સ્ટૉકહોમ - સ્ટડી દર્શાવે છે કે જે બાળકોને દાદા-દાદી, નાના-નાનીનો પ્રેમ મળ્યો હોય છે તેઓ મોટાં થઇને વધુ સંસ્કારી, સમજદાર અને આત્મવિશ્વાસ ધરાવતાં હોય છે. હવે ભારત સહિત દુનિયાભરમાં બાળકોને દાદા-દાદીઓનો વધુ સાથ મળે છે. ઇતિહાસમાં પહેલી વાર બાળકોના ગુણોત્તરમાં દાદા-દાદીની સંખ્યા સૌથી વધુ છે. 1960ની તુલનાએ સરેરાશ ઉંમર 51થી વધીને 72 થઇ ચૂકી છે, જ્યારે બાળકોનો જન્મદર 5થી ઘટીને 2.4 થઇ ચૂક્યો છે.
જોકે દરેક દેશ અને સમાજમાં આ દર અલગ અલગ છે. જર્મનીના મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફિક રિસર્ચના ડિએગો અલ્બુર્ઝ ગુટિયેરેઝ જણાવે છે કે - દુનિયામાં અત્યારે 150 કરોડ વૃદ્ધ છે. તેઓ પરિવારના બાળકોના સારા ઉછેર ઉપરાંત વધુ એક ક્રાંતિનું કારણ બની રહ્યાં છે. તેને કારણે મહિલાઓનો વર્કફોર્સમાં હિસ્સો વધ્યો છે.
બાળકોના ઉછેરમાં દાદા-દાદીઓની મદદથી મહિલાઓ પર પેરેન્ટિંગની જવાબદારી ઘટી છે અને તેઓ ઘરથી બહાર નીકળીને કામ કરવા માટે પ્રોત્સાહિત છે. એમેઝોનની મધુલિકા ખન્ના અને 3IEની દિવ્યા પાંડે સ્ટડીમાં દર્શાવે છે કે ભારતમાં સાસુના નિધન બાદ 10% પુત્રવધુઓ નોકરી છોડવા મજબૂર થાય છે. વાસ્તવમાં ભારતમાં દાદા-દાદી યુવા મહિલાઓને પ્રગતિના અવસર પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે.
ઇન્ટર અમેરિકન ડેવલપમેંટ બેન્કના માઇગુએલ તાલામસનું રિસર્ચ દર્શાવે છે કે દાદા-દાદીના નિધન બાદ મેક્સિકોમાં 27% મહિલાઓએ નોકરી છોડવી પડે છે. આવક 53% ઘટે છે. યુનિવર્સિટી ઓફ મેનિટોબાના જેનિસ કેંપટન તેમજ વોશિંગ્ટન યુનિવર્સિટીના રોબર્ટ પોલકે અમેરિકન વસતીના આંકડાઓનું આકલન કર્યું હતું. તેમના અનુસાર જો દાદા-દાદી અથવા નાના-નાની 40 કિ.મીની અંદર રહે છે તો વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી 10% સુધી વધી જાય છે.
ગામ્બિયાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષના બાળકોની જીવિત રહેવાની સંભાવના સૌથી વધુ દાદા-દાદીના ઉછેર પર નિર્ભર કરે છે. આફિકન દેશોમાં દાદા-નાના સાથે રહેતા બાળકોની સ્કૂલ જવાની સંભાવના 15% વધુ હોય છે.
બ્રાઝિલમાં દાદા-દાદી બાળકોની સંભાળ રાખે છે
બ્રાઝિલમાં થયેલા એક સરવે અનુસાર જે પરિવારોમાં બાળકોની સંભાળ દાદા-દાદી રાખે છે, તેઓ નોકરી કે પ્રગતિની તકની શોધમાં બીજા શહેરોમાં ઓછા જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.