બ્રિટનના PMના સિક્રેટ લગ્ન:બોરિસ જોનસને પોતાનાથી 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ કેરી સાઇમન્ડ્સ સાથે કર્યા લગ્ન; કેથેડરલ ચર્ચમાં સેરેમની યોજાઇ

લંડન8 મહિનો પહેલા
ગયા વર્ષે બોરિસ જોનસને કેરી સાથે સંબંધો જાહેર કર્યા હતા. આ સાથે જ આવનાર બાળક વિશે પણ જણાવ્યું હતું. - ફાઇલ ફોટો
  • બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શનિવારે કેરી સાઇમન્ડ્સ સાથે સિક્રેટ લગ્ન કર્યા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શનિવારે કેરી સાઇમન્ડ્સ સાથે સિક્રેટ લગ્ન કર્યા છે. બ્રિટન મીડિયા રિપોર્ટના હવાલેથી ન્યૂઝ એજન્સી રોયટર્સે બ્રિટિશ જણાવ્યું છે કે આ લગ્ન સેરેમની વેસ્ટમિંસ્ટર કેથેડરલ ચર્ચ ખાતે યોજાઇ હતી. જો કે, જોનસનના ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસના પ્રવક્તાએ આ અહેવાલો પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

રવિવારે બ્રિટિશ અખબાર ધ સન એન્ડ મેઇલમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, લગ્નના બધા મહેમાનોને છેલ્લી ઘડીએ આમંત્રણ અપાયું હતું. આ લગ્ન અંગેની માહિતી વરિષ્ઠ અધિકારીઓને પણ આપવામાં આવી ન હતી. કોરોનાને કારણે બ્રિટનમાં ફક્ત 30 લોકોને જ લગ્નમાં સામેલ થવાની મંજૂરી છે.

વડાપ્રધાન બન્યા બાદથી જ સાથે રહેતા હતા
2019માં જોનસન વડાપ્રધાન બન્યા ત્યારબાદથી જ તેની 33 વર્ષીય ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ્સ સાથે ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેતા હતા. ગયા વર્ષની શરૂઆતમાં, તેમણે તેના અને કેરીના સંબંધોની જાહેરાત કરી હતી. આ સાથે જ આવનારા બાળક વિશે પણ જણાવ્યું હતું. 2020માં તેમના પુત્રનો જન્મ થયો હતો.

તેમણે તેમનું નામ વિલ્ફ્રેટ લૌરી નિકોલસ જોનસન રાખ્યું હતું. એક મહિના પહેલા પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે મિત્રો અને પરિવારના સભ્યોને જ લગ્નનું આમંત્રણ જુલાઈ 2020માં જ મોકલવામાં આવ્યું હતુ.

બોરિસના બે વાર છૂટાછેડા થયા છે
વડાપ્રધાન જોનસનનું અંગત જીવન હંમેશાં ખૂબ જ જટિલ રહ્યું છે. તેઓ અત્યાર સુધી બે વાર છૂટાછેડા લઈ ચૂક્યા છે. આ પહેલા તેમણે એક વકીલ મેરિના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા. બંનેને ચાર બાળકો છે. સપ્ટેમ્બર2018માં બંને અલગ થઈ ગયા. એકવાર તેમને લગ્નેતર સંબંધ અંગેના ખોટું બોલવા બદલ કન્ઝર્વેટિવ પાર્ટીની પોલિસી ટીમમાંથી બરતરફ પણ કરવામાં આવ્યા હતા.