ચર્ચામાં શહેબાઝ શરીફ:પોતાને ચીફ સર્વન્ટ કહે છે, શાયરીના શોખીન, પત્ની માટે પુલ બનાવડાવ્યો

ઈસ્લામાબાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જન્મ: 23 સપ્ટેમ્બર, 1951, લાહોર
અભ્યાસ: બી.એ., ગવર્નમેન્ટ કોલેજ યુનિવર્સિટી, લાહોર
પરિવાર: સત્તાવાર રીતે ત્રણ નિકાહ કર્યા, પાંચ બાળકો
સંપત્તિ: 700 કરોડ રૂપિયા
(વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર)

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે સાઉદી પ્રિન્સને પાકિસ્તાન સ્ટેટ બેન્કમાં જમા 23 હજાર કરોડ રૂપિયા ના ઉપાડવાની અપીલ કરી છે. વાસ્તવમાં, પાકિસ્તાન અત્યારે મોટા આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે જેની સીધી જ અસર પાકિસ્તાનમાં બનેલી નવી સરકાર પર પડી છે, જેની કમાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચૂકેલા શહેબાઝ શરીફના હાથ પર છે. શહેબાઝને કુશળ સંચાલક માનવામાં આવે છે. ઉર્દુ શાયર અલ્લામા ઇકબાલના પ્રશંસક શહેબાઝ તેઓની નઝમોને જીવનનો આધાર માને છે. પંજાબમાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શહેબાઝ પોતાને ખાદિમ-એ-આલા એટલે કે ચીફ સર્વન્ટ કહેતા હતા. તેઓ પ્રધાનમંત્રી બન્યા બાદ તેમના નિકાહની નેશનલ-ઇન્ટરનેશનલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઇ. ખાસ કરીને તેમની બીજી પત્ની આલિયા હનીની. વાસ્તવમાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તેઓએ એક પુલનું નિર્માણ કરાવ્યું હતું જેને હની બ્રિજ કહેવાય છે. લોકો કહે છે કે, પત્ની આલિયાને અવર-જવર દરમિયાન આવતી અડચણોને દૂર કરવા માટે શહેબાઝે આ પુલનું નિર્માણ કરાવ્યું હતું. જોકે લગ્ન એક વર્ષ સુધી પણ ટક્યાં ન હતાં.

પ્રારંભિક જીવન: મૂળ કાશ્મીરના છે, ત્રણ લગ્ન કરી ચૂક્યાં છે
શહેબાઝ શરીફના પિતા મોહમ્મદ શરીફ પાકિસ્તાનના એક સફળ ઉદ્યોગપતિ હતા. તેમની માતા શમીમ અખ્તર પુલવામાના રહેવાસી હતાં. તેમનો પરિવાર મૂળ કાશ્મીરનો છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલાં તેમના પિતા કાશ્મીરના અનંતનાગમાં રહેતા હતા. વેપારના હેતુસર પંજાબના અમૃતસર જિલ્લાના જાતિ ઉમરા ગામમાં આવીને વસવાટ કર્યો. 1947માં વિભાજન દરમિયાન તેમનો પરિવાર લાહોર સ્થળાંતરિત થયો. તેમનું પ્રારંભિક શિક્ષણ લાહોરમાં પૂરું થયું. તેમના બે મોટા ભાઇ અબ્બાસ અને નવાઝ શરીફ છે. નવાઝ ત્રણ વાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. 1973માં તેમણે પોતાની પિતરાઇ બહેન બેગમ નુસરત સાથે લગ્ન કર્યાં. તેમને પાંચ બાળકો છે. 1993માં બેગમ નુસરતનાં મોત બાદ તેમણે બે વધુ લગ્ન કર્યા.

કારકિર્દી: 6 વિધાનસભા ચૂંટણીમાં જીત, 3 વાર પાકિસ્તાનના પંજાબમાં મુખ્યમંત્રી રહ્યા
પરિવારના સ્ટીલના વેપારમાં જોડાયા બાદ 1985માં તેઓ લાહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. તેને જ રાજકીય કારકિર્દી માટેનું તેમનું પ્રથમ પગલું માનવામાં આવે છે. આ બાદ 1988, 1990 અને 1993માં પંજાબ પ્રાંતની વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી. 1997માં તેઓ પંજાબના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ 2008 અને 2013 એટલે કે ત્રણ વખત પંજાબના મુખ્યમંત્રી રહ્યા.

રસપ્રદ: 9 વર્ષ સુધી નિર્વાસિત રહ્યા
1999માં મુશર્રફ દ્વારા નવાઝ શરીફ સરકારનો સત્તાપલટો કરાયા બાદ 2007 સુધી સાઉદી અરબમાં નિર્વાસિત જીવન વ્યતિત કર્યું.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતને યુનાઇટેડ નેશન અને ઇન્ટરનેશનલ લેબર કોન્ફરન્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર રિપ્રઝેન્ટ કરી ચૂક્યા છે.
વર્કઆઉટ કરવાના શોખીન છે, સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરે છે.

વિવાદ: મની લોન્ડરિંગના 732 કરોડ રૂપિયાના મામલે ધરપકડ કરાઇ

  • ​​​​​​​1999માં સઇદુદ્દીન નામની વ્યક્તિએ તેમના પર પુત્રની હત્યાનો આરોપ લગાવતા FIR દાખલ કરી.
  • 2007માં આ મામલે તેમની ધરપકડ કરાઇ.
  • 2017માં પનામા પેપર લીક મામલે પાકિસ્તાનની તપાસ એજન્સી જેઆઇટીએ 3 કલાક સુધી પૂછપરછ કરી.
  • 2018માં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને તેમના પર પૂર્વ પત્ની રેહમ ખાનની સાથે મળીને તેમની છબી ખરડાવવા માટે પુસ્તક છપાવ્યું હોવાનો આરોપ લગાવ્યો.
  • 2020માં પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરોએ 732 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના મામલામાં તેમની ધરપકડ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...