ઓસ્ટ્રેલિયામાં સતત મંદિરો પર હુમલાની ઘટના સામે આવી રહી છે. હવે બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી-નારાયણ મંદિરમાં હુમલો થયો છે. ઓસ્ટ્રેલિયા ટુડેના રિપોર્ટ મુજબ, આ પ્રહાર ખાલિસ્તાન સમર્થકોએ કર્યો હતો. અહીં અજાણ્યા લોકોએ મંદિરની દીવાલો પર ભારતના પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા. આ પહેલાં 21 ફેબ્રુઆરીની રાત્રે બ્રિસ્બેનમાં ઈન્ડિયન કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો.
છેલ્લા 2 મહિનામાં મંદિર પર પ્રહારની આ ચોથી ઘટના છે. સૌથી પહેલા 12 જાન્યુઆરીએ મેલબર્નમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરુદ્ધ નારા લખવામાં આવ્યા હતા. ત્યાર બાદ 18 જાન્યુઆરીએ મેલબર્નમાં શિવ મંદિરમાં તોડફોડ કરી હતી. 23 જાન્યુઆરીએ મેલબર્નમાં આવેલા ઈસ્કોન મંદિરમાં પણ ભારતવિરોધી નારા લખવામાં આવ્યા હતા.
ખાલિસ્તાની ઝંડો કોન્સ્યુલેટમાં ફેંક્યો હતો
રિપોર્ટ મુજબ, 21 ફેબ્રુઆરીની રાત્રે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ કોન્સ્યુલેટ પર હુમલો કર્યો અને અહીં ખાલિસ્તાની ઝંડો ફેંક્યા હતો. 22 ફેબ્રુઆરીની સવારે જ્યારે કાઉન્સિલ અર્ચનાસિંહ જ્યારે અહીં પહોંચ્યાં તો તેમણે ઝંડો જોયો હતો. અર્ચનાએ તરત જ આ મામલે ક્વિસલેન્ડ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઝંડો જપ્ત કર્યો હતો.
હિન્દુઓને સતર્ક રહેવાની જરૂર
ઓસ્ટ્રેલિયા એસોસિયેશન ઓફ આયુર્વેદના અધ્યક્ષ ડો. નવીન શુક્લાએ જણાવ્યું હતું કે મેલબર્નમાં બનેલી ઘટનાઓ દર્શાવે છે કે હિન્દુ સમુદાયે સતર્ક રહેવાની જરૂર છે. મેલબર્નમાં જે થઈ રહ્યું છે એને કારણે કેનેડા અને અમેરિકા જેવી હાલત અહીં પણ થઈ શકે છે. માટે સરકારે પણ સુરક્ષા બાબતે વધુ ધ્યાન આપવું પડશે.
સમુદાયમાં સક્રિય ભારતીય મૂળના બલજિંદર સિંહ કહે છે કે આવી ઘટનાઓથી ભારતથી અહીં આવીને વસેલા અને અભ્યાસ કરતા લોકો પર અસર થશે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા લોકો ખરેખરમાં અહીં રહેતા લોકો અને ભવિષ્યમાં આવનારા ભારતીય લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ત્રીજો સૌથી મોટો ધર્મ
ખરેખર ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ત્રીજો સૌથી મોટો ધર્મ છે. 2021ની વસતિ ગણતરી મુજબ ઓસ્ટ્રેલિયામાં 6.84 લાખ હિન્દુ રહે છે. આ ત્યાંની વસતિના 2.7% છે. જ્યારે શીખોની સંખ્યા લગભગ 2.09 લાખ છે, જે કુલ વસતિના 0.8% છે.
સૌથી મોટી વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા 34% હિન્દુઓની ઉંમર 14 વર્ષ છે અને 66% હિન્દુઓની ઉંમર 34 વર્ષ છે. આટલું જ નહીં, જુલાઈ 2022ના ડેટા અનુસાર, ઓસ્ટ્રેલિયામાં ભારતમાં 96 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમાં ચીન પછી બીજા નંબરના વિદેશી વિદ્યાર્થીઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.