તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Change The Way We Work, Focus On The Mental Health Of Employees, Facilities For Children And The Elderly

નવી શરૂઆત:કામકાજની પદ્ધતિ બદલો, કર્મચારીઓના માનસિક આરોગ્ય પર ધ્યાન, બાળકો-વૃદ્ધો માટે સુવિધાઓ

ન્યુયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારી પછી કામ અને જીવનમાં સંતુલન જાળવવાના અનેક આઈડિયા પર અમલ

હવે મહામારી કાબૂમાં આવ્યા પછી વેપાર-ધંધા સંપૂર્ણપણે શરૂ થયા પછી કરોડો લોકો નોકરીઓ વિશે નવેસરથી વિચારી રહ્યા છે. લાખો લોકો ગયા વર્ષથી પોતાની પ્રાથમિકતાઓનું ફરી મૂલ્યાંકન કરી રહ્યા છે. ઘણા બધા લોકોએ નોકરી-ધંધા બદલી નાંખ્યા છે. કંપનીઓ અને કામદારોના સંબંધમાં પણ પરિવર્તન આવ્યું છે. જીવન અને કામ વચ્ચે સંતુલન રાખવાના અનેક આઈડિયાઝ પર કામ થઈ રહ્યું છે. અમેરિકામાં ઘણા લોકો અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસ અને બે દિવસ ઘરેથી કામ કરવા ઈચ્છે છે. કેટલીક કંપનીઓ માનસિક આરોગ્ય વધુ સારું બનાવવાની સુવિધા આપવા લાગી છે.

અનેક કંપનીઓ કર્મચારીઓનાં બાળકો અને તેમના વડીલોની દેખભાળ પર પણ ધ્યાન આપી રહી છે. લૉકડાઉનના દોરમાં બેકારી વધી છે, વિકલ્પો ઘટી ગયા છે, પરંતુ હવે પ્રોફેશનલ્સ અને ઓફિસ કર્મચારીઓ નોકરી બદલવા ઈચ્છે છે. અમેરિકાની ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટના એસોસિયેટ પ્રો. એન્થની ક્લોટ્સ કહે છે કે, હવે મોટી સંખ્યામાં લોકો પોતાની નોકરીઓમાંથી રાજીનામું આપશે. જાન્યુઆરીમાં પ્યૂ રિસર્ચના સરવેમાં માલુમ પડ્યું છે કે, 66% બેકાર લોકો ગંભીરતાથી પોતાનો વ્યવસાય જ બદલવાનો વિચાર કરી રહ્યા છે. નવા વર્ક પ્લેસની માંગને પગલે કંપનીઓના વડાઓ પણ મૂંઝવણમાં છે. ટિ્વટર, ડ્રોપબોક્સ, શૉપિફાય અને રેડિટ સહિત અનેક ટેક કંપનીઓએ કર્મચારીઓને કાયમી ધોરણે ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે.

બીજી તરફ, ઓઈલ કંપની ફિલિપ્સ 66એ તમામ કર્મચારીઓને આશરે એક વર્ષ પહેલાં જ તેના હ્યુસ્ટન સ્થિત હેડક્વાર્ટર પર બોલાવી લીધા હતા. ટાર્ગેટ અને વૉલમાર્ટે સ્ટાફને ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે, જ્યારે ઓછો પગાર ધરાવતા કર્મચારીઓએ સ્ટોરમાં વાઈરસ સંક્રમણના ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે. ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં બ્લેક સ્ટોન, જેપી મોર્ગન ચેઝ, ગોલ્ડમેન શાક્સ પોતાના કર્મચારીઓને આ ઉનાળામાં પાછા બોલાવવા ઈચ્છે છે. જેપી મોર્ગનના સીઈઓ જેમી ડિમોનનું કહેવું છે કે, ઘરેથી કામ કરવું એવા લોકો માટે અનુકુળ નથી, જેમણે ઓફિસની ગતિવિધિઓની વચ્ચે રહેવું જરૂરી છે. તેનાથી ઓફિસમાં એક પ્રકારની અસમાનતા સર્જાઈ છે. હવે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને ઘરેથી કામ કરતા કર્મચારીઓની તુલનામાં વધુ મહત્ત્વ મળશે. વી-વર્ક કંપનીના સીઈઓ સંદીપ મથરાનીએ હાલમાં જ કહ્યું હતું કે જે લોકો આક્રમક રીતે કામ કરવા નથી ઈચ્છતા, તેઓ ઘરેથી કામ કરવાનું પસંદ કરે છે. અનેક સરવે પ્રમાણે, મોટા ભાગના અમેરિકનો અઠવાડિયામાં ત્રણ દિવસ કામ કરવા ઈચ્છે છે.

બીજી તરફ, આશાઓ જગાવતી અનેક ગતિવિધિ થઈ રહી છે. કોરોના મહામારીમાં 40% અમેરિકન પુખ્તોમાં માનસિક રોગો વધ્યા છે. તેથી લિન્ક્ડઈન, સિટી ગ્રૂપ, રેડ હેટ અને એસએપી સહિત અનેક કંપનીઓ કર્મચારીઓને માનસિક આરોગ્ય સુધરે એવી સુવિધા આપે છે. મૂડ સુધારવા માટે કંપનીઓ રજાઓ પણ આપી રહી છે. માઈક્રોસોફ્ટ, ફેસબુક, ગૂગલ અને હોમ ડિપો સહિત અનેક કંપનીઓ બાળકોને દેખભાળની સુવિધા આપવા લાગી છે. ટાઈમ્સ અપ ગ્રૂપ સાથે 200થી વધુ બિઝનેસ જૂથોએ બાળકો અને પુખ્તોની દેખભાળ માટે વિચારવાનું શરૂ કરી દીધું છે. આ મહામારીના કારણે વર્ક પ્લેસ અને વર્ક કલ્ચરને નવેસરથી યોગ્ય બનાવવાની તક સૌની સામે છે. કંપનીઓએ અઠવાડિયાના ચાર દિવસ કામનો પ્રયોગ શરૂ કર્યો છે. (લિપમેન યુએસએ ટુડે અખબારના પૂર્વ ચીફ એડિટર છે.)

48 મિનિટ વધુ કામ કર્યું
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના સરવે પ્રમાણે લૉકડાઉન શરૂ કર્યા પછી લોકોએ પ્રતિદિન સરેરાશ 48 મિનિટ વધુ કામ કર્યું. શિકાગો યુનિવર્સિટી અને એસેક્સ યુનિવર્સિટીના નવા રિસર્ચ પેપર પ્રમાણે રિમોટ વર્કર્સના કામનો સમય 30% વધી ગયો છે. આમ છતાં, તેમની ઉત્પાદકતા નથી વધી.

અન્ય સમાચારો પણ છે...