ઋષિ સુનકે કહ્યું- ચીન વિશ્વ માટે સૌથી મોટો ખતરો:બ્રિટનના PM પદના નંબર વન દાવેદારે કહ્યું- PM બનીશ તો પ્રથમ દિવસે જ પોલિસી બદલીશ

લંડન14 દિવસ પહેલા

બ્રિટનમાં વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવતા ભારતીય મૂળના ઋષિ સુનકે ચીન મુદ્દે કડક વલણ દર્શાવ્યું છે. સુનકે કહ્યું કે આ બાબત બિલકુલ સ્પષ્ટ થઈ ચુકી છે કે ચીન આપણા દેશ તથા વિશ્વ માટે સૌથી મોટું જોખમ છે. જો હું પ્રધાનમંત્રી બનીશ તો પ્રથમ દિવસથી જ ચીન સામે કડક પગલાં ભરવામાં આવશે.

બ્રિટનના નવા પ્રધાનમંત્રીનું નામ 5 સપ્ટેમ્બરના રોજ જાહેર થશે. સુનક ઉપરાંત લીઝ ટ્રસ PM પદની સ્પર્ધામાં છે. પ્રથમ રેસમાં 8 ઉમેદવાર હતા. પાંચ રાઉન્ડના સાંસદોના મતદાન બાદ આ બને ઉમેદવારના નામ રહ્યા છે. હવે પાર્ટીના આશરે 2 લાખ મેમ્બર્સ બેલેટ વોટિંગથી PMનું નામ નક્કી કરશે.

સુનકનું ચીન સામે શા માટે કડક વલણ?
કેટલાક દિવસ અગાઉ સુનકને ચેલેન્જ કરી રહેલ લીઝ ટ્રસે તેમની ઉપર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. લીઝે કહ્યું હતું કે ચીન અને રશિયા પ્રત્યે ઋષિનું વલણ ઘણુ નરમ જણાય છે. ખાસ વાત એ છે કે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ સુનકની ઘણી પ્રશંસા કરી હતી. આ ઉપરાંત અખબારે તો સુનકને બ્રિટનના PMની સ્પર્ધામાં એકમાત્ર ઉમેદવાર ગણાવ્યા હતા.

હવે ઋષિ શું કહી રહ્યા છે?
ફાઈનલ વોટિંગ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ કરવાનું છે. ટ્રસના નિવેદનોથી આ સભ્યોમાં એવા સંકેત જઈ રહ્યા હતા કે સુનક ચીન તથા રશિયા પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે. એટલે જ તો સુનકે રવિવાર અને સોમવારે ડ્રેગન સામે કડક વલણ અપનાવ્યુ.

બ્રિટનના આ ભૂતપુર્વ નાણાં મંત્રીએ કહ્યું કે ચીન બ્રિટન ઉપરાંત સમગ્ર વિશ્વની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. જો હું પ્રધાનમંત્રી બન્યા તો પ્રથમ દિવસે જ ચીનને લગતી જે નીતિ ચાલી રહી છે તેને બદલી નાંખીશ. સુનકના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં ચાલી રહેલા ચીનના તમામ કન્ફ્યૂશિયસ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ બંધ કરવામાં આવશે. ઈન્ટેલિજન્સ એજન્સી MI5ને કહેવામાં આવશે કે તે તમામ લેવલ પર ચીનની જાસૂસીને કડકપણે અટકાવે.

ગરીબ દેશોને દેવાના ષડયંત્રમાં ફસાવે છે ચીન

સુનકે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્લાનને ગરીબ તથા વિકાસશીલ દેશો સામે ષડયંત્રણ ગણાવ્યું હતું. આ સાથે કહેવામાં આવ્યું હતું કે ચીન આ રીતે ષડયંત્ર રચે છે કે વિકાસશીલ દેશ તેમના દેવાની જાળમાં ફસાય છે. આ દેવુ ક્યારેય પરત કરી શકાય તેમ હોતુ નથી.

અન્ય સમાચારો પણ છે...