અમેરિકી સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીના તાઇવાનપ્રવાસથી રોષે ભરાયેલા ચીને શુક્રવારે સૈન્ય અભ્યાસનો વ્યાપ વધારી દીધો. તેણે તાઇવાન નજીક યુદ્ધજહાજ અને એરક્રાફ્ટ તહેનાત કરી દીધાં છે. ચીને તાઇવાનની સરહદમાં મિસાઇલો ઝીંકવા ઉપરાંત તેના હવાઇ ક્ષેત્રમાં ઘૂસણખોરી પણ કરી. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ચીનનાં 13 યુદ્ધજહાજ અને 68 વિમાને તેની જળસીમા ઓળંગી.
બીજી તરફ ચીને અમેરિકા વિરુદ્ધ વ્યૂહાત્મક પગલાં ભરવાનું પણ શરૂ કરી દીધું છે. તે અંતર્ગત પેલોસી પર પ્રતિબંધ લાદી દેવાયો છે. ક્લાઇમેટ ચેન્જ અને સૈન્ય સહકાર સહિત વિવિધ મુદ્દે અમેરિકા સાથે મંત્રણા પણ અટકાવી દેવાઇ છે.
ચીને અમેરિકી સંરક્ષણ અધિકારીઓ સાથે ફોન પર વાતચીત, આર્મી કમાન્ડર્સની બેઠકો પણ રદ કરી. પેલોસી તાઇવાનથી પાછાં ફર્યાં બાદ ચીને ગુરુવારે તાઇવાન નજીક સૈન્ય અભ્યાસ શરૂ કર્યો. ચીને તાઇવાન તરફ 11 મિસાઇલ ઝીંકી, જેમાંથી 5 મિસાઇલ જાપાનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પડી. આ અંગે જાપાને સખત વિરોધ વ્યક્ત કર્યો છે.
ચીન નિરર્થક પ્રતિક્રિયા ન આપે: અમેરિકા
જાપાન પહોંચેલાં પેલોસીએ કહ્યું કે અમેરિકા તાઇવાનને એકલું નહીં છોડે. તેને એકલું પાડી દેવાના પ્રયાસોને સફળ નહીં થવા દે. અમેરિકી સુરક્ષા પરિષદના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ કોઓર્ડિનેટર જોન કિર્બીએ ચીનને નિરર્થક પ્રતિક્રિયા આપવાનું ટાળવા સલાહ આપી. અમેરિકી સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિને સ્થિતિ પર નજર રાખવા અમેરિકી યુદ્ધજહાજ યુએસએસએસ રોનાલ્ડ રિગનને તાઇવાન નજીક દરિયામાં તહેનાત રહેવા આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.