બાળકોને લંચમાં શું આપવાનું છે અને શું નહીં, તે દરેક માતા માટે એક ચિંતાનો વિષય હોય છે. અનેકવાર એવું જોવા મળ્યું છે કે બાળકોને બજારનું વધુ તેલવાળું ખાવાનું વધુ પસંદ હોય છે, પરંતુ તે અનેકવાર શરીરના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. હાલમાં ઈંગ્લેન્ડમાં એક શોધનાં પરિણામ જણાવે છે કે 60માંથી માત્ર એક બાળકના સ્કૂલ લંચબોક્સનું ખાવાનું પૌષ્ટિક હોય છે.
લીડ્સ યુનિવર્સિટીના શોધ અનુસાર એક તૃતીયાંશ બાળકોના લંચમાં ખાંડની માત્ર વધુ હતી. બીજી તરફ માત્ર અડધાં બાળકોના લંચમાં ફળ સામેલ હતાં. માત્ર 20% બાળકોના લંચબોક્સમાં લીલાં શાકભાજી સામેલ હતાં. ટિફિનમાં મોકલવામાં આવતી સેન્ડવિચમાં સફેદ બ્રેડનો ઉપયોગ થયો હતો, જેમાં જામ અને ચોકલેટ બાર મળ્યા. માત્ર 1.6% બાળકોના લંચ જ પોષક માપદંડ સ્તરના હતા.સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું કે બાળકો દૈનિક આધારે સૉસેજ રોલ્સ, બિસ્કિટ જેવી ચીજો વધુ ખાતા રહે છે, પરંતુ ફળ અને શાકભાજીનું સેવન ઘણું ઓછું કરે છે.
આ ખુલાસા બાદ બ્રિટનની એક સંસ્થા સ્કૂલોની સાથે જોડાઈને માતા-પિતાને એવું શીખવાડવાનો પ્રયાસ કરી રહી છે કે બાળકોના લંચબોક્સમાં શું આપવું જોઈએ. બાળકોના પોષણમાં સુધારો લાવવા માટે આ સંસ્થા 100થી વધુ સ્કૂલોની સાથે કામ કરી ચૂકી છે. સંસ્થા માતા-પિતા માટે વિશેષ સત્ર રાખે છે. તેમાં તેમને જણાવાય છે કે તેઓ કેવી રીતે પોતાનાં બાળકોના લંચ પોષણથી ભરપૂર બનાવી શકે છે. ઈંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ માતા-પિતા અને 76 સ્કૂલ તેમાં હિસ્સો લઈ ચૂક્યાં છે.
પૌષ્ટિક ભોજન લેતાં બાળકો એકાગ્ર થઈને ભણી શકે છે
નેશનલ ઓબેસિટી ફોરમના ટેમ ફ્રોઈ મુજબ જો બાળકો જંક ફૂડને બદલે પૌષ્ટિક ભોજન કરે છે તો તેઓ એકાગ્ર થઈને ભણી શકે છે. તેઓ સ્કૂલમાં સમજાવવામાં આવતી દરેક વાતને વધુ સમય સુધી યાદ રાખી શકે છે. બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.