ભુતાનમાં ડ્રેગનની ઘૂસણખોરી:ચીને 25 હજાર એકરમાં ગેરકાયદેસર 4 ગામ વસાવી લીધાં, આ ગામ ભારત સરહદની ખૂબ જ નજીક

નવી દિલ્હી19 દિવસ પહેલા

ચીન પોતાની યુક્તિઓને અટકાવતું નથી. ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ડ્રેગન પાડોશી દેશ ભુતાનની સરહદમાં પણ ઘૂસણખોરી કરી છે. NDTVના અહેવાલ મુજબ, ચીન તેણે તેની સરહદે ભુતાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. એટલું જ નહીં, ચીને અહીં 4 ગામ પણ વસાવી લીધાં છે.

ચીને સૈન્ય વિકાસ પર એક વૈશ્વિક શોધકર્તા @detresfaએ સેટેલાઈટ તસવીરો દ્વારા નવો ઘટસ્ફોટ થયો છે. આ તસવીરોમાં સ્પષ્ટ રીતે ચીનનાં ગામ નજરે પડી રહ્યાં છે. ભુતાન અને ચીનની વચ્ચે આ જમીન બાબતે જૂનો વિવાદ છે. બંને દેશો દાવો કરે છે કે આ જમીન તેમની છે.

છેલ્લા એક વર્ષમાં ગામો વસાવી લીધાં
જોકે ચીને છેલ્લા એક વર્ષમાં (2020-21) આ વિવાદાસ્પદ જમીનના મોટા ભાગ પર મનસ્વી રીતે બાંધકામ શરૂ કર્યું છે અને આજ સુધીમાં 4 ગામ વસાવી લીધાં છે. આશ્ચર્ય છે આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ચીન અને ભુતાન વચ્ચે હાલમાં જ સીમા સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.

શું એ ચીનના નવા સરહદ કાયદાનો ભાગ છે?
@detresfaએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે '2020-21 વચ્ચે ડોકલામ નજીક ભુતાન અને ચીન વચ્ચે વિવાદાસ્પદ જમીન પર બાંધકામની પ્રવૃત્તિઓ જોઈ શકાય છે. ચીને લગભગ 100 કિ.મી ચોરસ વિસ્તારમાં કેટલાંય નવાં ગામો વસાવ્યાં છે. શું આ નવા કરારનો ભાગ છે કે ચીનના પ્રાદેશિક દાવાઓને લાગુ કરવા માટેનો ભાગ છે?'

ડોકલામ સરહદને અડીને આવેલો છે આ વિસ્તાર
ચિંતાની વાત એ છે કે આ ભાગ ભારતીય ક્ષેત્ર ડોકલામથી બિલકુલ નજીક છે, જ્યાં ચાર વર્ષ પહેલાં, એટલે કે 2017માં બંને દેશોની સેના આમને -સામને આવી ગઈ હતી. આ ભાગ વ્યૂહાત્મક રીતે ભારત માટે મહત્ત્વ ધરાવે છે. ભારત અને ભુતાનની સેનાઓ પરસ્પર સહમતીથી આ ક્ષેત્રમાં સૈન્ય માળખાને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. આવી સ્થિતિમાં ચીનની આ યુક્તિ બંને દેશ માટે ચિંતાનો વિષય બની શકે છે.

આગામી વર્ષે નવો સરહદી કાયદો લાગુ કરશે ચીન
જણાવી દઈએ કે ચીને હાલમાં જ સરહદની સુરક્ષા અને અખંડિતતા માટે નવો સરહદ કાયદો ઘડ્યો છે. આ કાયદાને 23 ઓક્ટોબરે નેશનલ કોંગ્રેસમાં મંજૂરી આપવામાં આવી હતી અને 1 જાન્યુઆરી 2022થી એને લાગુ કરવામાં આવશે. ચીને સાત દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વખત પોતાના સરહદી કાયદામાં ફેરફાર કર્યો છે.

આ અંતર્ગત ચીન ભારત સહિત 14 દેશ સાથેની તેની ભૌગોલિક સરહદો પર પેટ્રોલિંગ વધારી શકશે અથવા સરહદો પર સ્થિત વેપાર ચોકીઓને એકપક્ષીય રીતે બંધ કરી શકશે. ડ્રેગનની આ યુક્તિ એવા સમયે સામે આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને સૈન્ય સ્તરે વાતચીત ચાલી રહી છે.

ભારતની ચિંતાઓ પર સામાન્ય કાયદો જણાવ્યો
ચીનના મતે- નવા સીમા કાયદા અંગે જે અટકળો લગાવવામાં આવી રહી છે એ યોગ્ય નથી. એનાથી જૂના સરહદ કરારો પર કોઈ અસર નહીં થાય. આ સામાન્ય કાયદો છે. ચીન સાથે ભારતના લદાખ ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે. લદાખમાં ભારત અને ચીનની વચ્ચે વિવાદનું એક મોટું કારણ કેટલાક વિસ્તારોમાં સૈન્ય પ્રવૃત્તિઓ બાબતે પણ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને ભારતની ચિંતાઓ પર કહ્યું- અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે નવો કાયદો વર્તમાન કરારો અથવા સંધિઓને અસર કરશે નહીં. અમે સરહદના વિકાસ પર કામ કરવાનું ચાલુ રાખીશું.

ભારત અને ભુતાન સાથે જ સરહદ વિવાદ છે
ચીનનો દાવો છે કે તેણે તેના 14માંથી 12 પડોશીઓ સાથે સરહદી વિવાદનું સમાધાન કર્યું છે. આ વિવાદ એકલા ભારત અને ભુતાન સાથે ઉકેલાયો નથી. ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) 3,488 કિમીની છે.

અન્ય સમાચારો પણ છે...