ભાસ્કર વિશેષ:બ્રિટન: ‘4 દિવસ કામ’ની સૌથી મોટી ટ્રાયલ, તેમાં 70 કંપનીઓના 3300 કર્મચારીઓ સામેલ થશે

લંડન22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 80% સમયમાં 100% ઉત્પાદન અને વેતનનું મૉડલ

બ્રિટનમાં હવે કર્મચારીઓ માત્ર ચાર દિવસ કામ અને બાકીના દિવસ આરામ ફરમાવશે. વાસ્તવમાં, આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરતા પહેલાં દુનિયાના સૌથી મોટા પાઈલટ પ્રોજેક્ટની ટ્રાયલ બ્રિટનમાં શરૂ થઇ રહી છે. તેમાં 70 કંપનીઓના 3300 કર્મચારીઓ 6 મહિના સુધી સપ્તાહમાં માત્ર ચાર દિવસ જ કામ કરશે. આ ટ્રાયલ 100:80:100ના ગુણોત્તર પર આધારિત છે, જેમાં 100% પ્રોડક્ટિવિટી જાળવી રાખવાના વાયદાના બદલામાં 80% સમય માટે 100% વેતન આપવામાં આવશે. થિન્ક ટેન્ક ઓટોનોમી, 4 ડે વીક કેમ્પેઇન અને ક્રેમ્બિજ યુનિવર્સિટી, ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને બોસ્ટન કોલેજના સંશોધકોના સહયોગથી 4 ડે વીક ગ્લોબલ દ્વારા આયોજિત કરાશે.

આ દરમિયાન કોર્પોરેટ પ્રોડક્ટિવિટીની સાથે જ કર્મચારીઓના હિત અને પર્યાવરણ સહિત જાતીય સમાનતા પર અસરનું પણ આકલન કરાશે. આ માટે સંશોધકો પ્રત્યેક ભાગ લેનારા સંગઠનો સાથે જોડાશે. તેમાં સોફ્ટવેર ફર્મથી લઇને ચિપ્સ બનાવતી કંપનીને સામેલ કરાઇ છે. કર્મચારીઓના એક લીડરે કહ્યું કે સામાન્યપણે તેઓ વધુ કામને કારણે થાક અનુભવે છે. એટલે આશા છે કે, આરામ કરવા માટે વધુ સમય મળવાથી ઊર્જા પણ વધશે.

વર્ષના અંતમાં સ્પેન અને સ્કોટલેન્ડમાં પણ ટ્રાયલ શરૂ થશે
આ વર્ષના અંત સુધીમાં સ્પેન અને સ્કોટલેન્ડમાં પણ બ્રિટનની માફક જ ચાર દિવસીય સપ્તાહની ટ્રાયલ શરૂ થશે. કોરોના બાદ કંપનીઓ ઓછા કલાકોમાં વધુ આઉટપુટ કઇ રીતે આપી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી તેઓ સ્પર્ધામાં મજબૂત રીતે ટકી શકે.

અન્ય સમાચારો પણ છે...