અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધ બ્રિટન કડક પગલાં લેવા જઈ રહ્યું છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી હવે બ્રિટન તાલિબાન સામે દરેક પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર છે. બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાબે કહ્યું કે, તાલિબાનને જવાબદાર ઠેરવવા માટે બ્રિટન પોતાના દરેક સાધનોનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. રોઈટર્સના અહેવાલ મુજબ, બ્રિટનના વિદેશમંત્રીએ કહ્યું કે, તાલિબાનની આ હરકત ચલાવી ના લેવાય અને અમે તાલિબાન પર પ્રતિબંધ લગાવીશું. તેમણે કહ્યું કે અમે ઓડિએ - એટલે કે અફઘાનિસ્તાનને મળતી તમામ વિકાસ સહાયતા રોકી દેશું. મને લાગે છે કે આ સારો રસ્તો છે. બ્રિટન કઈ પ્રકારના પ્રતિબંધ લગાવશે? તેના જવાબમાં વિદેશ મંત્રી ડોમનિક રાબનું કહેવું છે કે, અમે દરેક પ્રકારની સહાય રોકીને પ્રતિબંધ લગાવી દઈશું. છતાં તાલીબાનના વર્તન ઉપર તેનો આધાર છે.
બ્રિટન ક્યારેય તાલિબાન સાથે સીધો સંપર્ક નહીં રાખે
બ્રિટિશ ન્યૂઝ વેબસાઈટ સ્કાય ન્યૂઝના અહેવાલ અનુસાર, ડોમનિક રાબે કહ્યું છે કે, તાલીબાન, અફઘાનિસ્તાન તરફ જે તેજીથી આગળ વધ્યું છે તેની કોઈને કલ્પના નહોતી. કોઈએ તેમને આ રીતે આગળ વધતા નથી જોયા. શું બ્રિટન કાર્યવાહી કરવા માગતું હતું? જવાબમાં બ્રિટનના વિદેશમંત્રીએ કહ્યું કે, અમને ખબર હોત કે તાલિબાન કઈ રીતે આગળ વધી રહ્યા છે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી હોત. અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા મેળવ્યા પછી પણ બ્રિટન તાલિબાન સાથે કોઈ ઔપચારિક સંબંધ રાખવા માંગતું નથી. કારણ કે આ ઇસ્લામિક સંગઠન માનવ અધિકાર પર ખરું ઉતરતું નથી. ડોમનિક રાબે કહ્યું કે, તાલિબાને તેનું વલણ કુણું રાખવું પડશે. જો કે બ્રિટન ક્યારેય તાલિબાન સાથે સીધો સંપર્ક નહીં રાખે, થર્ડ પાર્ટી મારફત તાલિબાન સાથે સંપર્ક રાખીશું.
તાલિબાનોને આર્થિક નબળા પાડવાની નીતિ
ડોમિનિક રાબે સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, અફઘાનિસ્તાનનો ઉપયોગ પશ્ચિમી દેશો વિરુદ્ધ આતંકી હુમલાઓ કરવા માટે ના થવો જોઈએ. તાલિબાનોને નબળા પાડવા માટે તેના પાર આર્થિક પ્રતિબંધ જ એક ઉપાય છે. તેમણે એમ પણ કહ્યું કે, તાલિબાન પર ભરોસો નહીં રાખવો જોઈએ. પણ વિશ્વના નેતાઓએ આશાવાદી બનવું જોઈએ અને એ જોવું જોઈએ કે તાલિબાનો પશ્ચિમી દેશો સાથે વાતચીત અને વર્તનમાં બદલાવ લાવે છે કે નહીં.
ઉદાર દેખાવા માગશે તાલિબાન?
ઘણા નિષ્ણાતોનું કહેવું છે અને મને પણ એવું લાગે છે કે તાલિબાનની આ ઈનિંગ 1996વાળી તેમની ઈનિંગથી અલગ હશે અને સારી હશે. સૌથી મોટી વાત એ છે કે અમેરિકાએ તાલિબાનની સાથે ચર્ચા અને કરાર કરીને તેમને માન્યતા આપી છે. આ કરાર અંતર્ગત એક રીતે અમેરિકાએ અફઘાનિસ્તાનને તાલિબાનને પરત સોંપી દીધા છે. જ્યારે પણ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકેનને પૂછવામાં આવે છે કે શું અમેરિકા તાલિબાનની સરકારને માન્યતા આપશે તો તેમણે સ્પષ્ટ રીતે ઈનકાર કર્યો નથી.
તાલિબાન માટે સૌથી મોટું પરિવર્તન એ છે કે આ વખતે તેમને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી શકે છે, જે તેમને અગાઉ મળી ન હતી. તાલિબાન એ વાતના પણ સબૂત આપી રહ્યા છે કે તે શીખી રહ્યા છે. તે મીડિયા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની છબિ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તાલિબાનને એ વાતનો અહેસાસ થઈ ચૂક્યો છે કે જો તે અફઘાનિસ્તાનમાં સફળ થવા માગે છે તો તેમને પોતાની છબિ સુધારવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.