ઈરાનમાં એક દિવસમાં 12 કેદીને ફાંસી આપી દેવામાં આવી છે. ઈરાને જે 12 કેદીને ફાંસી ઉપર લટકાવી દીધા છે તેમાં 11 પુરુષો અને 1 મહિલા કેદીનો સમાવેશ થાય છે. આ તમામ લોકો બલુચિસ્તાનના રહેવાસી હતા અને સુન્ની મુસ્લિમ સમુદાયમાં સાથે સંકળાયેલા હતા. આ તમામ ઉપર ડ્રગ્સ અને માદક પદાર્થોની હેરાફરી કરવાનો કે હત્યા કરવાનો આરોપ લાગેલો હતો. બીજી બાજુ ઈરાનમાં આટલી મોટી સંખ્યામાં લોકોને ફાંસી આપવામાં આવી રહી છે ત્યારે માનવ અધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે અને તેનો ભારે વિરોધ કર્યો છે.
તમામ 12 ગુનેગારને સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલી મુખ્ય જેલ જાહેદાનમાં ફાંસી આપવામાં આવી છે. ઈરાનનો આ પ્રાંત અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન સીમા સાથે જોડાયેલો છે. નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સે આ અંગે માહિતી આપી છે. આ 12 લોકો પૈકી 6ને ડ્રગ્સ સાથે સંકળાયેલા આરોપો હેઠળ ફાંસી આપવામાં આવી છે. અન્ય 6 લોકોને હત્યાના આરોપ હેઠળ ફાંસી આપવામાં આવી છે.
લોકો સરકારની ટીકા કરી રહ્યા છે
એક સાથે 12 કેદીને સજા-એ-મોત આપવા બદલ ઈરાન સરકારની ચોતરફ ટીકા થઈ રહી છે. હકીકતમાં સરકાર પર આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં લઘુમતી સુન્ની સમુદાયના લોકોને ફાંસી આપવામાં આવી રહી છે. ઈરાનમાં મોટાભાગે શિયા ધર્મ માનનાર છે.
આંકડાઓ શું કહે છે
ઈરાન હ્યુમન રાઈટ્સના કાર્યકર્તાઓનું કહેવું છે કે ઈરાનમાં જાતિગત અને ધાર્મિક લઘુમતીઓ સરકારના નિશાન પર છે. ખાસ કરીને કુર્દ, બલૂચ અને અરબનો સમાવેશ થાય છે. સંગઠનના મતે વર્ષ 2021માં ઈરાનમાં જે કુલ ફાંસી આપવામાં આવી તે પૈકી 21 ટકા બલૂચ નાગરિક હતા, જ્યારે ઈરાનની કુલ વસ્તીમાં ફક્ત 2-6 ટકા લોકો બલૂચ છે.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના અહેવાલ પ્રમાણે મોતની સજા આપનારા દેશોમાં ઈરાન સૌથી ઉપર છે. વર્ષ 2021માં 314 લોકોને મોતની સજા આપવામાં આવી હતી. તે વર્ષ 2020ની તુલનામાં 25 ટકા વધારે છે. વર્ષ 2020માં 246 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.