતાએ તેને દોડીને ગળે લગાવ્યો અને જોરજોરથી રડવા લાગ્યા. તે જોઈને ત્યાં હાજર લોકોની આંખમાં પણ આસુ આવી ગયા.

પિતાએ જીવ જોખમમાં મુક્યો, જોકે હિમ્મત ન હાર્યા
એક રિપોર્ટ મુજબ પિતા ગુઓ ગંગતાંગ માટે આ પળ વધુ ખુશી આપનારી હતી, કારણ કે તેમની તપસ્યા પુરી થઈ હતી. તેમણે 20 રાજ્યોમાં પુત્રની શોધ કરી. જ્યાં તે હોવાની શકયતા લાગતી ત્યાં તે પહોંચી જતા. આ રીતે તેમણે 5 લાખ કિલોમીટરની મુસાફરી કરી. 10 મોટરસાઈકલ ખરાબ થઈ ગઈ. તેમનો એક ખતરનાક અકસ્માત પણ થયો, જેમાં તેમના ઘણા હાડકા પણ તૂટી ગયા. એક વખત તો લુટારુંઓએ તેમની પર ફાયરિંગ પણ કરી. જોકે તે બચી ગયા.

પુત્રની શોધમાં મુડી ગુમાવી, ભીખ માંગવી પડી
પિતા ગુઓ મોટરસાઈકલ પર પુત્રના ફોટાનું બેનર લગાવીને ફરતા હતા. તેમણે પુત્રને શોધવામાં જમા થયેલી મૂડી પણ ખર્ચ કરી નાખી. ભીખ પણ માંગી. ઘણી વખત પુલની નીચે સુવુ પણ પડ્યું, જોકે હાર ન માન્યા. જોકે પછીથી ચીનમાં ગુમ થયેલા લોકોના સંગઠનના અગ્રણી સભ્ય બન્યા. તેમણે સાત અન્ય વાલીઓને પણ તેમના અપહરણ કરાયેલા બાળકો સાથે મળાવવામાં મદદ કરી.

આ ઘટના પર ફિલ્મ પણ બનાવવામાં આવી
પુત્રને શોધવા માટે ગુઓની કોશિશ ચીનમાં કેટલી ચર્ચિત રહી, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 2015માં તેમની પર લોસ્ટ એન્ડ લવ ફિલ્મ બનાવવામાં આવી છે. તેમાં હોંગકોંગના સુપરસ્ટાર એન્ડી લાઉએ કામ કર્યું છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના જણાવ્યા અનુસાર બાળકને મળવાની માહિતી મળવા પર લાઉએ ગુઓને અભિનંદન આપ્યા.

અપહરણ કરાયેલા લોકોની ઓળખ માટે સમગ્ર દેશમાં DNA ટેસ્ટિંગ થઈ રહ્યું છે
ચીનમાં અપહરણ કરાયેલા લોકોની શોધ માટે પોલીસે આ વર્ષે મોટાપાયે એક અભિયાન ચલાવ્યું છે. તેમાં પરિવારના સભ્યોની ઓળખ માટે DNA ટેસ્ટિંગની મદદ લેવાઈ રહી છે. ગુઓનો પુત્ર પણ DNA ટેસ્ટિંગથી જ મળ્યો છે.

દર વર્ષે 20,000 બાળકોનું અપહરણ થાય છે
ગુઓના પુત્રને અપહરણ કરવાના આરોપમાં એક મહિલા અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. તેમણે બાળકને હેનાન પ્રાંતમાં વેચ્યો હતો. ચીનમાં બાળકોની તસ્કરી એક મોટી સમસ્યા છે. 2015માં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે અહીં દર વર્ષે 20,000 બાળકોનું અપહરણ થાય છે, જેને દેશની બહાર પણ વેચવામાં આવે છે.

પોલીસે ગુનાને રિપોર્ટ કરવા માટે એક ફોન એપ્લિકેશન લોન્ચ કરી હતી. તેમાં ચોરી, ડ્રગ ડીલિંગ અને હત્યાની સાથે બાળકોની તસ્કરીની પણ કેટેગરી હતી. બાળકોની તસ્કરીની ઘટનામાં પીડિતના સંબંધીઓ અને પાડોશી સામેલ હોવાનો પણ ખુલાસો થયો છે.