તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરમાણુ હથિયારોની હરિફાઈમાં ચીન:સેટેલાઈટ તસવીરોમાં ચીનની પોલ ખુલી, 100થી વધારે પરમાણુ મિસાઈલની 'સાઈલો' બનાવી

22 દિવસ પહેલા

ચીન શસ્ત્રો અને ટેક્નોલોજીની મદદથી સતત તેની તાકાત વધારી રહ્યું છે. ભારત માટે આ ખૂબ જોખમી સાબીત થઈ શકે છે. ચીન તેના ઉત્તર-પશ્ચિમના રણ વિસ્તારમાં 119 નવી મિસાઈલ સાઈલો બનાવી રહ્યું છે. ચીનની આ ચાલની ખબર સેટેલાઈટ તસવીરો દ્વારા થઈ છે. સેટેલાઈટથી મળેલી તસવીરોમાં સ્પષ્ટ ઘણી બધી મિસાઈલો જોવા મળી રહી છે. આ વિશે અમેરિરન રાજદૂત રોબર્ટ વુડે પણ ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે. વુડે વધુમાં કહ્યું છે કે, આ એક પ્રકારના ગોડાઉન જેવુ જ છે જેમાં ચીને હાલ પરમાણુ હથિયારો પણ છુપાવીને રાખ્યા છે. આ ખૂબ ચિંતાજનક વિષય છે.

શું છે સાઈલો (SILO)?
સાઈલો એક લાંબો, ઉંડો અને સિલિન્ડર જેવો ખાડો હોય છે. જેની અંદર અંતરમહાદ્વીપીય પરમાણુ બેલિસ્ટિક મિસાઈલો રાખવામાં આવે છે. જરૂર પડે ત્યારે આ સાઈલોનું ઢાંકણું ખોલીને, અહીંથી જ મિસાઈલને લોન્ચ કરી શકાય છે. ચીનના પરમાણુ હથિયાર કાર્યક્રમમાં આને ચીનનું ઐતિહાસીક પગલું માનવામાં આવે છે.
ઓફિશિયલ સેટેલાઈટ પરથી લેવામાં આવેલી તસવીરોના આધાર પર સુરક્ષા નિષ્ણાતોએ કહ્યું છે કે, ચીન તેમના દેશમાં 119 અંતરમહાદ્વીપીય પરમાણુ બેલિસ્ટિક મિસાઈલની સાઈલો બનાવી રહ્યું છે. આ મિસાઈલો અમેરિકા સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે હાલ કોઈને ખબર નથી કે આ સાઈલોમાં મિસાઈલ છે કે નહીં, જો મિસાઈલ છે તો તેના ઉપર પરમાણુ હથિયારો લગાવવામાં આવ્યા છે કે નહીં.

સેટેલાઈટ તસવીરોમાં દેખાતા કાળા ટપકા સાઈલો છે
સેટેલાઈટ તસવીરોમાં દેખાતા કાળા ટપકા સાઈલો છે

કેલિફોર્નિયાના મોન્ટેરીમાં જેમ્સ માર્ટિન સેન્ટર ફોર નોનપ્રોલિફિરેશન સ્ટડીઝના રિસર્ચર્સે પ્લેનેટ લેબ્સની સેટેલાઈટથી મળેલી તસવીરોનું તપાસ કરી છે. તેમાં ચીનના ઉત્તર-પશ્ચિમમાં આવેલા યૂમેન શહેરના રણ વિસ્તારમાં આ મિસાઈલ સાઈલો જોવા મળી છે. આ સાઈલો એક વિન્ડ ફાર્મની બાજુમાં બનાવવામાં આવ્યા છે.

પ્લેનેટ લેબ્સના સહ-સંસ્થાપક અને સીઈઓ વિલ માર્શલે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે તેમની ટ્વિટમાં બે તસવીરો દર્શાવી છે. જેમાં સ્પષ્ટરીતે મિસાઈલ મુકવાના સાઈલો દેખાઈ રહ્યા છે. વિલ માર્શલે લખ્યું છે કે, ચીને રણ વિસ્તારમાં 100થી વધારે પરમાણુ મિસાઈલ સાઈલો બનાવી છે. ગયા વર્ષે તેમણે 100થી વધારે ઉઈગર ડિન્ટેશન કેમ્પ બનાવ્યા હતા. હવે ત્યાંથી કામ ચાલુ થઈ ગયું છે. વિલ કહે છે કે સેટેલાઈટની તસવીરો જોઈને લાગે છે કે, સાઈલો બનાવવાનું કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે.

ચીને છ મહિનામાં જ કર્યું રણનું વિસ્તરણ
આ વિસ્તાર જાન્યુઆરી 2021થી આટલો વિકસીત નહતો થયો. પરંતુ જૂન આવતા જ અહીં કેટલીય સાઈલો બનેલી દેખાય છે. પહેલાં અહીં માત્ર રણ વિસ્તાર હતો. અત્યારે પરમાણુ મિસાઈલોનું ગોડાઉન લાગી રહ્યું છે. ચીન પરમાણુ હથિયારોના મુદ્દે દુનિયામાં પાંચમુ સૌથી તાકાતવર દેશ છે. તેમની પાસે 250થી 300 પરમાણુ હથિયારો છે. જ્યારે અમેરિકા પાસે 5800 પરમાણુ હથિયારો છે. જેમાં 1373 હમેશા મિસાઈલ, બોમ્બ અને સબમરીન્સમાં તહેનાત હોય છે.

રશિયા પાસે કુલ 6375 પરમાણુ હથિયાર છે. જેમાંથી 1326 હંમેશા તહેનાત હોય છે. ચીનની પાસે 50થી 75 ICBM મિસાઈલ છે. ચીનની ICBM મિસાઈલમાં DF-5ની રેન્જ અંદાજે 15,000 કિલોમીટરની છે. ચાર પરમાણુ મિસાઈલથી સજ્જ સબમરીન્સ છે. ટૂંક સમયમાં જ તેમાં વધારો કરીને 8થી 9 કરવાની તૈયારી ચાલી રહી છે. ચીનની પાસે H-6 બોમ્બવાહક છે. જે પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા રાખે છે. ચીન એક અત્યાધુનિક બોમ્બવાહક બનાવી રહ્યું છે. જેનું નામ જિયાન H-20 છે. એવું માનવામાં આવે છે કે, તેમાં પરમાણુ બોમ્બ પણ લગાવી શકાશે અને પરમાણુ હથિયારોથી સજ્જ ક્રૂઝ મિસાઈલ પણ તહેનાત કરાશે.

સાઈલોમાં મિસાઈલ રાખવામાં આવે છે અને તે ત્યાંથી મિસાઈલ લોન્ચ કરી શકાય એ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે
સાઈલોમાં મિસાઈલ રાખવામાં આવે છે અને તે ત્યાંથી મિસાઈલ લોન્ચ કરી શકાય એ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે

પરમાણુ હથિયારથી ચીન આપશે અમેરિકાને ટક્કર
ચીન અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી તેમના પરમાણુ હથિયારોને વધારવાનું કામ કરી રહ્યા છે. જેથી જરૂર પડે ત્યારે ચીન અમેરિકાને ટાર્ગેટ કરી શકે. પેન્ટાગને ગયા વર્ષે અંદાજ લગાવ્યો હતો કે, ચીન પાસે પહેલેથી જ 200થી વધારે પરમાણુ હથિયારો છે અને તેની સંખ્યા બમણી કરવાનું આયોજન છે.

અમેરિકન રાજદૂત રોબર્ટ વૂડે કહ્યું છે કે, ચીન ત્યાં નથી, જ્યાં તે 10 વર્ષ પહેલાં હતું. ચીન ફરી પરમાણુ સંચાલિત કાર્યક્રમને મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેના પર રશિયા કામ કરી રહ્યું છે. અમેરિકન બેલેસ્ટિક હથિયારોથી પોતાને બચાવવા માટે રશિયા નવી રક્ષક પદ્ધતિઓ પર વિચાર કરી રહ્યું છે. રોબર્ટ વુડને શંકા છે કે, ચીન હવે એ જ રસ્તે આગળ વધી રહ્યું છે.

રોબર્ટ વુડનો તર્ક છે કે, આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે રશિયા અને અમેરિકા વચ્ચે પહેલેથી એક માળખુ છે, જ્યારે ચીન પાસે આવી કોઈ સમજૂતી નથી. નોંધનીય છે કે, રશિયા અને અમેરિકા પાસે લગભગ 11,000 પરમાણુ હથિયાર છે. જે દુનિયામાં સૌથી મોટો ભંડાર છે. એટલે વુડના મત પ્રમાણે જ્યાં સુધી ચીન આ મુદ્દા પર અમેરિકા સાથે દ્વીપક્ષીય બેઠક નહીં કરે ત્યાં સુધી વિનાશકારી હથિયારોની હરિફાઈ સતત વધતી રહેશે અને કોઈને ફાયદો નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...