તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં દહેશત અને ભયનું વાતાવરણ છે. તાલિબાનોએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. અમેરિકા પણ તેના અધિકારીઓ અને સૈનિકોને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી બહાર કાઢવા માગે છે. આવી સ્થિતિમાં અહીં ફસાયેલા ભારતીય નાગરિકોની સલામતી ચિંતાનો વિષય બન્યો છે. અફઘાનિસ્તાન મામલે અજિત ડોભાલે પણ અમેરિકાના NSA સાથે વાત કરી છે.
કાબુલમાંથી 640 લોકોએ ભાગીને બચાવ્યો જીવ
અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર અંધાધૂંધી બાદ યુએસ એરફોર્સના સી -17 વિમાનોની તસવીરો સામે આવી છે. આ તસવીરમાં દેખાય છે કે આ વિમાનને તેની સાથે સેંકડો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ આ વિમાનમાં 640 લોકો હાજર હતા. જેઓને કતાર લઈ જવામાં આવ્યા છે.
ભારતીય વાયુસેનાના વિમાને 120 ભારતીય નાગરિકોને લઈને ઉડાન ભરી
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને અધિકારીઓને બચાવવા માટે ભારત સરકારના પ્રયાસો ચાલી રહ્યા છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના C -17 વિમાને આજે 120 ભારતીય નાગરિકો સાથે ઉડાન ભરી છે.
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે ઇન્ડિયન એરફોર્સ 'દેવદૂત' બની
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી પરિસ્થિતિ કથળવા લાગી છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન 120થી વધુ ભારતીય અધિકારીઓ સાથે કાબુલથી ઉડાન ભરી છે. આ લોકોને ગઈ મોડી સાંજે એરપોર્ટના સલામત વિસ્તારોમાં સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત અને સ્ટાફ જલદી જ દેશમાં પરત ફરશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાઘચીએ કહ્યું હતું કે હાલની પરિસ્થિતિને જોતાં અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત અને તેમના સ્ટાફને તાત્કાલિક ભારત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે કરી વિઝા જોગવાઈઓની સમીક્ષા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝા જોગવાઈઓની સમીક્ષા કરી. ઇલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી જેને ‘e-Emergency X-Misc Visa’કહેવાય છે, ભારતમાં પ્રવેશ માટે વિઝા અરજીઓને ઝડપી બનાવવા માટે શરૂ કરવામાં આવી છે.
500 મિલિયન ડોલરની નાણાકીય સહાય
વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શરણાર્થીઓ અને સ્થળાંતરની જરૂરિયાતો પૂરી કરવાના ઉદ્દેશથી "અમેરિકન કટોકટી શરણાર્થી અને પ્રવાસન સહાયતા ફંડ' માંથી 500 મિલિયન ડોલરની આર્થિક સહાય પૂરી પાડવી રાષ્ટ્રીય હિતમાં મહત્ત્વપૂર્ણ છે.
અમેરિકાના વિદેશ મંત્રીએ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાત કરી
અમેરિકાના વિદેશમંત્રી ટોની બ્લિન્કને સોમવારે તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ વિશે વાત કરી. ભારતના વિદેશમંત્રી જયશંકરે ટ્વીટ કરીને ટોની બ્લિન્કેન સાથે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.