ખાલિસ્તાની સમર્થકને મુસ્લિમોની ચિંતા:ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે કહ્યું- મોદી સરકારે મુસ્લિમવિરોધી ઉશ્કેરણી બંધ કરવી જોઈએ

એક મહિનો પહેલા

ભારતમાં રામનવમીના દિવસે ઘણાં શહેરોમાં રમખાણો જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ વિશે કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે ભારત પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ભારતમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ થતી હિંસાને જોખમી ગણાવી છે. ભારતીય મૂળના કેનેડિયન નેતાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે અહીં મુસ્લિમવિરોધી ઉશ્કેરણી કરવામાં આવે છે.

જગમીત સિંહે ગુરુવારે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કરેલા એક ટ્વીટમાં લખ્યું છે કે હું ભારતમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ હિંસાની તસવીરો, વીડિયો અને જાણીજોઈને આપવામાં આવતી ધમકીઓ વિશે ખૂબ ચિંતિત છું. મોદી સરકારે મુસ્લિમવિરોધી ઉશ્કેરણી કરવાનું બંધ કરવું જોઈએ. માનવ અધિકારોની રક્ષા થવી જોઈએ. દરેક જગ્યાએ શાંતિની સ્થાપના કરવામાં કેનેડા એક મજબૂત ભૂમિકા નિભાવી શકે છે.

કેનેડા સિવાય અમેરિકાના કેટલાંક નેતાઓએ પણ ભારતના માનવાધિકારોના ઉલ્લંઘન વિશે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકન વિદેશમંત્રી એન્ટી બ્લિકંને સોમવારે કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં માનવાધિકારના ઉલ્લંઘન પર કડક નજર રાખી છે. અમેરિકા માનવાધિકારોનાં સંયુક્ત મૂલ્યો વિશે સતત ભારત સાથે વાતચીત કરી રહ્યું છે. ભારતમાં અમુક સરકાર, પોલીસ અને જેલ અધિકારીઓ તરફથી માનવાધિકાર ઉલ્લંઘન પર અમારી નજર છે.

રામનવમીના તહેવારમાં ઘણાં રાજ્યોમાં હિંસા
રામનવમીના તહેવારમાં ભારતમાં ઘણાં રાજ્યોમાં હિંસા ફેલાઈ હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. રામનવમીના દિવસે આખા દેશમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન સાંપ્રદાયિક તણાવ, હિંસા અને આગ ચાંપવાની ઘટના બની હતી. મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થમારો થતાં હિંસા ભડકી હતી.
હિંસા પર કાબૂ મેળવવાના પ્રયત્નમાં એક એસપીને ગોળી વાગતા તેઓ ઘાયલ થયા હતા. રામનવમીના બીજા દિવસે પણ હિંસા ચાલુ રહી હતી. આ ઘટનામાં પોલીસે અત્યારસુધી 100 આરોપીની ધરપકડ કરી છે. સરકારે હિંસામાં સામેલ આરોપીઓની ગેરકાયદે સંપત્તિઓ તોડી દીધી છે.

આ વિવાદમાં અત્યારસુધીમાં 16 ઘર અને 29 દુકાન ધ્વસ્ત કરી દેવામાં આવી છે. આ ઘરોમાં વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત બનેલું એક મુસ્લિમ મહિલા હસીના ફખરુનું ઘર પણ સામેલ છે. પોલીસનું કહેવું છે કે તેઓ આરોપીઓની ગેરકાયદે સંપત્તિઓને ધ્વસ્ત કરી રહી છે, જ્યારે મુસ્લિમ ધર્મગુરુઓનો આરોપ છે કે પોલીસ પ્રશાસન આ મામલે જાણીજોઈને મુસ્લિમ સમુદાયનાં ઘરોને જ ટાર્ગેટ કરી રહી છે. મધ્યપ્રદેશ સિવાય રામનવમીના દિવસે ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ જેવાં વગેરે રાજ્યોમાં પણ હિંસાની નાની-મોટી ઘટનાઓ સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...